12 July, 2025 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શિવસેનાના બુલઢાણાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે MLA હૉસ્ટેલના કર્મચારીએ વાસી ખાવાનું આપતાં તેની મારઝૂડ કરી હતી. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં વિરોધ પક્ષે વિધાનભવનમાં આ બાબતે હોબાળો મચાવ્યો હતો એટલું જ નહીં, સત્તાધારી પક્ષના વિધાનસભ્યોનું પણ કહેવું હતું કે આ ખોટું થઈ રહ્યું છે. આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પોલીસે આ ઘટનાની ઑફિશ્યલી ફરિયાદ કરવામાં આવે એની રાહ જોવાની જરૂર નથી. પોલીસ આ કેસની તપાસ એની રીતે શરૂ કરી શકે છે. પોલીસે તપાસ કરવી જોઈએ અને જો એ દખલપાત્ર ગુનો બનતો હોય તો એ બાબતે ઍક્શન પણ લેવી જોઈએ.’
મરીન ડ્રાઇવ પોલીસે એ પછી સંજય ગાયકવાડ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ પહેલાં આ ઘટનાને વખોડી નાખતાં કહ્યું હતું કે આવી ઘટનાથી લોકોમાં ખોટો મેસેજ જાય છે કે MLA તેમની સત્તાનો પાવર ખોટી રીતે વાપરતા હોય છે.
આ પહેલાં શિવસેનાના વિધાનસભ્ય યોગેશ કદમે કહ્યું હતું કે સંજય ગાયકવાડ સામે ફરિયાદ ન થઈ હોવાથી તેમને કશું જ નહીં થાય. સંજય ગાયકવાડ અને યોગેશ કદમ બન્ને એકનાથ શિંદે જૂથની શિવસેનાના છે એટલે એકનાથ શિંદેને હાલ નીચાજોણું થયું છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘એ સમજવાની જરૂર છે કે કેટલીક ઘટના અદખલપાત્ર (નૉન-કૉગ્નિઝેબલ) ગુના હેઠળ આવતી હોય છે તો કેટલીક દખલપાત્ર (કૉગ્નિઝેબલ) ગુના હેઠળ નોંધાતી હોય છે. ગુનો કયા પ્રકારનો છે અને એ ગુનો કરતી વખતે કેટલો ફોર્સ વપરાયો છે એના પર એ નિર્ભર થતું હોય છે. પોલીસને એનું કામ કરવા દો. તેઓ યોગ્ય ઍકશન લેશે.’
શું બન્યું હતું?
સંજય ગાયકવાડે આકાશવાણી MLA હૉસ્ટેલની કૅન્ટીનમાંથી મંગળવારે રાતે જમવાનું ઑર્ડર કર્યું હતું. તેમને જે દાળ-રાઇસ સર્વ કરાયાં હતાં એ વાસ મારતાં હતાં અને ખરાબ થઈ ગયાં હતાં એટલે તે ભડક્યા હતા અને ટુવાલ-બનિયાનમાં જ નીચે કૅન્ટીનમાં પહોંચી ગયા હતા. તેમણે મૅનેજરને ખખડાવ્યો હતો એટલું જ નહીં, તેને પંચ પણ મારી દીધો હતો. આ આખા બનાવનો વિડિયો વાઇરલ થયો હતો. સંજય ગાયકવાડનું કહેવું હતું કે આવું તેમની સાથે આ પહેલાં પણ બન્યું હતું. આવું ખાવાનું આપીને કૅન્ટીનવાળા લોકોના સ્વાસ્થ્ય સાથે રમે છે એવો તેમણે આક્ષેપ કર્યો હતો.