ક્રૂઝ પાર્ટી મામલામાં રાજ્યના જ કેટલાક પ્રધાનો સામેલ?

24 October, 2021 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂઝને પરવાનગી કોણે આપી? કેટલા રૂપિયામાં વ્યવહાર થયેલો? : બીજેપીના નેતા મોહિત કમ્બોજ

મોહિત કમ્બોજ

મુંબઈ નજીક મધદરિયે ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી બાબતે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની કાર્યવાહી સામે રાજ્યના પ્રધાન અને એનસીપીના ચીફ નવાબ મલિક દરરોજ જાતજાતના આરોપ કરી રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં રાજ્યના એક પ્રધાન સામેલ છે અને સમય આવ્યે આ પ્રધાન અને તેમના સાથીઓનાં નામ જાહેર કરવાની ચીમકી ગઈ કાલે બીજેપીના નેતા મોહિત કમ્બોજે આપી હતી. તેમણે મંદિરો સાતમી ઑક્ટોબરે ખૂલ્યાં હતાં તો બીજી ઑક્ટોબરે ક્રૂઝને મુંબઈના દરિયામાં પ્રવેશવાની મંજૂરી કોણે આપી એવો સવાલ કર્યો હતો.

મોહિત કમ્બોજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ સીમાથી સમુદ્રમાં કોઈ પણ જહાજ આવે તો તેની પરવાનગી સરકાર આપે છે. તો આ ક્રૂઝને પરવાનગી કોણે આપી? રાજ્યમાં સાતમી ઑક્ટોબરે મંદિરો ખૂલ્યાં અને બીજી ઑક્ટોબરે ક્રૂઝને એન્ટ્રી અપાઈ હતી. આ મામલામાં હાઈ-પ્રોફાઇલ લોકો સંકળાયેલા છે. મને એવું લાગી રહ્યું છે કે એક મોટી સિન્ડિકેટ આની પાછળ છે. આની તપાસ થવી જોઈએ. પરવાનગી કોણે આપી? કેટલા રૂપિયામાં સોદો થયો? મને લાગે છે આમાં સરકારનો કોઈ પ્રધાન છે. એની માહિતી મારી પાસે છે તે મારે જ્યાં આપવાની છે ત્યાં આપીશ.’

મોહિત કમ્બોજે પ્રધાનમંડળની તે વ્યક્તિ હોવાનું ટ્વીટ કર્યું છે. એ કોણ છે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘જ્યાં માહિતી આપવાની છે ત્યાં આપીશ. પરવાનગી વિના કોઈ પણ ક્રૂઝ કોઈ રાજ્યમાં આવી ન શકે. મહારાષ્ટ્રમાં મૉલ, રેસ્ટોરાં ૨૧ તારીખે ખૂલ્યાં. ધાર્મિક સ્થળ સાત ઑક્ટોબરે ખૂલ્યાં તો ક્રૂઝ પાર્ટીની પરવાનગી પાંચ દિવસ પહેલાં આપવામાં આવી હતી. મારી પાસે માહિતી છે એટલે મુખ્ય પ્રધાન પાસે આ માટે તપાસ સમિતિ નીમવાની માગણી હું કરવાનો છું.’

તમારો ઇશારો નવાબ મલિક સામે છે? એના જવાબમાં મોહિત કમ્બોજે કહ્યું હતું કે ‘હું કોઈ પણ પ્રધાન સામે ઇશારો નથી કરી રહ્યો. સરકારના અનેક પ્રધાનો આમાં સામેલ હોઈ શકે. એનસીબીએ પાર્ટીનું આયોજન કરનારાઓની પણ ધરપકડ કરી છે. આથી તેમનો ક્રૂઝને પરવાનગી આપવા બાબતે કોઈ સંબંધ નથી. હું આની માહિતી આપીશ. હું રાજ્યપાલને નવાબ મલિકની ફરિયાદ કરીશ. પોતાના પદનો દુરુપયોગ કરીને તેઓ પોતાના જમાઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

mumbai mumbai news