આમ્બિવલીની ઈરાની વસ્તીમાંથી કુખ્યાત બાઇકચોરની ધરપકડ

09 August, 2026 09:41 AM IST  |  kalyan | Gujarati Mid-day Correspondent

૯ બાઇક કબજે કરવામાં આવી, ગુનેગાર પકડાયો એને પગલે ખડકપાડા પોલીસે વાહનચોરી અને લૂંટના ૧૧ ગુના ઉકેલ્યા

ખડકપાડા પોલીસે ધરપકડ કરેલો આરોપી.

કલ્યાણની ખડકપાડા પોલીસે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) વિસ્તારમાંથી બાઇકચોરીની શ્રેણીબદ્ધ ઘટનાઓમાં સંકળાયેલા એક મોસ્ટ વૉન્ટેડ રીઢા ગુનેગારની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીની ઓળખ પચીસ વર્ષના અબ્બાસ સૈયદ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી કુલ ૬.૩૫ લાખ રૂપિયાની ૯ ચોરાયેલી બાઇક કબજે કરી છે. આ ધરપકડથી કલ્યાણ, થાણે સિટી, મુરબાડ અને ખડકપાડા પોલીસ-સ્ટેશન વિસ્તારના વાહનચોરીના ૮ ગુના ઉકેલાયા છે. આ ઉપરાંત આરોપી કાપુરબાવડી અને બદલાપુર પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ સહિતના અન્ય ૩ મિલકત સંબંધી ગુનાઓમાં પણ વૉન્ટેડ હતો.
ખડકપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સમગ્ર કાર્યવાહીની શરૂઆત ૪ ઑગસ્ટે કલ્યાણના ગાંધારી વિસ્તારમાંથી થઈ હતી, જ્યાંથી ૪૦,૦૦૦ રૂપિયાની એક મોટરસાઇકલ ચોરાઈ ગઈ હતી. વાહનમાલિકે અમારી પાસે ફરિયાદ નોંધાવ્યા બાદ બાઇકચોરને પકડવા વિશેષ તપાસટીમની રચના કરવામાં આવી હતી. તપાસટીમે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસ્યાં હતાં તેમ જ ટેક્નિકલ પુરાવાઓ અને બાતમીદારોની મદદ લીધી હતી. આ ચોરીમાં રીઢા ગુનેગાર અબ્બાસ સૈયદનો હાથ હોવાની માહિતી મળતાં તરત આમ્બિવલીની ઈરાની વસ્તીમાં કૉમ્બિંગ ઑપરેશન કરીને આરોપી અબ્બાસની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરાયેલી પ્રથમ બાઇક જપ્ત કરી હતી. કડક પૂછપરછ દરમ્યાન તેણે અન્ય સ્થળોએથી ચોરેલી વધુ ૮ મોટરસાઇકલ વિશે ખુલાસો કર્યો હતો, જે પણ અમે રિકવર કરી લીધી છે. આરોપી મુંબઈ અને થાણે પોલીસના રડારમાં લાંબા સમયથી હતો. આ ધરપકડથી સંગઠિત વાહનચોરી સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતો અને વણઉકેલાયેલા ગુનાઓની મહત્ત્વની કડીઓ મળવાની શક્યતા છે.’

mumbai news mumbai thane kalyan mumbai police Crime News mumbai crime news