27 October, 2025 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે થોડા વખત પહેલાં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં કહ્યું હતું કે હાઉસિંગ સોસાયટીઓએ સોસાયટીના રીડેવલપમેન્ટ માટે ડેવલપર નક્કી કરતી વખતે રજિસ્ટ્રાર પાસેથી એ માટેની મંજૂરી, નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવાની જરૂર નથી. બૉમ્બે હાઈ કોર્ટના આ ચુકાદાને ધ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ હાઉસિંગ ફેડરેશને વધાવી લીધો છે. એમનું માનવું છે કે બૉમ્બે હાઈ કોર્ટના આ ચુકાદાને કારણે ભ્રષ્ટાચાર ઘટશે, વચેટિયાઓની ભૂમિકાનો અંત આવશે અને રાજ્યના હજારો અટકી પડેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ આગળ વધી શકશે. ફેડરેશનના પદાધિકારીએ આ બાબતે કહ્યું હતું કે ‘રાજ્યમાં ૧.૨૬ લાખ હાઉસિંગ સોસાયટીઓ છે અને બે લાખ અપાર્ટમેન્ટ કૉમ્પ્લેક્સ છે જેમને આ ચુકાદાથી ફાયદો થશે; ખાસ કરીને મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પુણે જ્યાં હાલ રીડેવલપમેન્ટના અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. કોર્ટના આ ચુકાદાને કારણે મિડલમેન, વચેટિયાઓ નાબૂદ થઈ જશે. હવે સોસાયટીઓ જાતે મિડલમેન વગર અને બાબુશાહીમાં અટવાયા વગર રીડેવલપમેન્ટનું કામ કરી શકશે.’
ફેડરેશનના પ્રેસિડન્ટ સુહાસ પટવર્ધને કહ્યું હતું કે ‘ઘણા લોકો એવું માનતા હતા કે રીડેવલપમેન્ટ માટે રજિસ્ટ્રારની પરવાનગી હોવી ફરજિયાત છે. એને કારણે કારણ વગરની હેરાનગતિ થતી હતી અને કૉસ્ટ વધતી હતી. કોર્ટે હવે સ્પષ્ટ કર્યું છે કે આ હવે તાત્કાલિક ધોરણે રોકાવું જોઈએ. કોર્ટના આ ચુકાદાની જાણ દરેક સોસાયટીને કરવી જોઈએ.’ ઍડ્વોકેટ અને ફેડરેશનના ડિરેક્ટર શ્રીપાદ પરબે કહ્યું હતું કે ‘કોર્ટે આ બિનજરૂરી બ્યુરોક્રૅટ્સને દૂર કર્યા એ સારું કર્યું છે. તેમના કારણે જ મોટા ભાગના પ્રોજેક્ટ્સ ડિલે થતા હતા. એ માટે જે ગેરરીતિઓ થતી હતી એ હવે રોકાઈ જશે. કોર્ટે કહ્યું છે કે રીડેવલપમેન્ટ ગાઇડલાઇન્સ એ ડિરેક્ટરી (દિશાસૂચક) છે, ફરજિયાત નથી. સિવાય કે રીડેવલપમેન્ટના નિર્ણય માટે ૫૧ ટકાની મૅજોરિટી અને ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. કોર્ટના આ ચુકાદાથી સોસાયટીઓના સભ્યોને નિર્ણય લેવામાં અનુકૂળતા રહેશે.’
કોર્ટે શું કહ્યું હતું?
‘રજિસ્ટ્રારની ભૂમિકા ફક્ત સુપરવાઇઝરની હોવી જોઈએ. તે સોસાયટીની સ્પેશ્યલ જનરલ બૉડી મીટિંગમાં હાજરી આપી શકે, મીટિંગમાં યોગ્ય કોરમ છે કે નહીં એ ચેક કરી શકે અને મીટિંગની મિનિટ્સ બરાબર લખાઈ છે કે નહીં એ ચેક કરી શકે. એ સિવાય તેમને બીજા કોઈ અધિકાર નથી કે તેમની પાસે એવો કોઈ વીટો પાવર પણ નથી. કો-ઑપરેશન ડિપાર્ટમેન્ટના કમિશનર અને પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા આ બાબતે સર્ક્યુલર બહાર પાડવામાં આવે અને દરેક રજિસ્ટ્રારને જાણ કરવામાં આવે કે આવી કોઈ ડિમાન્ડ કરવી
નહીં કે NOC પણ ઇશ્યુ કરવું નહીં, તેઓ તેમની લિમિટેડ જવાબદારી નિભાવે.