✕

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળી ઑનરરી DLittની પદવી

18 October, 2026 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં જાહેર જીવન, સંસ્થાકીય વિકાસ, માળખાકીય સુવિધાઓનો વિકાસ, સામાજિક કલ્યાણ અને જળસંરક્ષણના પ્રયાસોમાં દેવેન્દ્ર ફડણવીસે આપેલા યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસને મળી ઑનરરી DLittની પદવી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગઈ કાલે ઑનરરી ડૉક્ટર ઑફ લિટરેચર (DLitt)ની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પદવી વર્ધા જિલ્લાના સાવંગી ખાતે આવેલી અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (AIHER)ના ૧૭મા દીક્ષાંત સમારોહ દરમ્યાન આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં જાહેર જીવન, સંસ્થાકીય વિકાસ, માળખાકીય સુવિધાઓનો વિકાસ, સામાજિક કલ્યાણ અને જળસંરક્ષણના પ્રયાસોમાં દેવેન્દ્ર ફડણવીસે આપેલા યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીનાં ચાન્સેલર ડૉ. પ્રીતિ અદાણીએ કરી હતી. દેવેન્દ્ર ફડણવીસની સાથે નૅશનલ મેડિકલ કમિશન (NMC)ના અધ્યક્ષ ડૉ. અભિજાત શેઠને પણ માનદ ડૉક્ટર ઑફ સાયન્સ (DSc)ની પદવી એનાયત કરવામાં આવી હતી.

નવી મુંબઈની APMC માર્કેટમાં રીઢા લૂંટારાઓનો આતંક

ગુરુવારે એક જ રાતમાં સ્કૂટી પર આવેલા બે જણે ૪ વ્ય‌ક્તિના મોંઘા મોબાઇલ ફોન આંચકી લીધા

નવી મુંબઈના વાશીમાં APMC માર્કેટ અને એની આસપાસના વિસ્તારમાં ગુરુવારે સિલ્વર રંગની સ્કૂટી પર સવાર બે બદમાશોએ મધરાતે થોડા-થોડા સમયે રસ્તા પર ઊભા રહીને ફોન પર વાત કરી રહેલા ૪ અલગ-અલગ યુવાનોને એક પછી એક નિશાન બનાવ્યા હતા. અચાનક પાછળથી આવીને હાથમાંથી ફોન ઝૂંટવી લેવાની આ સિરિયલ લૂંટની ઘટનાઓને કારણે સમગ્ર વિસ્તારમાં વેપારીઓ અને નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ APMC પોલીસે ૪ સેપરેટ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

મધરાતે ૧૨.૪૫ વાગ્યાથી બે વાગ્યા દરમ્યાન બનેલા ચારેય ગુનાઓમાં ચોરોની કાર્યપદ્ધતિ એકસરખી જ રહી હતી. એમાં આગળ બેઠેલો માણસ રંગીબેરંગી પટ્ટીવાળું શર્ટ અને પાછળ બેઠેલો દાઢી-મૂછવાળો માણસ કાળા રંગનું શર્ટ તથા ગ્રે પૅન્ટ પહેરેલો હતો. અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયેલા આ બન્ને આરોપીઓ વિરુદ્ધ APMC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCCTV કૅમેરાનાં ફુટેજના આધારે તેમની શોધખોળ શરૂ કરી છે.

રેલ નીરના ગ્રાહકોને GSTનો લાભ ન આપવા બદલ IRCTCને ૫૦ કરોડ જમા કરાવવાનો આદેશ

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અપેલેટ ટ્રિબ્યુનલે રેલ નીરના ગ્રાહકોને GSTનો લાભ ન આપવા બદલ ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)ને કન્ઝ્યુમર વેલ્ફેર ફન્ડમાં ૫૦.૪ કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. GST લાગુ થયા પછી પણ કરઘટાડા છતાં IRCTC દ્વારા ૧૫ રૂપિયા પ્રતિ બૉટલ ચાર્જ કરવાનું ચાલુ રાખવાની ફરિયાદ બાદ આ કેસ થયો હતો. IRCTCએ દલીલ કરી હતી કે રેલ મંત્રાલય મૅક્સિમમ રીટેલ પ્રાઇસ (MRP) નક્કી કરે છે જેના કારણે એ કિંમત ઘટાડી શકતું નથી. IRCTC પાસે આ રકમ જમા કરાવવા માટે એક મહિનાનો સમય છે જેમાં ૨૮ જૂન, ૨૦૧૯થી ૧૮ ટકા વ્યાજ પણ લાગુ થશે. જો ૩૦ દિવસની અંદર સંપૂર્ણ રકમ અને વ્યાજ ચૂકવવામાં ન આવે તો ૧૦ ટકા દંડ લાગુ થશે.

મુંબઈનો રોડ-ટૅક્સ ન ભરવો પડે એ માટે દીવ-દમણમાં લક્ઝરી કારનું રજિસ્ટ્રેશન

આમ કરનારા ભેજાબાજોની ૪૫ લક્ઝરી કાર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની નજરમાં, ચારથી પાંચ કરોડ રૂપિયાનો ટૅક્સ બચાવ્યો

મુંબઈનો રોડ-ટૅક્સ ન ભરવો પડે એ માટે દીવ અને દમણમાં ખોટી રીતે કારનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોય એવી ૪૫ લક્ઝરી કાર રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના નજરમાં આવી છે. આમ કરવાથી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને ચારથી પાંચ કરોડ રૂપિયાના ટૅક્સનું નુકસાન થયું છે. પાંચમી ઑક્ટોબરથી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ટૅક્સ બચાવવા માટે છેતરપિંડી કરીને દીવ અને દમણમાં લક્ઝરી કારનું રજિસ્ટ્રેશન કરનારાઓ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

મુંબઈના પશ્ચિમનાં ઉપનગરોમાં અંધેરીની આસપાસના વિસ્તારોમાં સૌપ્રથમ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ પ્રકારે રજિસ્ટ્રેશન કરાવવામાં આવી હોય એવી બે લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી હતી. આ ગોરખધંધો કરનારા ૪ કાર ડીલરશિપવાળા પર પણ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની નજર છે.

ડીલરશિપ એજન્ટ આઇડિયા આપે છે : RTO

રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના અધિકારીઓએ જણાવ્યા મુજબ અમુક વખત ડીલરશિપ એજન્ટો જ કાર ખરીદનારાઓને ટૅક્સ બચાવવા માટે દીવ અને દમણ રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવવાનો આઇડિયા આપતા હોય છે. કાર વેચવાની હોય અને કિંમત વિશે વાટાઘાટો ચાલતી હોય ત્યારે એજન્ટો આ કીમિયો સુઝાડતા હોય છે. જોકે અમુક વખત કારમાલિકો જાતે જ ટૅક્સ બચાવવા માટે આ રીત અપનાવતા હોય છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઇમ્પોર્ટેડ લક્ઝરી કાર પર ૧૫ ટકાથી ૨૦ ટકા રોડ-ટૅક્સ લાદવામાં આવે છે. જોકે અન્ય રાજ્યના ઍડ્રેસ પર રજિસ્ટ્રેશન કરાવવાથી આ કિંમત પોણા ભાગ જેટલી ઘટી જાય છે. ૪ કારડીલરોને પ્રશાસને આ મામલે ચેતવણી આપી છે.

હવે માત્ર લાઇસન્સધારક બ્લડ-સેન્ટરો જ યોજી શકશે રક્તદાન શિબિર

સંસ્થાઓ મુખ્ય આયોજક તરીકે બ્લડ-ડોનેશન કૅમ્પ નહીં રાખી શકે, પણ બ્લડ-સેન્ટર સાથે જોડાઈ શકશે

બ્લડ-ડોનેશન શિબિરોના આયોજનમાં નિયમોનું પાલન થાય અને બ્લડ-ડોનરોની સલામતી જળવાય એ માટે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો અનુસાર બ્લડ-ડોનેશન શિબિરનું સત્તાવાર આયોજન માત્ર લાઇસન્સધારક બ્લડ-સેન્ટરો જ કરી શકશે. સામાજિક, રાજકીય કે ખાનગી સંસ્થાઓ સ્વતંત્ર રીતે મુખ્ય આયોજક બનીને શિબિર યોજી શકશે નહીં. આ નિર્ણયથી બ્લડ-ડોનેશન કૅમ્પો યોજતી સંસ્થાઓએ હવે બ્લડ-સેન્ટરો સાથે સંકલન કરીને જ આયોજન કરવું પડશે. જોકે બ્લડ-સેન્ટરોના સંચાલકો કહે છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ પાસે બ્લડ-કૅમ્પમાં ડોનરોને આમં‍ત્રિત કરવા માટે પૂરતી મશીનરી અને મેનપાવર છે જે સરકારી ધોરણે અશક્ય છે, કટોકટીના સમયે સંસ્થાઓ તેમની પાસે મેનપાવર હોવાથી બહુ સ્પીડમાં બ્લડ-ડોનેશન કૅમ્પ યોજીને એને સફળતાપૂર્વક પાર પાડી શકે છે.

એની સામે FDAના કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ પગલાનો મુખ્ય હેતુ બ્લડ ડોનેશનની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને નિયમબદ્ધ બનાવવાનો છે. ખાસ કરીને બ્લડ-ડોનરોને બ્લડ-ડોનેશન કરવા માટે પ્રોત્સાહિત કરવા ઘડિયાળ, ગૅજેટ કે અન્ય ભેટ આપવાની પ્રથાને નિયમોનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે.

દહિસરમાં સવિતાબહેન ઝાટકિયાનો આજીવન સંથારો : ૧૭ ઉપવાસ પૂર્ણ

ગોંડલ સંપ્રદાયના તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા.ની અંતરીક્ષ કૃપાથી અને અજરામરનાં પૂ. યોગિનીબાઈ મ.સ. આદિ ઠાણાની પ્રેરણાથી ગોપાલગ્રામનિવાસી ધર્મપરાયણા સવિતાબહેન મણિલાલ ઝાટકિયાએ ૯૮ વર્ષની વયે આજીવન સંથારાની પ્રતિજ્ઞા કરી છે. ગઈ કાલે તેમનો ૧૭મો ઉપવાસ હતો. પૂ. શ્રી ધીરગુરુદેવે સંથારા સાધકને નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ થવાના શુભાશિષ પાઠવ્યા હતા. દર્શનનો સમય સવારે દસથી ૧૨ અને સાંજે ચારથી પાંચ રાખ્યો છે. પ્રકાશ એમ. ઝાટકિયા, એ/૬૪, ૬૦૪, છઠ્ઠા માળે, સફલતા સોસાયટી, આનંદનગર, દહિસર-ઈસ્ટ, મુંબઈ-૪૦૦ ૦૬૮

ભવન, અંધેરીમાં આજે સાંજે ક્લાસિક સંગીતનો ઉત્સવ ‘આનંદોત્સવ-૨૬’

ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને સ્મિકેપ ટ્રસ્ટ તથા સંગીત રિચર્સ અકાદમી દ્વારા આજે રવિવારે ૧૮ ઑક્ટોબરે સાંજે ૬.૩૦ વાગ્યે ક્લાસિક સંગીતનો ઉત્સવ ‘આનંદોત્સવ-૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પંડિત ઉલ્લાસ કશાળકર (વોકલ), પંડિત સુરેશ તલવળકર (તબલાં), શૈલેન્દ્ર મિશ્રા, સ્વપ્નિલ ભિસે, અનુરાધા કુબેર, પરમાંનદ રૉય જેવાં દિગ્ગજ કલાકારો ભાગ લેશે. આ આખા કાર્યક્રમનું સંયોજન સ્મિકેપ ટ્રસ્ટ વતી શૈલેન્દ્ર મિશ્રાએ કર્યું છે. પ્રવેશ માટે જિજ્ઞેશ મકવાણાનો 91676 05061 નંબર પર સંપર્ક કરવો. સ્થળઃ SPJMR ઑડિટોરિયમ (જ્ઞાન સભાગૃહ), ભવન્સ કૅમ્પસ, અંધેરી-વેસ્ટ.

devendra fadnavis mumbai news national news vice president goods and services tax navi mumbai apmc market