24 February, 2026 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઍન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ રવિવારે થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાંથી ઑનલાઇન સેક્સ-રૅકેટ ચલાવતી ૨૬ વર્ષની એક મહિલાની ધરપકડ કરી હતી. આરોપી મહિલા અભિનેત્રી હતી અને વેબ-સિરીઝ તથા ટીવી-સિરિયલોમાં કામ કરતી હતી અને તેની સાથે સિરિયલોમાં કામ કરતી યુવતીઓને ગ્રાહકો સુધી પહોંચાડતી હતી એવો તેના પર આરોપ છે. આ મામલે આરોપી મહિલા સામે વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ હાથ ધરી છે. થાણે AHTUના એક સિનિયર અધિકારીએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ગુપ્ત માહિતી મળી હતી કે પૂજા નામની મહિલા વૉટ્સઍપ-કૉલ દ્વારા ગ્રાહકો સાથે સંપર્ક કરીને વ્યક્તિદીઠ ૨૫,૦૦૦ રૂપિયામાં વેબ-સિરીઝ તથા ટીવી-સિરિયલોમાં કામ કરતી યુવતીઓને મોકલતી હતી. માહિતીની પુષ્ટિ કર્યા બાદ ડમી ગ્રાહક મારફત આરોપીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. દરમ્યાન આરોપી મહિલાને વાગળે એસ્ટેટની એક જાણીતી રેસ્ટોરાંમાં બોલાવવામાં આવી હતી જ્યાં નક્કી કરેલા સમયે હોટેલમાં સોદો થતાં સંકેત મળ્યો હતો અને એ પછી અમારી ટીમે રેઇડ પાડીને મહિલા દલાલને ઝડપી લીધી હતી. આરોપી પાસેથી રોકડ રકમ, બે મોબાઇલ ફોન, સિમ કાર્ડ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપી મહિલા ગ્રાહક પાસેથી મળેલી રકમમાંથી પચીસ ટકા ભાગ યુવતીઓને આપતી અને બાકીની રકમ પોતે રાખતી હતી. આરોપીએ પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે નિયમિત કામ ન મળતાં વધુ કમાણી માટે આ ગેરકાયદે ધંધો શરૂ કર્યો હતો. આ રૅકેટ સાથે અન્ય લોકો સંકળાયેલા છે કે નહીં એ દિશામાં તપાસ ચાલી રહી છે.’