28 November, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીલેશ રાણે, નીતેશ રાણે
મહાયુતિના સાથી-પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (એકનાથ શિંદે) જૂથ વચ્ચે બધું જ ઑલવેલ ન હોવાનું છેલ્લા થોડા દિવસોમાં દેખાઈ રહ્યું છે. શિવસેનાના વિધાનસભ્ય નીલેશ રાણેએ BJPના માલવણના પદાધિકારી વિજય કેનવડેકરના ઘરે પહોંચી જઈને સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. વિજય કેનવડેકરના ઘરમાંથી ગ્રીન કલરની એક બૅગમાંથી બેહિસાબી પચીસ લાખ રૂપિયાની રકમ મળી આવી હતી. એનો વિડિયો પણ તેમણે સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
નીલેશ રાણેએ પૈસા વહેંચીને ચૂંટણીઓ લડવાની આ શું કંઈ રીત છે એવો આરોપ કરતાં કહ્યું હતું કે ‘રવીન્દ્ર ચવ્હાણ માલવણ આવી ગયા. તેમના આવ્યા પછી જ પૈસાની વહેંચણીએ વેગ પકડ્યો છે. પૈસા વહેંચીને ચૂંટણી લડવાની એ કંઈ રીત છે? મેદાનમાં આવીને ચૂંટણી લડો. એ ઘરમાં (વિજય કેનવડેકરના ઘરમાં) હજી પણ પૈસાની બૅગો છે. BJPના કયા કયા કાર્યકરો પૈસાની વહેંચણી કરે છે એનું લિસ્ટ છે મારી પાસે. રોજેરોજ તેમની પાસે પૈસાની બૅગ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. હું કહેતો આવ્યો છું કે જ્યારે-જ્યારે રવીન્દ્ર ચવ્હાણ આવે છે ત્યારે કંઈક ને કંઈક થાય છે. એથી મને શંકા ગઈ હતી.’
નીલેશ રાણે દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપો બદલ તેમના ભાઈ અને BJPના વિધાનસભ્ય નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘રવીન્દ્ર ચવ્હાણ BJPના પ્રદેશાધ્યક્ષ છે. એથી તેમને દરેક જિલ્લામાં જવું પડતું હોય છે. અમારા પોતાના વ્યવસાય પણ હોય છે. પોતાના ધંધા માટે જો ઘરમાં પૈસા રાખવામાં આવે તો એમાં ખોટું શું છે? અમારા પક્ષની કોઈએ બદનામી કરવી નહીં. દરેકનો પોતાનો વ્યવસાય હોય છે. જે નિયમ અમને લાગુ પડે એ બધાને લાગુ પડે. જો અમે આવતી કાલે ઉદય સામંત બાબતે આવું કહીશું તો ચાલશે? હમામ મેં સબ નંગે હૈ.’
પૈસા મતદારોમાં વહેંચવાના હોવાનું જણાશે તો કડક ઍક્શન લેવાશેઃ ચંદ્રકાન્ત બાવનકુળે
ઉપરોક્ત મુદ્દે રાજ્યના રેવન્યુ મિનિસ્ટર અને BJPના વરિષ્ઠ નેતા ચંદ્રકાન્ત બાવનકુળેએ કહ્યું હતું કે ‘સિંધુદુર્ગના BJPના કાર્યકરના ઘરમાંથી મળી આવેલી એ રકમ મતદારોને વહેંચવા માટેની હતી એવું જણાઈ આવશે તો હું આ બાબતે કડક કાયદાકીય કાર્યવાહીને સપોર્ટ કરીશ. પાર્ટીવર્કરોના પોતાના પણ ધંધા-વ્યવસાય હોય છે. એથી જો આવી રકમ તેમના ઘરમાંથી મળી આવે તો એને અલગ રીતે મૂલવવાની જરૂર નથી.’