✕

News In Shorts: લોકલ ટ્રેનના દરવાજા પર ઊભા રહીને દારૂ ગટગટાવ્યો

30 September, 2026 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની લોકલ ટ્રેનોમાં મોડી રાતે કેટલાક પૅસેન્જરો દ્વારા દારૂ પીવાની ઘટનાઓ બનતી હોય છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

મુંબઈની લોકલ ટ્રેનોમાં મોડી રાતે કેટલાક પૅસેન્જરો દ્વારા દારૂ પીવાની ઘટનાઓ બનતી હોય છે. વિરારમાં એક અલર્ટ પૅસેન્જરે સામેની ટ્રેનમાં ગેટ પર ઊભા-ઊભા જ કાચની બૉટલમાંથી દારૂ ગટગટાવતી વ્યક્તિનો વિડિયો મોબાઇલમાં રેકૉર્ડ કરી લીધો હતો. વળી આ ઘટના સવારે ૧૧.૫૦ વાગ્યે પ્લૅટફૉર્મ-નંબર ૩ પરથી ઊપડતી વિરારથી ચર્ચગેટ જતી ટ્રેનનો છે. એ વિડિયોમાં દેખાય છે એ મુજબ દરવાજા પર ઊભેલી વ્યક્તિના હાથમાં દારૂની બૉટલ છે જે તે મોઢે માંડીને પીએ છે અને ત્યાર બાદ ખાલી થયેલી બૉટલ નીચે ફગાવી દે છે.

અનામતની માગણી સાથે માતંગ સમાજનું આંદોલન : CSMTની બહાર ટ્રાફિક જૅમ અને અફરાતફરીનો માહોલ

શેડ્યુલ્ડ કાસ્ટ (SC)ના અનામત ક્વોટામાં A, B, C અને D જેવી કૅટેગરી પાડીને ૧૩ ટકા પેટા-વર્ગીકરણની માગણી સાથે માતંગ સમાજના સેંકડો લોકો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) નજીક રસ્તા પર ઊતરી આવતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ મુખ્ય માર્ગો રોકી લેતાં ટ્રાફિક-વ્યવહાર ખોરવાયો હતો અને મુસાફરો તથા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આંદોલનકારીઓએ આઝાદ મેદાન ખાતે વિરોધ-પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી, પરંતુ પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ પરવાનગી નકારી કાઢી હતી. મંજૂરી ન મળવા છતાં મોટી સંખ્યામાં લોકો CSMTની બહાર એકઠા થઈ ગયા હતા અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને 
કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તસવીર : અતુલ કાંબળે

ચર્ચગેટ સ્ટેશનના કેટરિંગ સ્ટૉલમાં ઉંદર દેખાયો, વેસ્ટર્ન રેલવેએ નોટિસ ફટકારી

મુંબઈના વ્યસ્ત ચર્ચગેટ રેલવે-સ્ટેશન પર આવેલા કેટરિંગ સ્ટૉલમાં ઉંદર ફરતો જોવા મળવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં વેસ્ટર્ન રેલવેએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ કમર્શિયલ ઑફિસરે સ્ટૉલની તપાસ કરતાં અનેક ગંભીર બેદરકારી સામે આવી હતી જેમાં ચટણીનાં ખુલ્લાં વાસણો, પ્લાસ્ટિકની થેલીઓમાં રખાયેલો વાસી ખોરાક, અસ્વચ્છ વૉશબેસિન અને વેન્ડરનું મેડિકલ સર્ટિફિકેટ ન હોવા જેવી ખામીઓ જોવા મળી હતી. ફૂડસુરક્ષા, સ્વચ્છતા અને પેસ્ટ-કન્ટ્રોલના નિયમોના ગંભીર ભંગ બદલ સિનિયર અધિકારીએ સ્ટૉલ સંચાલક મેસર્સ ઓરિજિનને બે દિવસમાં સ્પષ્ટતા કરવા નોટિસ આપી છે તેમ જ કૉન્ટ્રૅક્ટ રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ટ્‍વિન ટનલ માટે ફિલ્મસિટીની જમીનનું ૨૦ કરોડ રૂપિયા ભાડું ચૂકવશે BMC

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) ટ્‍વિન ટનલ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાઈ રહેલી જમીનપેટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) મહારાષ્ટ્ર ફિલ્મ, સ્ટેજ ઍન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ એટલે કે દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટીને પ્રોવિઝનલ રેન્ટ તરીકે ૧૮ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સાથે ૨૦ કરોડ રૂપિયા ચૂકવશે. આ રકમ આગામી ૨૦૨૯ની ૩૧ માર્ચ સુધીના ભાડાપેટે ચૂકવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ માટે BMCની સ્ટૅન્ડિંગ કમિટીની મંજૂરી જરૂરી રહેશે, જ્યારે આખરી ભાડું જમીન વાસ્તવમાં કેટલા સમય સુધી તાબામાં રહે છે એના પર નિર્ભર કરશે.

નવી મુંબઈના ઇન્ડસ્ટ્રિયલ યુનિટમાં ભીષણ આગ, ૧૦ કલાકની જહેમત બાદ મેળવવામાં આવ્યો સંપૂર્ણ કાબૂ

નવી મુંબઈના ગોઠેઘર ખાતે આવેલા આર્મી ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ખુરસીઓ બનાવતા એક યુનિટમાં સોમવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ ૧૦ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના જણાવ્યા મુજબ મુંબ્રા-પનવેલ હાઇવે પર આવેલી આ ફૅક્ટરીમાં આગ લાગી હોવાનો કૉલ સોમવારે બપોરે ૨.૪૦ વાગ્યે મળ્યો હતો. મોડી રાત સુધી ચાલેલા ફાયર-ફાઇટિંગ ઑપરેશન બાદ સોમવારે મોડી રાતે એક વાગ્યે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.યુનિટમાં રાખવામાં આવેલો કાચો માલ અને અન્ય સરસામાન જેમાં પ્લાસ્ટિક, ફોમ, કેમિકલ્સ, થિનરનાં ડ્રમ, રેક્સિન, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, પંખા, ખુરસીઓ, ઍર-કન્ડિશનર્સ, ફર્નિચર, પતરાના શેડ અને ઑફિસનાં અન્ય સાધનો સંપૂર્ણપણે બળી ગયાં હતાં.

mumbai news mumbai mumbai local train Crime News mumbai crime news