01 October, 2026 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ્સ ડીલર્સ અસોસિએશને સર્ક્યુલેટ કરેલો સંદેશ.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથેની મુલાકાત બાદ બે અસોસિએશને નો UPI ડે ન પાળવાની જાહેરાત કરી, પણ...ભારતભરનાં ૧૫૦+ વેપારી સંગઠનો બીજી ઑક્ટોબરે આંદોલન કરવા મક્કમ
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર પ્રસ્તાવિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નો વિરોધ વ્યક્ત કરવા શુક્રવારે આયોજિત ‘નો UPI ડે’ને બે અગ્રણી વેપારી સંગઠનોએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથેની બેઠક બાદ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જોકે મુંબઈના ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિયેશન (FRTWA)એ સ્પષ્ટ કર્યું છે કે બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીના દિવસે તેમનો આ વિરોધ નિર્ધારિત કાર્યક્રમ મુજબ યથાવત્ રહેશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય અને કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના નૅશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરીને MDR વિશે વેપારીઓ અને રીટેલર્સની ચિંતાઓ તથા સૂચનો રજૂ કર્યાં હતાં.
અગાઉ વિરોધ-પ્રદર્શનને ટેકો આપનારા ઑલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન (AICPDF) અને ઑલ ઇન્ડિયા મોબાઇલ રીટેલર્સ અસોસિએશન (AIMRA)એ જણાવ્યું હતું કે તેમણે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને MDRના અમલને મોકૂફ રાખવા અને થ્રેશહોલ્ડ લિમિટ વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની સરકારને વિનંતી કરી છે, આ બાબતે સરકારે વિચારણા કરવાની તૈયારી બતાવી છે એથી પ્રદર્શન પાછું ખેંચવામાં આવશે.
બીજી તરફ FRTWAના પ્રમુખ વીરેન શાહે જણાવ્યું હતું કે ‘અમે આ આંદોલન પાછું ખેંચવાના નિર્ણય સાથે બિલકુલ સહમત નથી. દેશભરનાં ૧૫૦થી વધુ વેપારી સંગઠનો શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે આ વિરોધમાં જોડાશે. કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) સમગ્ર ભારતના તમામ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો ન કરી શકે. ડિજિટલ પેમેન્ટ્સ સ્વીકારવા બદલ વેપારીઓ પર વધારાના ટ્રાન્ઝૅક્શન ચાર્જિસનું ભારણ ન લાદવું જોઈએ. સૂચિત ૦.૪ ટકા MDR નાના વેપારીઓ અને રીટેલર્સના પાતળા નફા પર સીધો પ્રહાર કરશે. એથી બીજી ઑક્ટોબરે વેપારીઓ કાળાં કપડાં પહેરીને વેપાર કરશે અને UPI દ્વારા પેમેન્ટ સ્વીકારશે નહીં.’ ૦૦૦૦૦