હવે ‘ગૉડ’ પણ મૂકશે રાજ કુન્દ્રાને મુસીબતમાં

31 July, 2021 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નામના ઑનલાઇન ગેમિંગમાં કરોડો રૂપિયાનો ગોટાળો કર્યાનો આરોપ : બીજેપીના વિધાનસભ્યે આરોપ કર્યો કે શિલ્પા શેટ્ટીના પતિએ વિયાન નામની કંપની દ્વારા આ નામની ગેમ શરૂ કરીને લોકોને છેતર્યા છે

હવે ‘ગૉડ’ પણ મૂકશે રાજ કુન્દ્રાને મુસીબતમાં

પૉર્ન ફિલ્મ બનાવીને એને ઍપ દ્વારા પ્રસારિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા બૉલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમૅન પતિ પર બીજેપીના વિધાનસભ્ય રામ કદમે ગંભીર આરોપ કર્યા છે. રાજ કુન્દ્રાએ એક જાણીતી અભિનેત્રી અને મૉડલનું શારીરિક શોષણ કરવાની સાથે ગૉડ (ગેમ ઑફ ડૉટ્‌સ) નામની ઑનલાઇન ગેમ દ્વારા અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ તેમણે મૂક્યો છે.
રામ કદમે ગઈ કાલે મુંબઈમાં પત્રકારોને માહિતી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ એક જાણીતા અભિનેત્રી અને મૉડલે જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ કુન્દ્રા સામે શારીરિક શોષણ કરવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસે કોઈ પગલાં નહોતાં લીધાં. એટલું જ નહીં, અભિનેત્રી પર ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરાયું હતું. આ દબાણ કરવા પાછળ કોણ છે એ સરકારે કહેવું જોઈએ.’ 
રામ કદમે વધુમાં કહ્યું હતું કે ‘રાજ કુન્દ્રાએ જે વિયાન ઇન્ડસ્ટ્રીઝ નામની પોતાની કંપની દ્વારા પૉર્ન ફિલ્મ બનાવીને ઍપમાં પ્રસારણ કર્યું હતું એ જ કંપની દ્વારા તેણે લોકોને છેતરવા માટે ઑનલાઇન ગેમ ગૉડ (ગેમ ઑફ ડૉટ્‌સ) શરૂ કરી હતી. રાજ કુન્દ્રાએ આ ગેમના નામે ડિસ્ટ્રિબ્યુટરો સાથે ફ્રૉડ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે. ચોંકાવનારી વાત એ છે કે કમાણી કર્યા બાદ તેણે બધા સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. જેમણે લાખો રૂપિયા આપીને ડિસ્ટ્રિબ્યુટરશિપ લીધી હતી તેમણે રૂપિયા પાછા માગ્યા ત્યારે તેમની સામે જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 
રામ કદમે વધુમાં કહ્યું હતું કે ‘ઑનલાઇન ગેમ મામલામાં જો ત્રણ દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરીશું. આ માટે પોલીસ કમિશનર અને ગૃહમંત્રાલયને વિનંતી છે. સરકાર સામાન્ય લોકો પર થઈ રહેલો અન્યાય કેવી રીતે સહન કરી રહી છે એ નથી સમજાતું.’
રામ કદમે ગેમ વિશે કહ્યું હતું કે ‘રાજ કુન્દ્રા વિયાન ઇન્ડસ્ટ્રી નામની કંપનીનો ડિરેક્ટર છે. આ કંપનીની ગૉડ નામની ઑનલાઇન ગેમ છે. આ ગેમને કાયદેસરની ગણાવાઈ છે. આ ગેમના પ્રમોશન વખતે પહેલાં કહેવાયું હતું કે તે સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત છે. આ ગેમમાં પ્રાઇસ-મની આપવાની પણ વાતી હતી. જોકે બાદમાં આ ગેમ ગેરકાયદે હોવાનું જણાયું હતું. વિયાન કંપનીએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે.’
પ્રેસ-કૉન્ફરન્સમાં રામ કદમ સાથે હાજર રહેલા થાણેના ડિસ્ટ્રિબ્યુટર રાજુ નાયરે કહ્યું હતું કે ‘મેં મારા મિત્ર સાથે મળીને ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમાંથી અમને સારી કમાણી થવાની આશા હતી. શિલ્પા શેટ્ટીનું નામ આ ગેમ સાથે જોડાયેલું હોવાથી મોટો ફાયદો થવાની શક્યતા હતી. અમારી રાજ કુન્દ્રા કે શિલ્પા શેટ્ટી સાથે મુલાકાત નથી થઈ. અમે કંપનીના મૅનેજરને મળ્યા હતા, જેણે અમને ગેમ સંબંધિત માહિતી આપી હતી. રૂપિયા આપ્યા બાદ ત્રણ મહિના પછી અમારી ચીટિંગ થઈ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. અમે અનેક વખત કંપનીની ઑફિસે ગયા છીએ, પરંતુ કોઈ મળતું નથી. પોલીસમાં ગયા તો અમને રૂપિયા પાછા મળી જશે એવું આશ્વાસન આપીને ફરિયાદ નથી લેવાતી.’
સોલાપુરના ડિસ્ટ્રિબ્યુટર સંતોષ મારેએ આ સમયે કહ્યું હતું કે ‘શિલ્પા શેટ્ટીનું નામ સાંભળીને મેં ગેમમાં રૂપિયા રોક્યા છે. ચેક દ્વારા સાત લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે. આ ગેમથી સારો લાભ થશે અને એ કાયદેસર છે એવું કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું. અમને મોટી સ્ક્રીન અને કમ્પ્યુટર આપવાની પણ વાત હતી. એટલું જ નહીં, રોકાણ ગમે ત્યારે પાછું લઈ શકવાનું પણ તેઓ કહેતા હતા. જોકે બાદમાં ખ્યાલ આવ્યો હતો કે અમારી ચીટિંગ થઈ છે. અમે જ્યારે અમારા રૂપિયા પાછા લેવા કંપનીની ઑફિસે ગયા હતા ત્યારે ધક્કા મારીને અમને કાઢી મુકાયા હતા.’

Mumbai mumbai news raj kundra shilpa shetty