લગ્નના નામે યુવતી સાથે ૧.૭૪ લાખ રૂપિયાની છેતરપિંડી

28 November, 2022 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે ગુજરાતના યુવક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

પ્રતીકાત્મક તસવીર

ફોર્ટ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષની યુવતી લગ્ન કરવા માગતી હતી. દરમ્યાન તેની ઓળખ એક ઑનલાઇન સાઇટ પરથી ગુજરાતના વડોદરાના યુવક સાથે થઈ હતી, જેણે યુવતીને લગ્ન કરવાનું વચન આપી ધીરે-ધીરે કરી ૧.૭૪ લાખ રૂપિયા પડાવ્યા હતા. એ પછી વધુ પૈસા માગતાં યુવતીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, જે પછી યુવકે એકાએક પોતાના નંબર બંધ કરી દીધા હતા. કેટલાક મહિનાઓ સુધી યુવકની કોઈ ભાળ ન લાગતાં અંતે યુવતીએ પોતાની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. 

મુંબઈ ફોર્ટ બોરાબજાર વિસ્તારમાં આવેલા એક બિલ્ડિગમાં રહેતી અને ખારમાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી ૩૨ વર્ષની કોમલ ઠક્કરે (નામ બદલ્યું છે) કરેલી ફરિયાદ અનુસાર આશરે આઠ મહિના પહેલાં લગ્ન માટે યુવકની શોધમાં હોવાથી તેણે એક લગ્ન સંબંધી વેબસાઇટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમ્યાન તેની ઓળખ પાર્થ ઓઝા નામના યુવક સાથે થઈ હતી. પાર્થે પોતે વડોદરા ગુજરાતનો રહેવાસી હોવાનું કોમલને કહ્યું હતું. એ પછી બન્નેને એકબીજાનું પ્રોફાઇલ પસંદ પડતાં બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. પાર્થ કોલમના ઘરે આવી તેનાં માતા-પિતાને પણ મળ્યો હતો. લગ્ન માટેની તમામ ચીજો નક્કી થતાં પાર્થે કોમલને કહ્યું હતું કે મારા વ્યવસાયમાં નુકસાન થયું છે, મને થોડા પૈસાની જરૂરિયાત છે એમ કહી ધીરે-ધીરે કરી પાર્થે ૧,૭૪,૫૫૦ રૂપિયા ગૂગલ પેના માધ્યમથી લીધા હતા. એ પછી પણ વધુ પૈસાની માગણી કરતાં કોમલે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, જે પછી એકાએક પાર્થનો મોબાઇલ બંધ આવ્યો હતો. કેટલાક સમય સુધી તેનો નંબર બંધ આવતાં કોમલને પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં તેણે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર‍ રાજેશ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવતી સાથે લગ્નના નામે થયેલી છેતરપિંડીની ઘટનાની ફરિયાદ અમે નોંધ કરી તપાસ હાથ ધરી છે. આરોપી ગુજરાત રાજ્યનો હોવાથી તેને પકડવા માટે કેટલીક કાયદાકીય પ્રક્રિયા હોય છે એ પૂર્ણ થયા પછી તેની ધરપકડ કરવામાં આવશે.’ 

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police churchgate