15 September, 2025 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરી
કહ્યું કે પૈસા કમાવા હું આટલા નીચલા સ્તરે ન જઈ શકું, ઈમાનદારીથી પૈસા કમાતાં મને આવડે છે
પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનૉલ ભેળવીને આપવાના સરકારના નિર્ણયનો છેલ્લા થોડા વખતથી વિરોધ થઈ રહ્યો હતો. સરકારે હવે દરેક પેટ્રોલ પમ્પ પર ઇથેનૉલ મિશ્રિત પેટ્રોલ વેચવાનું ફરજિયાત કર્યું છે. સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. સરકારના આ નિર્ણયને લઈને કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીની પણ ટીકા થઈ રહી છે. પોતાનો વ્યક્તિગત ફાયદો કરવા નીતિન ગડકરીએ આ પગલું લીધું એવા પણ આક્ષેપ તેમના પર થઈ રહ્યા છે. એના પર હવે નીતિન ગડકરીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે ‘મારી બુદ્ધિની મહિનાની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા છે. પૈસા કમાવા માટે હું આટલા નીચેના સ્તરે ન જઈ શકું.’
શનિવારે એક કાર્યક્રમમાં ઇથેનૉલ મિશ્રિત પેટ્રોલ પમ્પ પર કમેન્ટ કરતાં તેમણે કહ્યું હતું કે ‘હું બધું પૈસા માટે કરું છું એવું તમને લાગે છે? ઈમાનદારીથી પૈસા કઈ રીતે કમાવા એ મને ખબર છે. વિદર્ભમાં ૧૦ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ બાબત બહુ જ શરમજનક છે. જ્યાં સુધી આ દેશનો ખેડૂત સમૃદ્ધ નથી થતો ત્યાં સુધી અમારા પ્રયાસ ચાલુ રહેશે.’
કોર્ટે ઇથેનૉલ સામેની અરજી ફગાવી દીધી
પેટ્રોલ પમ્પ પર ઇથેનૉલ મિશ્રિત ફ્યુઅલ વેચવાના નિર્ણયના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. એ અરજી કોર્ટે ૧ સપ્ટેમ્બરે ફગાવી દીધી હતી. આ અરજી ઇથેનૉલ મિશ્રિત પેટ્રોલની વિરોધમાં નથી, પણ ગ્રાહકના પસંદગીના અધિકાર અને સિલેક્શન સંદર્ભે છે એવી રજૂઆત અરજદાર અક્ષય મલ્હોત્રાના વકીલ શાદાન ફરાસતે કરી હતી. E20 (૨૦ ટકા ઇથેનૉલ ભેળવેલું પેટ્રોલ) ૨૦૨૩ પછી મૅન્યુફૅક્ચર થયેલાં વાહનો માટે અનુકૂળ છે. એ પહેલાંનાં વાહનોને એનાથી નુકસાન થશે એવો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો. એ અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
પૈસા લઈને મારી સામે અભિયાન ચલાવવામાં આવ્યું
દિલ્હીમાં ચાર દિવસ પહેલાં સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સના ૬૫મા વાર્ષિક અધિવેશનમાં બોલતાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘પરંપરાગત ઈંધણમાં ૨૦ ટકા ઇથેનૉલ મિશ્રિત E20 પેટ્રોલ વિશે ઑનલાઇન જરૂર કરતાં વધુ ચિંતા અતિશયોક્તિપૂર્વક કરવામાં આવી રહી છે. આ ઈંધણ સુરિક્ષત છે અને એને ઑથોરિટી અને વાહન-ઉત્પાદકોએ સપોર્ટ કર્યો છે. ઑટોમોટિવ રિસર્ચ અસોસિએશન ઑફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટે E20 બાબતે સ્પષ્ટતા કરી છે. મને રાજકીય દૃષ્ટિએ ટાર્ગેટ કરવા સોશ્યલ મીડિયા પર એક ખાસ અભિયાન છેડવામાં આવ્યું હતું. એ સશુલ્ક અભિયાન હતું એટલે એ તરફ વધુ ધ્યાન ન આપો. ઇથેનૉલ મિશ્રિત પેટ્રોલને લીધે ક્રૂડ-ઑઇલની આયાત ઓછી થશે, પૉલ્યુશન પણ ઓછું થશે અને ખેડૂતોની આવક વધશે. ખેડૂતો માટે નવી તકો ઊભી થશે. અમે મકાઈમાંથી ઇથેનૉલ બનાવવાનું ચાલુ કર્યું. એથી ઉત્તર પ્રદેશ, બિહાર અને દેશભરમાં મકાઈનું ૩ ગણું વાવેતર થયું. ઊર્જા અને વીજઉત્પાદનના ક્ષેત્રમાં ખેતીના વૈવિધ્યકરણને લીધે ખેડૂતોને ડાયરેક્ટ ફાયદો થાય છે અને સાથે જ દેશની અર્થવ્યવસ્થા મજબૂત થાય છે. આમાં કશું ખોટું નથી.’