ખારની આગમાં નોતનદાસ જ્વેલર્સનાં પુત્રવધૂનું થયું મૃત્યુ

25 September, 2021 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇલેક્ટ્રૉનિક લૉકને લીધે ૪૦ વર્ષનાં હેમા જગવાની સહિતના લોકો સમયસર બહાર ન નીકળી શક્યા

પ્રતીકાત્મક તસવીર

ખાર (વેસ્ટ)માં ગુરુ ગંગેશ્વર માર્ગ પરના પ્લૉટ ૨૨૯માં આવેલા નોતન વિલા બિલ્ડિંગમાં ગુરુવારે સાંજે લાગેલી આગમાં જાણીતા નોતનદાસ જ્વેલર્સનાં પુત્રવધૂ હેમા જગવાનીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક મહિલા અને એક ૧૦ વર્ષની બાળકીને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવી લીધાં હતાં.

ફાયર બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ નોતન વિલામાં ગુરુવારે રાત્રે સાત વાગ્યે લાગેલી આગમાં ૪૦ વર્ષનાં હેમા જગવાની, ૪૫ વર્ષનાં સંગીતા ઠાકુર અને ૧૦ વર્ષની પલક જગવાની ફસાઈ ગયાં હતાં. આગની ઘટનાની પંદર મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જવાનોએ ત્રણેયને આગના ધુમાડા વચ્ચેથી બહાર કાઢ્યા હતા. જોકે હેમા જગવાનીને હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવાયાં ત્યારે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.

આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ઇલેક્ટ્રિક ડક્ટમાં ઇલેક્ટ્રિક વાયરમાં લાગ્યા બાદ સાતમા માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો. આઠ ફાયર એન્જિન, સાત જમ્બો ટૅન્કર, બે ટર્ન કરી શકાય એવી લેડર સહિતની વૅન સાથે આગ બુઝાવવા માટેનું ઑપરેશન હાથ ધરાયું હતું.

બિલ્ડિંગ અને ફ્લૅટની અંદર ઇલેક્ટ્રૉનિક લૉક્સ હોવાથી આગ લાગી હતી ત્યારે બધા ફસાઈ જતાં સમયસર બહાર નહોતા નીકળી શક્યા. ફાયર બ્રિગેડના જવાનોએ આવીને બધાને બહાર કાઢ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai mumbai news khar