09 January, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં લોકોએ સાવચેતીના પગલારૂપે માસ્ક પહેરવાનું ફરી શરૂ કરી દીધું છે. (તસવીર - આશિષ રાજે)
મહારાષ્ટ્રના નાગપુરમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના બે શંકાસ્પદ કેસ નોંધાયા બાદ હવે મુંબઈમાં ૬ મહિનાની એક બાળકીને આ વાઇરસનું સંક્રમણ થયું હોવાનું ગઈ કાલે જાણવા મળ્યું હતું. પવઈમાં આવેલી હીરાનંદાની હૉસ્પિટલમાં આ બાળકીને પહેલી જાન્યુઆરીએ સખત ઉધરસ અને છાતીમાં ભીંસ અનુભવાતી હોવાથી ઍડ્મિટ કરવામાં આવી હતી. ત્યારે બાળકીનું ઑક્સિજન લેવલ ૮૪ થઈ ગયું હતું. આ બાળકીની ટેસ્ટ કરવામાં આવતાં તેને HMPVનું સંક્રમણ થયું હોવાનું કન્ફર્મ થયું હતું. આ વાઇરસની કોઈ ખાસ સારવાર નથી એટલે બાળકીને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખીને બ્રૉન્કોડાઇલેટર્સ એટલે કે ફેફસાંના મસલને રિલૅક્સ કરવા સહિતની સારવાર આપવામાં આવી હતી. બાળકીની તબિયતમાં સુધારો થતાં તેને પાંચ દિવસ બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ડૉક્ટરોનું કહેવું છે કે HMPV કોરોના જેવો જીવલેણ નથી એટલે ડરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવું જરૂરી છે.
મુંબઈમાં HMPVનો કેસ સામે આવતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના આરોગ્ય વિભાગ દ્વારા મુંબઈમાં ઉધરસ, કફ કે તાવના દરદીઓ પર વધુ બારીકાઈથી નજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BMCએ અગમચેતીના પગલારૂપે HMPVના દરદીઓ માટે અલાયદો વૉર્ડ તૈયાર કર્યો છે.