✕

ફેસબુક પર દેખાયેલી સિનિયર સિટિઝન કાર્ડની લિન્ક પર ક્લિક કરવાનું ભારે પડ્યું

29 October, 2026 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરના ૮૪ વર્ષના કચ્છી વૃદ્ધ સાથે ૪.૫૦ લાખની ઓનલાઠન ઠગાઈ

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપર-વેસ્ટના LBS રોડ પર આર સિટી મૉલ સામેના એક જાણીતા કૉમ્પ્લેક્સમાં રહેતા ૮૪ વર્ષના કચ્છી સોશ્યલ મીડિયા પર ફેસબુક જોઈ રહ્યા હતા ત્યારે કોટક મહિન્દ્ર બૅન્કના સિનિયર સિટિઝન કાર્ડની જાહેરાત જોઈને તેમણે લિન્ક પર ક્લિક કરીને વ્યક્તિગત માહિતી ભરી હતી અને બૅન્કની બ્રાન્ચની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ સાંજના સમયે રાહુલ કુમાર તરીકે ઓળખ આપીને બૅન્કમાંથી બોલતો હોવાનું જણાવી વૉટ્સઍપ પર ફોન કરનાર ગઠિયાએ સિનિયર સિટિઝન કાર્ડ પ્રક્રિયાના બહાને તેમનો વિશ્વાસ કેળવી બૅન્ક-ખાતાની ખાનગી માહિતી મેળવી લઈને થોડી જ મિનિટોમાં ૪,૫૦,૦૦૦ રૂપિયા ઑનલાઇન ઉપાડી લીધા હતા. આ સાઇબર ફ્રૉડ વિશે કચ્છી વૃદ્ધે ગઈ કાલે પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે વધુ માહિતી ભેગી કરીને તપાસ હાથ ધરી છે.

શું હતો ઘટનાક્રમ?

ઘાટકોપરના LBS રોડ પર આર સિટી મૉલની સામેના એક જાણીતા કૉમ્પ્લેક્સમાં રહેતા ૮૪ વર્ષના કચ્છી વૃદ્ધ ૨૧ ઑક્ટોબરે સાંજે ૬ વાગ્યે મોબાઇલમાં ફેસબુક જોઈ રહ્યા હતા ત્યારે તેમને કોટક મહિન્દ્ર બૅન્કના સિનિયર સિટિઝન કાર્ડ વિશેની જાહેરાત જોવા મળી હતી. તેમણે એ લિન્ક પર ક્લિક કરીને પોતાની વ્યક્તિગત માહિતી ભરી હતી અને ત્યાર બાદ ૨૧ ઑક્ટોબરે ઘાટકોપરસ્થિત બૅન્ક શાખાની મુલાકાત પણ લીધી હતી.
એ જ દિવસે સાંજે ૬ વાગ્યે વૃદ્ધ ઘરે હતા ત્યારે વૉટ્સઍપ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર માણસે પોતે કોટક મહિન્દ્ર બૅન્કમાંથી રાહુલ કુમાર બોલતો હોવાની ઓળખ આપીને સિનિયર સિટિઝન કાર્ડ વિશે વાત કરી હતી.
વિશ્વાસ મૂકીને વૃદ્ધે ફોન કરનાર વ્યક્તિને પોતાના કોટક મહિન્દ્ર બૅન્કના ખાતાને લગતી ખાનગી માહિતી આપી દીધી હતી. માહિતી આપ્યા બાદ સાંજે ૭થી ૭.૧૩ વાગ્યા દરમ્યાન વૃદ્ધના બૅન્ક ખાતામાંથી કુલ ૪,૫૦,૦૦૦ રૂપિયા ઉપાડી લેવાયા હોવાના મેસેજ પ્રાપ્ત થયા હતા. ત્યાર બાદ ગઠિયાનો વૉટ્સઍપ-નંબર બંધ આવતાં અને કોઈ જવાબ ન મળતાં સાઇબર ફ્રૉડ થયાની ખાતરી થઈ હતી.
ઘટનાની ગંભીરતા સમજીને વૃદ્ધે તાત્કાલિક નૅશનલ સાઇબર હેલ્પલાઇન-નંબર 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે વૃદ્ધે ગઈ કાલે પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

mumbai news mumbai ghatkopar kutchi community gujaratis of mumbai cyber crime mumbai police