ન્યૂઝ શોર્ટમાં: બુલેટ ટ્રેન માટે પાલઘરમાં એક મહિનામાં બીજી ટનલ બની

04 February, 2026 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખોદકામ ૧૨ મહિનાની અંદર પૂર્ણ થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ટનલ

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે મંગળવારે વધુ એક ટનલ બ્રેકથ્રૂ એટલે કે ટનલને આરપાર ખોલવામાં સફળતા મળી હતી. એક મહિનામાં પાલઘરમાં આ બીજી વાર ટનલ બ્રેકથ્રૂને સફળતા મળી છે. રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં રેલવેભવનમાં બેસીને વિડિયો લિન્ક દ્વારા બ્રેકથ્રૂના કામને જોયું હતું. આ ટનલની ઓળખ MT-6 તરીકે કરવામાં આવી છે. અગાઉ બીજી જાન્યુઆરીએ સફાળેમાં MT-5 ટનલને બ્રેકથ્રૂ મળ્યો હતો. MT-6 ટનલ ૪૫૪ મીટર લાંબી અને ૧૪.૪ મીટર પહોળી છે. એ હાઈ-સ્પીડ રેલવે કૉરિડોરની ઉપર અને નીચે બન્ને ટ્રૅક માટે ડિઝાઇન કરવામાં આવી છે. ડ્રિલ-ઍન્ડ કન્ટ્રોલ બ્લાસ્ટિંગ ટે​ક્નિક, ન્યુ ઑસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM)નો ઉપયોગ કરીને MT-6 ટનલ બન્ને છેડાથી ખોદવામાં આવી હતી. ખોદકામ ૧૨ મહિનાની અંદર પૂર્ણ થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ઈસ્ટર્ન-ફ્રીવે પર ઝડપી કારની અડફેટે આવીને ટ્રાફિક-કૉન્સ્ટેબલનું મૃત્યુ 

ઈસ્ટર્ન ફ્રીવે પર ફરજ બજાવી રહેલા મુંબઈ પોલીસના ટ્રાફિક-કૉન્સ્ટેબલ સુશાંત મોરેને ૨૮ જાન્યુઆરીએ એક ઝડપી કારે અડફેટે લેતાં તેને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પાંચ દિવસની સારવાર બાદ સોમવારે વહેલી સવારે તેનું મૃત્યુ થયું હતું. શિવડી પોલીસે શિરીષ જોરે સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે અને તેની કાર જપ્ત કરી લીધી છે. 

એક જ મંડપમાં ૬૪ જૈનોની દીક્ષાનો અભૂતપૂર્વ ઉત્સવ

બોરીવલી-વેસ્ટના ચીકુવાડીમાં આજથી સંયમરંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૪ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ઉત્સવમાં ૧૮ પુરુષ અને ૪૬ મહિલાઓ એમ કુલ ૬૪ જૈનો એક જ મંડપમાં સામૂહિક દીક્ષા લેવાનાં છે. મહારાષ્ટ્રમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં સામૂહિક દીક્ષા લેવાઈ રહી છે. ૨,૫૦,૦૦૦ ચોરસ ફુટના વિશાળ પરિસરમાં આધ્યાત્મિકનગરીનું નિર્માણ કરાયું છે અને એમાં જૈન ધર્મના પ્રતીક ઓઘોના આકારનું દ્વાર બનાવવામાં આવ્યું છે.  તસવીર- નિમેશ દવે

મણિપુરમાં રાષ્ટ્રપતિશાસનનો અંત- BJPના યુમનામ ખેમચંદ સિંહની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક

લગભગ એક વર્ષથી રાષ્ટ્રપતિશાસન હેઠળ રહેલા મણિપુરના નવા મુખ્ય પ્રધાન તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા યુમનામ ખેમચંદ સિંહની નિમણૂક કરવામાં આવી છે. BJPએ તેમને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. મણિપુરમાં રાષ્ટ્રપતિશાસનનો વર્તમાન સમયગાળો ૧૨ ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. ખેમચંદ મેઈતેઈ સમુદાયના છે. ખેમચંદને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. બીરેન્દ્ર સિંહના હરીફ માનવામાં આવે છે. બીરેન્દ્ર સિંહના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન રાજ્યમાં બે સમુદાયો મેઇતેઈ અને કુકી વચ્ચે હિંસક અથડામણો જોવા મળી હતી. BJPના સાથી પક્ષોએ પણ તત્કાલીન મુખ્ય પ્રધાનનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. પરિણામે બીરેન્દ્ર સિંહને રાજીનામું આપવાની ફરજ પડી હતી અને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું.

mumbai news mumbai ahmedabad bullet train palghar travel news