કોવૅક્સિનની અસરકારકતાનું વધુ એક પ્રમાણ સામે આવ્યું

22 November, 2021 09:29 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

અગાઉ અન્ય નિષ્ણાતોએ કોવૅક્સિન રસી મુકાવ્યા પછી ટી-સેલ પ્રતિક્રિયા સામે શંકા વ્યક્ત કરી હતી. જોકે તબીબી નિષ્ણાતો કહે કે ટી-સેલ અંગે સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે લાંબા સમય સુધી દરદીઓના નિરીક્ષણની જરૂર પડશે.

કોવૅક્સિનની અસરકારકતાનું વધુ એક પ્રમાણ સામે આવ્યું

નવી દિલ્હીની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇમ્યુનોલૉજી અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના નિષ્ણાત તબીબોએ રસીકરણ અંગે મેડ-આર્કાઇવ પર અભ્યાસ પ્રકાશિત કર્યો છે, જેમાં કોવૅક્સિન માનવશરીરમાં ટી-સેલની પ્રતિક્રિયા જન્માવતી હોવાનું જણાવાયું છે. અગાઉ અન્ય નિષ્ણાતોએ કોવૅક્સિન રસી મુકાવ્યા પછી ટી-સેલ પ્રતિક્રિયા સામે શંકા વ્યક્ત કરી હતી. જોકે તબીબી નિષ્ણાતો કહે કે ટી-સેલ અંગે સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે લાંબા સમય સુધી દરદીઓના નિરીક્ષણની જરૂર પડશે.
જે. જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સ અને ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં મેડિસિનના પ્રોફેસર ડૉ. વિકાર શેખ જણાવે છે કે ‘ભારતમાં બનેલી કોરોના રસી માટે એ જરૂરી છે કે તે દુનિયા સામે એની મજબૂત કાર્યક્ષમતા પુરવાર કરે. સંક્રમણ સામે શરીર ઍન્ટિ-બૉડીઝ બનાવીને રક્ષા કરે છે, પણ એક વાર વાઇરસ સેલમાં પ્રવેશી જાય પછી ટી-સેલ જ એકમાત્ર હથિયાર છે. મેડ-આર્કાઇવમાં પ્રકાશિત અભ્યાસમાં દર્શાવાયું છે કે ૮૫ ટકા દરદીઓમાં ટી-સેલ અને ઍન્ટિ-બૉડીઝ બન્ને નોંધાયા છે.’ 
જોકે ડૉ. વિકાર શેખ માત્ર ૭૧ની સૅમ્પલ સાઇઝને આ અભ્યાસની મર્યાદા ગણાવે છે. યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન-સિએટલમાં ગ્લોબલ હેલ્થના પ્રોફેસર ડૉ. સુભાષ હીરાનું કહેવું છે કે ‘નાની સૅમ્પલ સાઇઝના આ અભ્યાસથી પ્રાથમિક સુરક્ષાની માહિતી મળી રહે છે. વધારે ઊંડાં નિરીક્ષણો મેળવવા માટે દર ત્રણ-ચાર મહિને સતત ૧૮થી ૨૪ મહિના માટે અભ્યાસ થતો રહેવો જરૂરી છે.’

Mumbai mumbai news vinod kumar menon