✕

૬ વર્ષ પહેલાં ભિવંડીથી ચોરાયેલું સ્કૂટર મળ્યું બોરીવલીના પેટ્રોલ-પમ્પ પરથી

06 November, 2026 10:00 AM IST  |  Mumbai | Samiullah Khan

૧૪ અને ૧૭ વર્ષના બે ટીનેજર પોલીસ લખેલા શંકાસ્પદ સ્કૂટર સાથે ઝડપાયા : ટ્રાફિક-પોલીસે ઈ-ચલાન સિસ્ટમ તપાસી એમાં ઓરિજિનલ માલિકનો પત્તો લાગ્યો

પોલીસ કોન્સ્ટેબલ પ્રસાદ સંજય સાળુંખે અને બોરીવલી ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સુશાંત મોહિતે. તસવીર/વિશેષ વ્યવસ્થા દ્વારા

બોરીવલી-વેસ્ટના યોગીનગર પેટ્રોલ-પમ્પ પર ફરજ પર ન હોય એવા પોલીસ-જવાને સમયસૂચકતા વાપરીને બે શંકાસ્પદ કિશોરો પાસેથી સ્કૂટર ઝડપી પાડતાં ૨૦૨૦માં ભિવંડીથી ચોરાયેલા વાહનનો ભેદ ઉકેલાયો છે. નાગપાડા મોટર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ૩૪ વર્ષના પ્રસાદ સાળુંખે ૪ નવેમ્બરે રાત્રે સાડાદસ વાગ્યે પોતાના ટૂ-વ્હીલરમાં પેટ્રોલ પુરાવવા ઊભા હતા ત્યારે તેમની નજર આગળ ‘પોલીસ’ લખેલા એક સ્કૂટર પર પડી હતી. એ સ્કૂટરની પાછળની નંબરપ્લેટ ગાયબ હતી, જ્યારે આગળ MH 04 KJ 3038 નંબર દેખાતો હતો. તેમણે ૧૪ અને ૧૭ વર્ષના બન્ને ટીનેજરની પૂછપરછ કરતાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. તેથી તેમણે નજીકમાં જ પૅટ્રોલિંગ કરી રહેલા બોરીવલી ટ્રાફિક-પોલીસના જવાન સુશાંત મોહિતેને જાણ કરી હતી.

સુશાંત મોહિતેએ ઈ-ચલાન સિસ્ટમ દ્વારા વિગતો ચકાસતાં એ સ્કૂટર ભિવંડીના રહેવાસી સંતોષ વાઘેલાના નામે રજિસ્ટર્ડ હોવાનું બહાર આવ્યું હતું. સંપર્ક કરતાં સંતોષ વાઘેલાએ જણાવ્યું હતું કે એ સ્કૂટર ૨૦૨૦માં ચોરાઈ ગયું હતું અને તેમણે ભિવંડી સિટી પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ની કૉપી પણ બતાવી હતી. દસ્તાવેજો રજૂ ન કરી શકતાં બન્ને ટીનેજર્સ અને સ્કૂટરને આગળની કાર્યવાહી માટે MHB કૉલોની પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવ્યાં હતાં.

ચોરી ક્યારે થઈ?
આ ચોરી વિશે મૂળ ફરિયાદ મુજબ ૪૮ વર્ષના સંતોષ વાઘેલાએ ૨૦૧૯માં ૩૦,૦૦૦ રૂપિયામાં સ્કૂટર ખરીદ્યું હતું. ૨૦૨૦ની ૧૫ સપ્ટેમ્બરે રાત્રે ભિવંડીમાં પોતાના બિલ્ડિંગ નીચે સ્કૂટર પાર્ક કર્યું હતું, જે સવારે ચોરાઈ ગયું હતું.

ચોર ન પકડાય ત્યાં સુધી સ્કૂટર પાછું લેવાનો માલિકનો ઇનકાર
સ્કૂટર મળ્યા બાદ સંતોષ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ અસલી ચોરોની ધરપકડ ન કરે અને આ વાહન આ બન્ને ટીનેજરો સુધી કેવી રીતે પહોંચ્યું એ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તેઓ પોતાનું સ્કૂટર પાછું લેશે નહીં. તેમણે કહ્યું હતું કે તેઓ આર્થિક નુકસાન સહન કરી શક્યા હતા, પરંતુ કોઈ ગરીબ માણસ લોન પર વાહન લે અને ચોરાઈ જાય તો એ ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય એટલે તમામ ગુનેગારોની ધરપકડ થાય એ જ તેમની એકમાત્ર માગણી છે.

mumbai news mumbai borivali mumbai police