01 June, 2026 10:01 AM IST | Mumbai | Samiullah Khan
ચુકાદા બાદ ખુશી વ્યક્ત કરતા રમેશ સનાથરાએ જણાવ્યું હતું કે જો તમારી પાસે સત્ય અને પુરાવા હોય તો મોડો પણ ન્યાય ચોક્કસ મળે છે.
ન્યાયતંત્ર પર અડગ ભરોસો રાખીને સત્ય અને પુરાવાના જોરે ૩૧ વર્ષ સુધી કાનૂની લડત લડનારા એક નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI)નો આખરે વિજય થયો છે. બૉમ્બે હાઈ કોર્ટે કોટક મહિન્દ્ર બૅન્કને આદેશ આપ્યો છે કે એ વિલે પાર્લેના મૂળ વતની અને કૅનેડા સ્થાયી થયેલા ઇન્વેસ્ટર રમેશ એન. સનાથરાના નામે તમામ શૅર અને એનાથી મળેલા કૉર્પોરેટ લાભો તાત્કાલિક ટ્રાન્સફર કરે. ૧૯૯૪માં માત્ર ૩૯,૭૦૦ના મામૂલી રોકાણથી શરૂ થયેલો આ વિવાદ આજે સ્ટૉક સ્પ્લિટ પછી ૫૦૦૦ શૅર સાથે અંદાજે ૧૯ લાખ રૂપિયાના મૂલ્યમાં ફેરવાઈ ગયો છે.
કેસ કેવી રીતે શરૂ થયો?
રમેશ સનાથરાએ ફેબ્રુઆરી ૧૯૯૪માં બ્રોકર દ્વારા કોટક મહિન્દ્ર ફાઇનૅન્સ લિમિટેડના ૧૦૦ શૅર ખરીદ્યા હતા, પરંતુ આ ફિઝિકલ શૅર-સર્ટિફિકેટ્સ તેમના સુધી પહોંચે એ પહેલાં જ સ્ટૉક એક્સચેન્જની સેટલમેન્ટ પ્રક્રિયા દરમ્યાન ગુમ થઈ ગયા હતા. આ અંગે પોલીસ-ફરિયાદ અને સ્ટૉપ ટ્રાન્સફરની સૂચનાઓ આપવા છતાં આ મામલો ભારે કાનૂની ગૂંચવણોમાં ફસાઈ ગયો હતો અને ૧૯૯૫માં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. આ લાંબી લડતમાં ૨૦૦૫ના મુંબઈના ભયાનક પૂર દરમ્યાન બૅન્ક-લૉકરમાં રાખેલા કેસના દસ્તાવેજો પણ નાશ પામ્યા હતા, પરંતુ વકીલોની મહેનતથી જૂના રેકૉર્ડ મેળવીને કેસ ફરી જીવંત કરવામાં આવ્યો હતો.
૨૦૧૮માં સિવિલ કોર્ટે રમેશ સનાથરાને કાયદેસરના માલિક જાહેર કર્યા હતા, જેની સામે થયેલી અપીલ પર સુનાવણી કરતાં હવે હાઈ કોર્ટના જસ્ટિસ રાજેશ એસ. પાટીલે રમેશ સનાથરાની તરફેણમાં અંતિમ ચુકાદો આપ્યો છે. હાઈ કોર્ટે બૅન્ક અને KFin ટેક્નૉલૉજીને આદેશ આપ્યો છે કે રોકાણકારના શૅરને તાત્કાલિક ડીમૅટ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા અને ઇન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેક્શન ફન્ડ (IEPF)માં ટ્રાન્સફર થયેલા બોનસ શૅર અને ડિવિડન્ડ પરત મેળવવામાં મદદ કરવી.