05 August, 2026 10:33 AM IST | Mumbai | Darshini Vashi
યાત્રા દરમ્યાન ૧૬ વર્ષની દીકરી હીર સાથે દીપ્તિ દેઢિયા.
જન્મે જૈન ન હોવા છતાં લગ્ન બાદ જૈનત્વને હૃદયથી અપનાવીને સાંતાક્રુઝમાં રહેતાં દીપ્તિ દેઢિયાએ થોડા સમય પહેલાં તેમની દીકરી હીર સાથે મળીને પવિત્ર શેત્રુંજય મહાતીર્થની ૯૯ યાત્રા કરી હતી. એ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘મારો જન્મ હૈદરાબાદમાં થયો હતો પરંતુ બાદમાં મારી ફૅમિલી મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. હું જન્મે તેલુગુભાષી છું અને મારા પિયરની અટક રાવ છે, પરંતુ નાનપણથી ગુજરાતી એરિયામાં રહી છું. મિત્રો-પાડોશી વગેરે બધા ગુજરાતી, કચ્છી જ હતા એટલે સ્વાભાવિક રીતે મને ભાષા સમજ પડવા માંડી હતી અને ધીરે-ધીરે હું એ બોલતાં પણ શીખી ગઈ. હું મારી ફૅમિલી સાથે સાંતાક્રુઝમાં શિફ્ટ થઈ એ પછી મારું ઍડ્મિશન તેમણે અહીંની અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં કરાવ્યું હતું અને ત્યાં મારા હસબન્ડ ચેતન પણ ભણતા હતા. અમારી વચ્ચે દોસ્તી થઈ અને પછી આગળ જતાં એ પ્રેમમાં બદલાઈ હતી. અમે બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો, પરંતુ તેઓ જૈન અને હું નૉન-જૈન હતી તેમ જ અમારી ભાષા અને રીતરિવાજમાં પણ વિભિન્નતા હતી એટલે અમારા બન્નેની ફૅમિલીના લોકોએ વિરોધ કર્યો હતો. જોકે અમે બન્ને લગ્ન માટે મક્કમ હતાં. બે વર્ષ સુધી અમે પેરન્ટ્સની મંજૂરીની રાહ જોઈ અને ત્યાર બાદ તેઓ માની ગયા હતા. આજે અમારાં લગ્નને ૧૮ વર્ષ થઈ ગયાં છે. લગ્ન બાદ મેં માત્ર મારાં સાસરિયાંના રીતરિવાજો જ નહીં પરંતુ ભાષા અને ધર્મ વિશે પણ બધું શીખી લીધું. મારાં સાસુ ખૂબ ધાર્મિક છે એટલે તેમને જોઈ-જોઈને અને તેમની પાસેથી જ્ઞાન લઈને હું જૈન ધર્મ વિશે માહિતી મેળવતી ગઈ. હું જેમ-જેમ જૈન ધર્મને સમજતી ગઈ એમ મને એમાં વધુ રુચિ થવા માંડી. મને જૈન ધર્મ પ્રત્યે લગાવ વધવા લાગ્યો અને હું વધુ ને વધુ અંદર ઊતરવા માંડી. એમાં મને આનંદ આવતો હતો અને શાંતિ પણ મળતી હતી. જૈન ધર્મના તમામ ઉપવાસ હું કરતી થઈ. મેં અઠ્ઠાઈ અને તપ વગેરે પણ કર્યાં. મારાં બન્ને બાળકોને પણ જૈન ધર્મનું જ્ઞાન અપાવ્યું છે. અત્યારની વાત કરું તો મારી દીકરીએ આ વર્ષે દસમા ધોરણની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ તેને બે મહિનાનું વેકેશન પડ્યું ત્યારે ૯૯ જાત્રાનું ફૉર્મ મારી પાસે આવ્યું. મારાં સાસુએ મને કહ્યું કે જો તને ઇચ્છા હોય તો તું પણ આ જાત્રામાં જોડાઈ શકે છે. મને પહેલાં ડર લાગ્યો એટલે મેં ના પાડી દીધી. પછી મને સાસુએ પ્રોત્સાહન આપ્યું અને કહ્યું કે તું એક વખત ટ્રાય તો કર, દાદાની કૃપાથી બધું થઈ જશે; અને ખરેખર એમ જ થયું. મારી સાથે મારી દીકરી પણ જાત્રામાં જોડાઈ અને અમારી બન્નેની જાત્રા ખૂબ સરસ રીતે સંપન્ન થઈ. જાત્રાના શરૂઆતના દિવસો અમારા માટે થોડા કઠિન હતા. પગ ખૂબ દુખ્યા હતા. એક્ઝૉસ્ટ થઈ જવાતું હતું. એમાં પાછું મારું ૧૫ દિવસનું એકાસણું હતું એટલે થોડી તકલીફ પડી હતી. કેટલીક વખત તો એમ પણ થતું કે હું અહીંથી મારી જાત્રાને અટકાવી દઉં પણ મેં એવું ન કર્યું. હિંમત કરીને દાદાનું નામ લીધું અને અમારામાં તાકાત આવવા માંડી અને સફળતાપૂર્વક જાત્રા પૂરી થઈ.’
પિયરમાં પણ ખુશીનું વાતાવરણ
કડકડાટ ગુજરાતી અને કચ્છી ભાષા બોલી જાણતાં દીપ્તિ દેઢિયા કહે છે, ‘જાત્રા પૂરી થતાં જ એક ભાઈને ખબર પડી કે હું મૂળ તેલુગુભાષી છું અને જન્મે નૉન-જૈન હોવા છતાં જાત્રા કરી છે એટલે તેમણે મારો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા અને અનેક ઠેકાણે વાઇરલ કરી દીધો અને જોતજોતાંમાં મારો આ વિડિયો એટલોબધો વાઇરલ થયો હતો કે હું સમાજમાં ફેમસ થઈ ગઈ. આ વિડિયોથી હું આટલીબધી લોકપ્રિય થઈ જઈશ એનો મને અંદાજ જ નહોતો. મારાં સાસરિયાંમાં તો બધાં ખુશ થયાં જ છે પરંતુ સાથે મારા પિયરમાં પણ ખુશીનું વાતાવરણ સર્જાયું છે. મારાં મમ્મી-પપ્પા હૈદરાબાદમાં રહે છે. તેમને પહેલાં એમ લાગ્યું હતું કે હું જૈન ધર્મનું પાલન કેવી રીતે કરી શકીશ. જોકે આજે તેઓ મને જુએ છે ત્યારે તેમને મારા પર ગર્વ અનુભવાય છે.’