News In Shorts: ભાંડુપમાં એકસાથે બે દીપડાએ દેખા દીધી

31 August, 2026 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. એક મોટરિસ્ટે તેમને જોઈને તેની કાર સાવચેતીની દૃષ્ટિએ તેમનાથી થોડે દૂર જ ઊભી રાખી દીધી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ભાંડુપ-ઈસ્ટના સંજય ગાંધી નૅશનલ પાર્કની નજીક આવેલા ભાંડુપ કૉમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલી મુંબઈને પાણી પૂરું પાડતી પાણીની મેઇન પાઇપલાઇન પર રાતના સમયે બે દીપડા આરામ ફરમાવી રહેલા દેખાયા હતા. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. એક મોટરિસ્ટે તેમને જોઈને તેની કાર સાવચેતીની દૃષ્ટિએ તેમનાથી થોડે દૂર જ ઊભી રાખી દીધી હતી. કારની હેડલાઇટમાં એ બન્ને દીપડા બહુ સ્પષ્ટ રીતે દેખાતા હતા. થોડી વાર રહીને એક દીપડો ઊભો થયો અને ત્યાર બાદ બીજો પણ અેની પાછળ-પાછળ જંગલ વિસ્તારમાં નીકળી ગયો હતો. મોટરિસ્ટે તેમનો વિડિયો બનાવી લીધો હતો. જોકે દીપડો કે આવું કોઈ પણ વન્યપ્રાણી દેખાય તો અેની નજીક જવું નહીં, ફોટો પાડવા કે વિડિયો લેવા તેમની નજીક ન જવું, એ જોખમી બની શકે છે. તેઓ હુમલો કરી શકે છે એવી અૅડ્વાઇઝ પણ એ વિડિયો ઉતારનારે આપી છે.

સમૃદ્ધિ એક્સપ્રેસવે નજીક ગૅસની પાઇપલાઇનમાં લીકેજ : ૨૪ કિલોમીટર સુધીનો ટ્રાફિક ડાઇવર્ટ કરાયો

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે નજીક ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (GAIL)ની પાઇપલાઇનમાં અચાનક ગૅસ લીકેજ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાના પગલે પ્રશાસન દ્વારા એક્સપ્રેસવેના ૨૪ કિલોમીટરના વિસ્તારમાં વાહનવ્યવહાર ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. શનિવારે સાંજે પાંચ વાગ્યે ગંગાપુર તાલુકામાં સમૃદ્ધિ એક્સપ્રેસવેને સમાંતર પસાર થતી ગૅસની પાઇપલાઇનમાં આ લીકેજ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસને તાત્કાલિક સાવચેતીનાં પગલાં ભરી GAILના અધિકારીઓને જાણ કરી હતી. ફાયર-ફાઇટર અને ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમોને ઘટનાસ્થળે તહેનાત રાખવામાં આવી હતી. લીકેજ ધરાવતા વિસ્તારના બન્ને છેડાના વાલ્વ બંધ કરીને પાઇપલાઇનમાં ગૅસનું દબાણ ધીમે-ધીમે ઘટાડવામાં આવ્યું હતું. 

ચબ્બી બાળગણેશ

ગણેશોત્સવને હવે ૧૫ જ દિવસની વાર છે ત્યારે ગઈ કાલે સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા તેમની ગણેશમૂર્તિઓ પરેલ વર્કશૉપ મંડપમાંથી વાજતેગાજતે લઈ જવાતી હતી. બહુ જ સુંદર એવા બાળગણેશની મૂર્તિએ લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. કોઈ પણ ભપકા વગરની માત્ર બે જ હાથ ધરાવતી પણ સુંદર આંખો અને નાની એવી સૂંઢ અને કપાળ પર વાળની લટ સાથેની મનમોહક બાળગણેશની મૂર્તિ જોઈને લોકો ખુશ થઈ જતા હતા. 

ગણપતિ પાછળ રૌદ્ર રૂપધારણી મહાકાળી

અન્ય એક ગણપતિની મૂર્તિની સૌમ્ય મૂર્તિની પાછળ રૌદ્ર રૂપ ધરાવતાં મહાકાળી માતાને દર્શાવાયાં હતાં. અષ્ટભુજાધારી મહાકાળીએ એક હાથમાં દાનવનું મસ્તક અને બીજા હાથમાં લોહી ભરેલો કટોરો ઉપાડ્યો છે. સાથે બીજા હાથોમાં અન્ય શસ્ત્ર પણ ધારણ કર્યાં છે. તસવીર : આશિષ રાજે

આખલાના અસવાર

શંકર ભગવાનના લાડકા એવા ગણપતિને એક મૂર્તિકારે અનોખું રૂપ બક્ષ્યું હતું જેમાં આખલા પર ગણપતિને સવાર દેખાડ્યા હતા. વળી તેમના અેક હાથમાં ડમરુ અને બીજા હાથમાં ત્રિશૂળ દર્શાવ્યું હતું. વળી આ ગણપતિને મસ્તક પર બાંધેલી જટા પણ દર્શાવાઈ હતી. મુખ્ય બાબત એ હતી કે આથી મૂર્તિમાં ફક્ત આખલાના પગ જ જમીન પર હતા, બાકીની મૂર્તિ હવામાં અધ્ધર જ હતી. લોકો આવું અનોખું રૂપ જોઈને તેમની સામે શીશ નમાવી આશીર્વાદ લેતા નજરે ચડ્યા હતા.    

બાપ્પા અને એ પણ સ્વામીના રૂપે

મહારાષ્ટ્રના આધ્યાત્મિક સંત અને હવે દેવ તરીકે પૂજાતા સ્વામી સમર્થના રૂપે ગઈ કાલે ગણપતિની મૂર્તિ જોવા મળી હતી. બે હાથમાં ભગવાન વિષ્ણુનાં પ્રતીકો શંખ અને ચક્ર અને ત્રીજા હાથમાં ત્રિશૂળ સાથે ગણપતિએ માથા પર સ્વામી સમર્થ પહેરતા હતા એવી ટોપી પહેરી છે. ધામધૂમથી વાજતેગાજતે મંડપમાં લઈ જવાયેલી એ ગણેશમૂર્તિને લોકો પગે લાગી રહ્યા હતા.

બદલાપુરમાં સાતમા થર પર ચડેલા બાળગોવિંદાનો ખૂલી ગયો સેફ્ટી-બેલ્ટ, નીચે પટકાયો

બદલાપુરમાં શિવસેના યુવા સેનાના શહેર-પ્રમુખ મિતેશ ધુળે દ્વારા આયોજિત કરાયેલી ‘માખનચોર દહીકાલા ઉત્સવ’માં દહીંહંડી ફોડવા થર બનાવનારા પ્રજ્વલ પ્રતિષ્ઠાનના ગોવિંદા પથકે ૭ થરની સલામી આપી હતી. એ વખતે ટોચ પર ચડેલા નાના ગોવિંદાનો સેફ્ટી-બેલ્ટ ખૂલી ગયો હતો અને તે નીચે પટકાયો હતો. તરત જ તેને સુરિક્ષત જગ્યાએ લઈ જવાયો હતો અને સારવાર અપાઈ હતી. જોકે એ ઘટના નજરે જોનારા સેંકડો લોકો ધબકારો ચૂકી ગયા હતા. શનિવારે રાતે અચાનક બનેલી આ ઘટનાથી ગોવિંદાઓની સેફ્ટીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. એ સેફ્ટી-બેલ્ટ શા કારણે તૂટ્યો એનું કારણ જાણવા મળ્યું નથી. હાલ એ બાબતની આયોજકો દ્વારા તપાસ થઈ રહી છે.

રબાળે MIDCમાં સ્પન્જ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ ભીષણ આગમાં ખાખ

નવી મુંબઈના રબાળે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)માં આવેલા એક સ્પન્જ મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં ગઈ કાલે સવારે આગ ફાટી નીકળી હતી. સ્પન્જનો મોટો સ્ટૉક ત્યાં સંગ્રહેલો હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. MIDC ફાયર-સ્ટેશન સહિત આજુબાજુનાં ફાયર-સ્ટેશનોમાંથી પણ ફાયર-એન્જિન બોલાવવામાં આવ્યાં હતાં. સદ્ભાગ્યે આગની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી. કલાકો સુધી ૮ ફાયર-એન્જિનની મદદથી ફાયર-ફાઇટર્સ દ્વારા આગ ઓલવવાની જહેમત લેવાઈ હતી.

થાણેના રેતીબંદરમાં ૩ યુવાનોનાં ડૂબી જવાથી મોત

મુંબઈ-નાશિક હાઇવે પર રેતીબંદરના ગણેશવિસર્જન ઘાટ પર નાહવા પડેલા ૩ યુવાનોનાં ગઈ કાલે ડૂબી જવાથી મોત થયાં હતાં. ઠાકુરપાડામાં રહેતો ૪૨ વર્ષનો આલમ સૈયદ, ૪૨ વર્ષનો રિઝવાન સૈયદ અને ૩૦ વર્ષનો સાહિલ પોલંદાસ ગઈ કાલે ઘાટમાં નહાવા પડ્યા હતા. ઊંડાઈનો અને પ્રવાહનો અંદાજ ન આવતાં તેઓ ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થાણે ફાયર-બ્રિગેડ અને થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સને કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે ખાડીમાં ડૂબી ગયેલા આ ૩ જણને રવિવારે સાંજે ૪.૩૦ વાગ્યે બહાર કાઢ્યા હતા.   

mumbai news mumbai bhandup wildlife maharashtra forest department ganesh chaturthi thane fire incident