23 August, 2026 06:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેકરોને ટૂંક સમયમાં પ્રૉબ્લેમ-ફ્રી પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાનો લાભ મળશે, કારણ કે રાજ્ય સરકાર પ્રી-પેઇડ રિક્ષા માટેના પ્રસ્તાવને મંજૂરી આપવા જઈ રહી છે. આ પગલાનો હેતુ સવારીનો ઇનકાર અને રિક્ષા-ડ્રાઇવર દ્વારા વધુ પડતાં ભાડાં વસૂલ કરવા વિશે વારંવાર થતા વિવાદોનો અંત લાવવાનો છે.
થાણેના સરકારી રેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરની સંયુક્ત બેઠક બાદ સ્થાનિક વિધાનસભ્ય સંજય કેળકરે આ જાહેરાત કરી હતી. સંજય કેળકરે ટ્રાફિક-પોલીસ અને રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના અધિકારીઓ સાથે ટ્રાફિક-અવરોધોને ઓળખી કાઢવા માટે થાણે રેલવે-સ્ટેશનના ગીચ વિસ્તારનું જૉઇન્ટ ઇન્સ્પેક્શન કર્યા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.
મીડિયાને સંબોધતાં સંજય કેળકરે જણાવ્યું હતું કે ‘સોમવાર સુધીમાં સરકાર પ્રી-પેઇડ રિક્ષાના પ્રસ્તાવને મંજૂરી આપે એવી અપેક્ષા છે. આ વાહનો ટૂંક સમયમાં થાણે શહેરના રસ્તાઓ પર આવી જશે. આ પહેલ મુસાફરો અને રિક્ષા-ડ્રાઇવર વચ્ચેના ઝઘડાઓને દૂર કરશે. મુસાફરો રિક્ષામાં બેસે એ પહેલાં જ અગાઉથી ભાડું નક્કી કરશે અને ચૂકવશે. પરિણામે મુસાફરોને એ માટે સોદાબાજી કરવાની જરૂર રહેશે નહીં અને મનસ્વી ભાડાં, ભાડાનો ઇનકાર અને ગંતવ્યસ્થાન પર પહોંચીને થતા વિવાદોને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાશે.’
ડ્રાઇવરોની મનમાની રોકવા સ્ટેશનની આસપાસ RTO અધિકારી હાજર રહેશે
રેલવે-સ્ટેશન વિસ્તારની આસપાસ શિસ્ત લાગુ કરવા અને ગેરવર્તણૂકને રોકવા માટે ઍડ્મિનિસ્ટ્રેશન પગલાં વધારી રહ્યું છે એમ જણાવતાં સંજય કેળકરે કહ્યું હતું કે ‘થાણે સ્ટેશનની આસપાસ ચોક્કસ રિક્ષા-ડ્રાઇવરોની મનમાની અને ગેરવર્તણૂકને રોકવા માટે સવારે અને સાંજે બે RTO અધિકારીઓને ૪ કલાક માટે તહેનાત કરવામાં આવશે. આ ડ્રાઇવરોની ગેરવર્તણૂકને રોકવામાં અને ટ્રાફિકની મૂવમેન્ટ સરળ કરવામાં મદદ કરશે.’