15 February, 2026 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
છાતીમાં ઇન્ફેક્શન થવાને લીધે NCP-SPના વડા શરદ પવારને ૯ ફેબ્રુઆરીએ પુણેની રુબી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો જણાતાં ગઈ કાલે તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. તેમનાં દીકરી અને સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે ડૉક્ટરે તેમને ત્રણથી ૪ દિવસ આરામ કરવાનું કહ્યું છે એટલે હાલ થોડા દિવસ તેઓ ઘરે જ આરામ કરશે, એ પછી તેઓ તેમના રોજિંદા કામમાં જોડાશે.’ શરદ પવારના નજીકના મિત્ર અને સાથી વિઠ્ઠલ મણિયારે કહ્યું હતું કે ‘હાલ કેટલાક દિવસ પવારસાહેબ તેમના પુણેના ઘરે જ રહેશે. તેમનો દવાનો કોર્સ પૂરો કર્યા પછી તેઓ મુંબઈ જશે.’
મુંબઈ પોલીસના ઝોન-૧૦ હેઠળ અંધેરી, MIDC, મેઘવાડી, જોગેશ્વરી, સાકીનાકા અને પવઈ પોલીસ-સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ પોલીસ-સ્ટેશનોમાં ચોરી થઈ હોય, મતા ખોવાઈ ગઈ હોય, છેતરપિંડી કરીને કે સાઇબર ગુનામાં પડાવી લેવાઈ હોય એવી ફરિયાદો કરનારા ૪૦૨ ફરિયાદીઓની ફરિયાદ પર તપાસ કરીને આ પોલીસ-સ્ટેશનના સ્ટાફે કુલ ૨,૯૦,૯૪,૦૦૦ રૂપિયાની મતા શોધી કાઢી હતી અને એના માલિકોને પાછી સોંપી હતી. આ મતામાં રોકડ, સોના-ચાંદીના દાગીના, ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, ૪૪૨ મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓનો સમાવેશ થતો હતો. પોતાની ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુઓ પાછી લેવા મરોલના સેવન હિલ્સ ઑડિટોરિયમમાં આવેલા લોકોના મોં પર ખુશીની ઝલક જોવા મળી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે બીડ જિલ્લાના પરલીમાં આયોજિત કરવામાં આવેલા પશુધન એક્સ્પો 2026માં હાજરી આપી હતી. એ વખતે તેમની સાથે પંકજા મુંડે પણ હતાં. એક્સ્પોમાં તેમણે માત્ર ૮૩.૮ સેન્ટિમીટરની ઊંચાઈ ધરાવતી જગતની સૌથી ટચૂકડી ભેંસ ‘રાધા’ને વહાલ કર્યું હતું. આ ભેંસને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.
થાણે પોલીસે ૨.૧૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ડોમ્બિવલીમાંથી જપ્ત કર્યું છે અને આ ડ્રગ્સ રાખવાના આરોપમાં ૩ જણની ધરપકડ કરી છે. પોલીસ-પૅટ્રોલિંગ ટીમે શુક્રવારે ડોમ્બિવલીમાં ૩ લોકોને અટકાવ્યા હતા. એક નાઇજીરિયન નાગરિક સહિત ત્રણેયે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડી લીધા હતા. તપાસ દરમ્યાન તેમની પાસેથી ૨.૧૫ કરોડ રૂપિયાનું કોકેન અને મેફેડ્રોન મળી આવ્યાં હતાં. અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ અતુલ ઝેંડેએ જણાવ્યું હતું કે ‘આ ધરપકડ કલ્યાણ ઝોનમાં ડ્રગ્સની હેરાફેરી સામેના અભિયાનનો એક ભાગ છે. જાન્યુઆરી ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન અમે ૧૦૧ કેસ નોંધ્યા અને ડ્રગ્સસંબંધિત ૧૪૬ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. અમારી અલગ-અલગ ટીમે ૪૪ કિલોથી વધુ ગાંજો, ૪ કિલો MD અને નાઇટ્રાઝેપામ અને હશિશ જેવા અન્ય વિવિધ પ્રતિબંધિત પદાર્થો જપ્ત કર્યા, એની કુલ કિંમત ૬.૩૬ કરોડ રૂપિયાથી વધુ છે.
સુરતમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં મહાશિવરાત્રિની ઉજવણી નિમિત્તે શ્રીફળની ગોઠવણી કરીને શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ શિવલિંગ ૧૧ ફુટ ઊંચું છે. બુધવારથી આ શિવલિંગ શ્રદ્ધાળુઓનાં દર્શન માટે રાખવામાં આવ્યું છે.