✕

News In Shorts: દર બુધવારે ૨૪ કલાક માટે થાણેમાં પુરવઠો બંધ રહેશે

27 October, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારના નિર્દેશો બાદ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ મહત્ત્વનો નિર્ણય લીધો છે

પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકારના નિર્દેશો બાદ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઉપલબ્ધ જળપુરવઠાનું યોગ્ય અને કરકસરયુક્ત આયોજન કરવાના હેતુથી TMCની વૉટર સપ્લાય સ્કીમ અને સ્ટેમ વૉટર ડિસ્ટ્રિબ્યુશન ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીમાં ૧૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. સાથે જ થાણેમાં હવે દર બુધવારે સવારે ૯ વાગ્યાથી ગુરુવારે સવારે ૯ વાગ્યા સુધી સળંગ ૨૪ કલાક માટે પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

આ નિર્ણયના પરિણામે આવતી કાલે બુધવારે ૨૮ ઑક્ટોબરે સવારે ૯ વાગ્યાથી ગુરુવારે ૨૯ ઑક્ટોબરે સવારે ૯ વાગ્યા દરમ્યાન થાણેના અનેક વિસ્તારોમાં પાણી મળશે નહીં. એમાં ઘોડબંદર રોડ, લોકમાન્યનગર, વર્તકનગર, સાકેત, ઋતુપાર્ક, સેન્ટ્રલ જેલ રોડ, ગાંધીનગર, રુસ્તમજી, સિદ્ધાંચલ, ઇન્દિરાનગર, રૂપાદેવીનગર, શ્રીનગર, સમતાનગર, સિદ્ધેશ્વર, ઇટરનિટી, મુમ્બ્રા તેમ જ કળવાના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.

અંધેરીમાં ૧૪ વર્ષના ટીનેજરે ટૅન્કર ચલાવીને અકસ્માત કર્યો

મુંબઈના અંધેરી-ઈસ્ટના મહાકાલી રોડ પર પાણીનું ટૅન્કર ચલાવી રહેલા ૧૪ વર્ષના ટીનેજરે એના પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો હતો. ટૅન્કર પહેલાં ત્યાં પાર્ક કરેલી એક કાર સાથે અથડાયું હતું અને ત્યાર બાદ એક બિલ્ડિંગની દીવાલ સાથે જઈને ટકરાયું હતું. રવિવારે વહેલી સવારે MIDC વિસ્તારમાં બનેલી આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ટીનેજરને મામૂલી ઈજાઓ થઈ હતી, જ્યારે ટૅન્કરને અને પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે કે ટીનેજરને આ ટૅન્કર કેવી રીતે મળ્યું અને તેને એ ચલાવવાની પરવાનગી કોણે આપી. આ ઘટના વિશે વધુ વિગતો અને જવાબદાર વ્યક્તિ સામે લેવામાં આવનારી કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે.

આજે કરમિયાનાશક દિવસ અંતર્ગત અંદાજે ૨.૫ કરોડ બાળકોને દવા અપાશે

મહારાષ્ટ્રભરમાં આજે ૨૭ ઑક્ટોબરે ‘રાષ્ટ્રીય કરમિયાનાશક દિવસ’ અભિયાન હેઠળ એકથી ૧૯ વર્ષની વયના આશરે ૨.૫ કરોડ બાળકો અને કિશોરોને આવરી લેવામાં આવશે. આ અંતર્ગત સ્કૂલો, કૉલેજો અને આંગણવાડી કેન્દ્રો દ્વારા ‘આલ્બેન્ડાઝોલ’ (albendazole) ગોળીઓ આપવામાં આવશે. મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) શહેરભરનાં ૧૯,૨૦,૦૧૫ બાળકોને કરમિયાનાશક ટૅબ્લેટ્સ આપશે. આ અભિયાન સ્કૂલો અને આંગણવાડી કેન્દ્રોમાં હાથ ધરવામાં આવશે જેમાં આરોગ્ય-કર્મચારીઓ, આશા કાર્યકરો અને આંગણવાડીના કર્મચારીઓ સહયોગ આપશે.

mumbai news mumbai thane municipal corporation Water Cut mumbai water levels