News In Shorts: ૬ ફુટથી ઊંચી PoPની મૂર્તિઓનું નૈસર્ગિક જળસ્રોતોમાં થઈ શકશે વિસર્જન

21 August, 2026 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬ ફુટ કરતાં નાની PoPની મૂર્તિઓને કૃત્રિમ તળાવ કે ટૅન્કમાં વિસર્જિત કરાશે અને એનાથી ઊંચી મૂર્તિઓનું વિસર્જન નૈસર્ગિક જળાશયોમાં કરી શકાશે એવી સ્પષ્ટતા કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે ગણેશભક્તોને મોટી ભેટ આપતાં તેમને ૬ ફુટ કે એના કરતાં વધુ ઊંચી ગણેશમૂર્તિઓનું નૈસર્ગિક જળસ્રોતોમાં વિસર્જન કરવાની મંજૂરી આપી હતી. હાઈ કોર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ૬ ફુટ કે એના કરતાં વધુ ઊંચી પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓને નૈસર્ગિક તળાવ કે દરિયા જેવા જળસ્રોતોમાં વિસર્જિત કરી શકાશે. ગણેશોત્સવને હવે માંડ એક મહિનો બાકી છે ત્યારે બૉમ્બે હાઈ કોર્ટે કરેલી સ્પષ્ટતાને કારણે ગણેશમંડળોમાં આનંદનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે ૬ ફુટ કરતાં વધુ ઊંચી પ્લાસ્ટર ઑફ પૅરિસની ગણેશમૂર્તિઓ નૈસર્ગિક જળસ્રોતોમાં વિસર્જિત કરી શકાશે કે નહીં એ બાબતે બૉમ્બે હાઈ કોર્ટે આ પહેલાં ૨૦૨૫ની જુલાઈમાં બે જુદા-જુદા આદેશ આપ્યા હતા. હવે એમાંથી કયા આદેશનું પાલન કરવું એ વિશે અસમંજસ હોવાથી મહારાષ્ટ્ર સરકારે આ બાબતે સ્પષ્ટતા કરવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. એના જવાબમાં બૉમ્બે હાઈ કોર્ટે ૨૪ જુલાઈએ આપેલા આદેશ અને એની જોગવાઈઓ મુજબ ૬ ફુટ કરતાં નાની PoPની મૂર્તિઓને કૃત્રિમ તળાવ કે ટૅન્કમાં વિસર્જિત કરાશે અને એનાથી ઊંચી મૂર્તિઓનું વિસર્જન નૈસર્ગિક જળાશયોમાં કરી શકાશે એવી સ્પષ્ટતા કરી હતી.

શ્રીલંકામાં સામૂહિક કબરમાંથી બાળકોનાં કંકાલ સહિત ૫૮૨ અવશેષો મળી આવ્યા

શ્રીલંકાના જાફના પાસે આવેલા ચેમ્માની વિસ્તારમાં આવેલી એક સામૂહિક કબરમાંથી નાનાં બાળકો અને નવજાત શિશુઓ સહિત કુલ ૫૮૨ માનવકંકાલ મળી આવતાં સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ છે. સરકારી સુરક્ષાદળો અને લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલ ઈલમ (LTTE) વચ્ચે ૧૯૮૩થી શરૂ થયેલા લોહિયાળ ગૃહયુદ્ધ દરમ્યાન ગાયબ થયેલા નાગરિકોના આ અવશેષો હોવાનું મનાય છે. આ ખોદકામ દરમ્યાન બાળકોનાં રમકડાં, દૂધની બૉટલો, સ્કૂલ-બૅગ અને બંગડીઓ જેવી અનેક અંગત વસ્તુઓ પણ મોટી સંખ્યામાં મળી આવી છે.

કોસ્ટલ રોડની ટનલમાં રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ

કોસ્ટલ રોડની ટનલમાં રૉન્ગ સાઇડ કાર ચલાવનારે અન્ય કારના ડ્રાઇવરો માટે જોખમ ઊભું કર્યું હતું.

મુંબઈના કોસ્ટલ રોડની ટનલમાં રૉન્ગ સાઇડ કાર ચલાવાઈ હોવાનો એક વિડિયો વાઇરલ થયો છે. રૉન્ગ સાઇડથી આવી રહેલી કારને કારણે બીજા બધા જ કાર-ડ્રાઇવરોએ તેમની કાર સંભાળીને ચલાવવી પડી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો છે અને એ ૯ ઑગસ્ટનો રાતના ૧૦ વાગ્યાથી ૧૦.૩૦ વાગ્યાની વચ્ચેનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી બાજુથી આવી રહેલી કારમાંથી એક કારના પૅસેન્જરેએ રૉન્ગ સાઇડમાં આવી રહેલી કારનો વિડિયો ઉતારી લીધો હતો. એ વિડિયોમાં એવો પણ દાવો કરાયો છે કે રૉન્ગ સાઇડમાં કાર ચલાવી રહેલા ડ્રાઇવરે દારૂ પીધો હોવાનું જણાઈ રહ્યું હતું. જોકે આ બાબતે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી કે નહીં એ જાણવા મળી શક્યું નથી.

mumbai news mumbai bombay high court ganesh chaturthi Mumbai Coastal Road