રેલવેમાં ફૂડ સપ્લાય કરતી ૧૫ બોગસ વેબસાઇટ્સને નોટિસ

18 June, 2026 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑર્ડર આપ્યા છતાં ફૂડ ન મળવાની અથવા હલકી ગુણવત્તાનું ફૂડ મળ્યાની ફરિયાદ મુંબઈમાં સૌથી વધુ

પ્રતીકાત્મક તસવીર

રેલવેના પ્રવાસીઓ સાથે ઈ-કેટરિંગના નામે થતી છેતરપિંડી રોકવા માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશભરમાં ટ્રેનમાં ફૂડ-ડિલિવરી કરતી ૧૫ બનાવટી વેબસાઇટ્સ સામે IRCTCએ કાર્યવાહી શરૂ કરી છે. આ બોગસ પોર્ટલ્સનો ભોગ બનનારાઓમાં સૌથી વધુ સંખ્યા મુંબઈના પ્રવાસીઓની હોવાનું સામે આવ્યું છે.

IRCTCની ઈ-કેટરિંગ સર્વિસ ૪૦૦થી વધુ રેલવે-સ્ટેશનોએ ઉપલબ્ધ છે અને દરરોજ સરેરાશ ૧.૫૫ લાખથી વધુ ફૂડ-બુકિંગનું મૅનેજમેન્ટ કરે છે જેમાં સૌથી વધુ ફરિયાદ મુંબઈથી મળતી હોવાનું રેલવેએ જણાવ્યું છે. દર મહિને મુંબઈમાંથી આશરે ૪૦૦ જેટલી ફરિયાદ મળે છે જેમાં પ્રવાસીઓએ ઑર્ડર આપ્યા છતાં ભોજન ન મળવું, હલકી ગુણવત્તા અને રીફન્ડ ન મળવા જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ મામલે રેલવેએ ગેરકાયદે વેબસાઇટ્સને ફેબ્રુઆરીમાં લીગલ નોટિસ ફટકાર્યા બાદ માર્ચ-એપ્રિલમાં ફરિયાદ દાખલ કરી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે ‘આ ગેરકાયદે વેબસાઇટ્સ પ્રવાસીઓના પૅસેન્જર નેમ રેકૉર્ડ (PNR) નંબર, મોબાઇલ-નંબર અને પેમેન્ટની વિગતો જેવા સંવેદનશીલ ડેટા ભેગા કરે છે જે ઑનલાઇન ફ્રૉડ અને સાઇબર ગુનાઓનું જોખમ વધારે છે. સાથોસાથ આ ભોજન FSSAIના નિયમોનું પાલન ન કરતા કિચનમાં બનીને આવતું હોવાથી સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે.

mumbai news mumbai irctc indian railways Crime News