મહિલાઓ માટે મુંબઈ સુરક્ષિત શહેર નથી

14 September, 2021 03:57 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

સાકીનાકામાં એક મહિલાનો અમાનવીય બળાત્કાર બાદ જીવ જતાં મહિલાઓની સલામતીને લઈને પ્રશ્નો થવા લાગ્યા છે ત્યારે શિવસેનાએ દાવો કર્યો કે મુંબઈ હજી મહિલાઓ માટે દુનિયાનું સૌથી સેફ શહેર છે, પણ મુંબઈની મહિલાઓ ઉદ્ધવ ઠાકરના પક્ષ સાથે સહમત નથી

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-વેસ્ટના સાકીનાકામાં ૩૪ વર્ષની મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાના મામલાએ સૌને ચોંકાવી દીધા છે ત્યારે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ મહિલાઓ માટે દુનિયાનું સૌથી સલામત શહેર છે એટલે કોઈએ આમાં શંકા ન રાખવી જોઈએ. જોકે મુંબઈમાં રહેતી મહિલાઓ કહે છે કે ભલે કોઈ શહેર સેફ હોવાનો દાવો કરતું હોય, પણ છેલ્લા કેટલાક સમયથી અહીં નાની બાળકીઓથી માંડીને મોટી ઉંમરની મહિલાઓ સામેના ગુનામાં વધારો થયો હોવાથી રાતે એકલા નીકળતાં તેમને ડર લાગે છે. આથી મુંબઈ દુનિયાનું મહિલાઓ માટેનું સૌથી સેફ શહેર નથી એમ ઘણી મહિલાઓને લાગે છે અને એમાંથી કેટલીક મહિલાઓ સાથે મિડ-ડેએ વાત પણ કરી.

મુંબઈ પહેલાં સેફ હતું, હવે નથી

મુંબઈ મહિલાઓ માટે પહેલાં સલામત હતું, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં જોખમી બન્યું છે. મુંબઈમાં ભ્રષ્ટાચારને લીધે કાયદો અને ન્યાયિક વ્યવસ્થા પડી ભાંગી હોવાથી ગુનેગારો એનો ફાયદો ઉઠાવે છે. ગુનેગારો બેફામ રીતે ગુનો કરીને આસાનીથી છૂટી જતા હોવાથી પીડિત મહિલા કે યુવતીને ન્યાય નથી મળતો. લોકો મુંબઈને દુનિયાનું મહિલાઓ માટે સેફેસ્ટ શહેર માને છે, પરંતુ એવું નથી.વિદેશમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ કડક હોવાથી લોકો ગુનો કરતાં અચકાય છે. હું વર્કિંગ વુમન છું, મોડી રાત સુધી કામકાજ અર્થે બહાર નીકળું છું, પરંતુ મનમાં સતત ડર રહે છે. આપણા દેશમાં જ્યાં સુધી સિસ્ટમમાં સુધારો નહીં થાય ત્યાં સુધી મહિલાઓ તો શું કોઈને પણ જસ્ટિસ નહીં મળે.

રૂપા પારેખ, કાંદિવલી

રાતે એકલી નીકળવામાં મહિલાને જોખમ

મુંબઈમાં બીજા દેશોનાં શહેરોની જેમ મોડી રાતે કે વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું જરાય સેફ નથી. આ શહેરમાં મહિલાઓ રાતે ૧૧ વાગ્યા સુધી લોકોની ભીડ હોય ત્યાં સુધી સલામત છે, પરંતુ એ પછીના સમયમાં ઓછા લોકોની હાજરી હોય ત્યારે રસ્તા પર એકલાં નીકળીએ તો ડર રહે છે. હું અને મારી ફ્રેન્ડ દુબઈમાં વહેલી સવારે ૪ વાગ્યે એકલાં રસ્તામાં ફરતાં હોવા છતાં અમને કોઈ પ્રકારનો ડર નહોતો, પણ અહીં આવી રીતે જવાનું જોખમ ન લઉં. કેટલાક વિસ્તારોમાં દિવસના સમયે પણ એકલી યુવતીને જવામાં ડર હોય છે. લોકલ ટ્રેન હોય કે કાર રાતે મનમાં ડર તો રહે જ છે. આથી એવું જરાય નહીં કહી શકાય કે મુંબઈ મહિલાઓ માટે દુનિયાનું સૌથી સેફ શહેર છે.

ચૈતાલી શાહ, સાંતાક્રુઝ

રાતે ૯ વાગ્યા પછી ક્યારેય બહાર નથી જતી

મુંબઈના કેટલાક વિસ્તારોમાં રાતે સ્ટ્રીટલાઇટ ચાલુ નથી હોતી અને એકાંત સ્થળે એકલી મહિલાએ જવું જરાય સેફ નથી. ૫૦ વર્ષથી હું અહીં રહેતી હોવા છતાં ક્યારેય રાતે ૯ વાગ્યા પછી કાર, ટ્રેન કે બીજાં વાહનોમાં એકલી જવાની હિંમત નથી થતી. મનમાં સતત ડર રહે છે કે કોઈક આવીને હુમલો કરશે કે જબરદસ્તી કરવાનો પ્રયાસ કરશે. બીજું, મારી નજરે મુંબઈ એક એવું શહેર છે જ્યાં કોઈને મુસીબતમાં જોઈને તેની મદદ કરવાને બદલે મોટા ભાગના લોકો તમાશો જુએ છે. લોકોને પોલીસના ચક્કરમાં પડવાનો ડર લાગતો હોવાથી રાતે એકલી જાઉં તો મુશ્કેલીમાં મુકાવાનો સતત ડર લાગ્યા કરે છે. હું વર્કિંગ વુમન હોવા છતાં ડરને લીધે રાતે ૯ પહેલાં અથવા તો મોડામાં મોડું ૧૧ વાગ્યા સુધી ઘરે પહોંચવાનો પ્રયાસ કરું છું. આથી કહી શકું છે કે આ મુંબઈને મહિલાઓ માટે વિશ્વનું સૌથી સેફ શહેર ન કહી શકાય.

પારુલ શાહ, ચર્ની રોડ

mumbai mumbai news prakash bambhrolia