✕

News In Shorts: પાલઘર ફરી ધ્રૂજ્યું, ભૂકંપના ૩.૭ની તીવ્રતાના આંચકા અનુભવાયા

09 October, 2026 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના ઉત્તરમાં આવેલા આ જિલ્લામાં અવારનવાર આ પ્રકારના ભૂકંપના ઝાટકા અનુભવાતા હોય છે

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે સાંજે ૭.૧૬ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે એને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી તથા અન્ય કોઈ નુકસાન પણ થયું નહોતું. પાલઘરના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે ‘જમીનની ૭ કિલોમીટર નીચે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું હતું. મળેલા કો-ઑર્ડિનેટ્સ મુજબ એ સ્થળ તલાસરી તાલુકામાં છે, જે દાદરા નગર હવેલી અને ગુજરાતની નજીક છે. ધુંદલવાડી ગામ નજીક આ ભૂકંપનું કેન્દ્રબિંદુ છે. મુંબઈના ઉત્તરમાં આવેલા આ જિલ્લામાં અવારનવાર આ પ્રકારના ભૂકંપના ઝાટકા અનુભવાતા હોય છે.’

ચંડ-મુંડ વિનાશિની

રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે એક મંડળના સભ્યો ગઈ કાલે માતાજીની મૂર્તિ પંડાલમાં લઈ જઈ રહ્યા હતા. અસુરોનો વધ કરનારી મા જગદંબાના હાથમાં વિવિધ આયુધો સહિત અસુરનાં વાઢેલાં મસ્તક દર્શાવવામાં આવ્યાં હતાં અને તેમના મહાશક્તિના રૂપને તેમની પાછળ અગ્નિસ્વરૂપ સૂર્યની જ્વાળાઓ દર્શાવવામાં આવી હતી. 

જોઈ ન શકતી બાળાઓ ગરબે ઘૂમી

દાદર-ઈસ્ટમાં આવેલી કમલા મહેતા સ્કૂલ ફૉર બ્લાઇન્ડ્સમાં ગઈ કાલે સિંગર સિદ્ધનાથ સોલંકીના સથવારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં સ્કૂલની જોઈ ન શકતી બાળાઓએ એકમેકના સાથસથવારે ગરબાનો આનંદ માણ્યો હતો. રંગબેરંગી ચણિયાચોળી અને સોળે શણગાર સજીને આવેલી આ બાળાઓ દ્વારા ગરબા લેવાતાં વાતાવરણ સાત્ત્વિક, આનંદમય અને ભક્તિમય બની ગયું હતું. આ વિશે વધુ માહિતી આપતાં આ સોશ્યલ કૉઝ સાથે સંકળાયેલા ભરત ગડાએ કહ્યું હતું કે ‘૧૦૦ જેટલી બ્લાઇન્ડ છોકરીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે સંગીતનાં વાદ્યો પર પણ હાથ અજમાવ્યો હતો અને સાથે ગરબા પણ ગાયા હતા.’ તસવીરો : અતુલ કાંબળે

mumbai news mumbai palghar earthquake