લોકોની સુરક્ષા સામે હજી પણ મૅનહોલનું જોખમ બરકરાર

03 August, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદરમાં રસ્તાની વચ્ચોવચ ગટર ખુલ્લી અને મૅનહોલનું ઢાંકણું પણ બાજુ પર મૂકી દેવાયું

દાદર-TTના રસ્તા પર ખુલ્લી ગટર. એને ત્યાર બાદ પગલાં લઈને બંધ કરવામાં આવી હતી.

ગટરના મૅનહોલનાં ઢાંકણાં ખુલ્લાં હોવાથી અકસ્માત થાય છે અને લોકો એમાં પડીને જીવ ગુમાવતા હોવાની ઘટના બન્યા પછી પણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓ આ બાબતે બેદરકારી દર્શાવતા હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.

દાદર-TTમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર રોડ પર ગઈ કાલે સવારે એક મૅનહોલ ખુલ્લો જોવા મળ્યો હતો. એ મૅનહોલનું ઢાકણું ખોલી નખવામાં આવ્યું હતું અને નવાઈની વાત એ હતી કે મેઇન રોડ પર જ એ મૅનહોલ ખુલ્લો હોવા છતાં કોઈ એમાં પડી ન જાય એ માટે કોઈ પગલાં લેવાયાં નહોતાં. એની આજુબાજુ બૅરિકેડ્સ મૂકીને કોઈ આડશ ઊભી કરાઈ નહોતી. માત્ર એની આગળ એક મોટો પથ્થર ગોઠવી દીધો હતો અને એ મૅનહોલમાં ઝાડની એક ડાળી ખોસીને લોકોનું ધ્યાન દોરવાનો અધકચરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નજીકમાં જ બસ-સ્ટૉપ પણ હતું. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની બસ ત્યાં ઊભી રહેતી હતી અને લોકો ચડઊતર કરી રહ્યા હતા. વળી આ મૅનહોલ રોડની વચ્ચે હોવાથી વધુ જોખમી હતો. અનેક વાહનો અને સ્કૂટર ત્યાંથી સાઇડ કાપીને પસાર થતાં હતાં જે જોખમી જણાઈ રહ્યું હતું. જોકે આની ફરિયાદ થતાં થોડા કલાકમાં જ ગટર બંધ કરી દેવાઈ હતી.

ચીકુવાડીમાં મૅનહોલની મોકાણ

બોરીવલી-વેસ્ટની ચીકુવાડીમાં છેલ્લા ત્રણ દિવસથી રસ્તાની વચ્ચોવચ આવેલા મૅનહોલનું ઢાંકણું નથી. એથી એ મૅનહોલમાં કોઈ પડી ન જાય કે કોઈ વાહન એમાં ન પટકાય એ માટે અેમાં બે-ત્રણ બામ્બુ મૂકીને ટેમ્પરરી લોકોનું અને મોટરિસ્ટોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરાયો છે. જોકે બોરીવલીવાસીઓનું કહેવું છે કે ત્રણ-ત્રણ દિવસ થયા શું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને ખબર નહીં પડતી હોય કે આ મૅનહોલને ઢાંકવું જોઈએ? આવું રેઢિયાળ ખાતું ક્યાં સુધી ચાલશે? તસવીરઃ નિમેશ દવે

mumbai news mumbai dadar brihanmumbai municipal corporation brihanmumbai electricity supply and transport mumbai potholes