કાયપો છે પતંગ નહીં, પતંગનો ધંધો

13 January, 2022 09:25 AM IST  |  Mumbai | Rohit Parikh

મુંબઈમાં આવેલી પતંગની હોલસેલ અને રીટેલ માર્કેટ પર ઓમાઇક્રોનની અસર વર્તાઈ રહી છે

મકરસંક્રાન્તિનો તહેવાર બે દિવસ દૂર હોવા છતાં સાઉથ મુંબઈમાં આવેલી પતંગની હોલસેલ અને રીટેલ માર્કેટ પર ઓમાઇક્રોનની અસર વર્તાઈ રહી છે


મુંબઈ : મકરસંક્રાન્તિનો તહેવાર બે દિવસ દૂર હોવા છતાં સાઉથ મુંબઈમાં આવેલી પતંગની હોલસેલ અને રીટેલ માર્કેટ પર ઓમાઇક્રોનની અસર વર્તાઈ રહી છે. બે વર્ષથી પતંગના બિઝનેસમાં જબરી મંદી ચાલી રહી છે. કોવિડ અને સરકારી નિયમોને કારણે આ તહેવારમાં લોકોનો ઉત્સાહ ઓસરી ગયો છે. હોલસેલ વેપારીઓ કહે છે કે રીટેલરો અને ફેરિયાઓ અમારી પાસેથી પતંગ અને ફીરકી વેચવા લઈ ગયા છે, પરંતુ અમારી દુકાનોમાં રીટેલ ઘરાકી ઝીરો છે, જે કદાચ છેલ્લા દિવસે આવી શકે છે. 
ડોંગરીમાં ૭૫ વર્ષથી વધુ સમયથી પતંગ-માંજાનો બિઝનેસ કરી રહેલા મહમદ મલિક અન્સારીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારા ‌બિઝનેસની હાલત નોટબંધી અને જીએસટી આવ્યા પછી ઘટવા લાગી છે. મુંબઈકરો જાણે આ તહેવારમાં નિરુત્સાહી બની ગયા હોય એવો માહોલ છે. ગયા વર્ષે કોવિડ હોવા છતાં અમુક લોકો પતંગ ખરીદવા નીકળ્યા હતા, પરંતુ ત્યાર પછી તેઓ સરકારી નિયમોને કારણે પતંગ ઉડાડી શક્યા નહોતા. આવી જ હાલત અત્યારે છે. ચારે બાજુ લોકોમાં ઓમાઇક્રોન અને કોવિડના મુંબઈમાં વધી રહેલા કેસને લીધે સરકાર ગમે ત્યારે લૉકડાઉન જાહેર કરશે એવો ભય છે. જેને પરિણામે ગઈ કાલ સુધી દુકાનમાં એક ટકા જેટલા ઘરાક પણ ખરીદી કરવા આવ્યા નથી. અમારો ગયા વર્ષનો માલ પણ વેચાયો નથી, એટલે આ વર્ષે અમે નવો સ્ટૉક ભર્યો જ નથી.’ 
ભીંડીબજારના ફરહાન કાઇટ સેન્ટરના ફરહાન અન્સારી બાપદાદાના સમયથી પતંગ અને માંજાના બિઝનેસમાં છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી દુકાનમાં સેન્ટ્રલ અને વેસ્ટર્નનાં ઉપનગરોમાંથી રીટેલરો અને પતંગરસિયાઓ પતંગ ખરીદવા આવે છે, પણ આ વર્ષે કોવિડને કારણે લોકોમાં મકરસંક્રાન્તિનો ઉત્સાહ જોવા મળતો નથી. અત્યારે મુંબઈમાં કોવિડ, ઓમાઇક્રોન જેવા રોગની સાથે વરસાદિયું વાતાવરણ પણ છે. છેલ્લા થોડા દિવસથી રીટેલરો આવીને પતંગ-માંજાની ફીરકીઓ લઈ જાય છે. સામાન્ય રીતે રવિવારના દિવસે શહેર અને ઉપનગરોમાંથી પતંગરસિયાઓ પતંગ ખરીદવા નીકળે છે, પણ ગઈ કાલ સુધી ઘરાકી દેખાતી નહોતી. અમને આશા છે કે આજથી ઘરાકી શરૂ થશે જે મકરસંક્રાન્તિના દિવસ સુધી ચાલશે.’ 
બાપ-દાદાના જમાનાથી પતંગ મૅન્યુફૅક્ચરર અને હોલસેલનો બિઝનેસ કરી રહેલા લકી ભારત કાઇટ શૉપના અહમદ કાજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય દિવસોમાં મકરસંક્રાન્તિનો તહેવાર આવે એના બે મહિના પહેલાંથી જ અમે એટલાબધા વ્યસ્ત રહેતા કે અમને ફોન પર કોઈની સાથે વાતચીત કરવાની ફુરસદ મળતી નહોતી. જેની સામે બે વર્ષથી કોવિડને કારણે ફક્ત ૨૦ ટકા બિઝનેસ હતો. આ સીઝનમાં ઘરાકી નીકળવી જોઈતી હતી, પરંતુ ગઈ કાલ સુધી ઘરાકી નહીંવત્ હતી, જેની સામે હવે તહેવારનો દિવસ નજીક આવતાં ઘરાકી દેખાય છે, પણ પહેલાં જેવો ખરીદીમાં ઉત્સાહ નથી. અમારી પતંગ દેશ-વિદેશમાં વેચાય છે.

mumbai mumbai news