31 December, 2025 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: આશિષ રાજે
આજે રાતે અનેક હોટેલો, મૉલ અને જાહેર સ્થળોએ થર્ટીફર્સ્ટની પાર્ટી અને ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો આ સ્થળોની મુલાકાત લેશે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે ૧૭,૦૦૦ જેટલા પોલીસ-કર્મચારી ફરજ પર હાજર રહેશે.
મુંબઈ પોલીસે ટ્રાફિક પોલીસ સાથે મળીને ૧૦ ઍડિશનલ પોલીસ-કમિશનર, ૩૮ ડેપ્યુટી પોલીસ-કમિશનર, ૬૧ ઍડિશનલ પોલીસ-કમિશનર, ૨૭૯૦ પોલીસ-અધિકારીઓ અને ૧૪,૨૦૦ પોલીસ-કર્મચારીઓનો સમાવેશ કરીને સશક્ત પોલીસફોર્સ તૈયાર કરી છે.
આ ઉપરાંત સંવેદનશીલ ગણાતાં સ્થળોએ હોમગાર્ડ્સ, બૉમ્બ ડિટેક્શન સ્ક્વૉડ અને અન્ય સુરક્ષા દળોની મદદ લેવામાં આવશે. નાકાબંધીઓ અને પૅટ્રોલિંગ સતત ચાલુ રહેશે. નાગરિકોને તાત્કાલિક મદદ માટે પોલીસ હેલ્પલાઇન નંબર ૧૦૦ અથવા ૧૧૨ ઉપર સંપર્ક કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આજે રાતે મેટ્રો વન મોડી રાત સુધી ચાલશે
મુંબઈ મેટ્રો વન આજે થર્ટીફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાતે વધારાની સર્વિસ દોડાવશે. આજે ઘાટકોપરથી વર્સોવા વચ્ચે કુલ ૨૮ વધારાની મેટ્રો સેવાઓ ચલાવવામાં આવશે.
થર્ટીફર્સ્ટની પાર્ટી માટે મુંબઈ પોલીસ પણ તૈયાર
મુંબઈનાં વિવિધ સ્થળોએ આજે થર્ટીફર્સ્ટની પાર્ટીની ધમાકેદાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે મુંબઈ પોલીસ પણ પાર્ટી માટે સજ્જ છે. એટલે કે મુંબઈગરા સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે એ માટે ઠેર-ઠેર નાકાબંધી અને ઇન્સ્પેક્શન માટે મુંબઈ પોલીસ સજ્જ થઈ ગઈ છે. ગિરગામ ચોપાટી પર પણ નાકાબંધી અને બંદોબસ્ત જોવા મળ્યો હતો.
નવા વર્ષનાં દર્શન માટે સિદ્ધિવિનાયક મંદિર સવારે ૩.૧૫ વાગ્યે ખૂલશે
નવા વર્ષની શરૂઆત ગણપતિબાપ્પાનાં દર્શન કરવા સાથે થાય એ માટે દાદરનું સિદ્ધિવિનાયક મંદિર પહેલી જાન્યુઆરીએ વહેલી સવારે ૩.૧૫ વાગ્યે દર્શન માટે ખૂલશે અને સવારે ૫.૩૦ વાગ્યા સુધી દર્શન થઈ શકશે. મહાપૂજા, નૈવેદ્ય અને આરતી સવારે ૫.૩૦થી ૬.૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. નૈવેદ્ય પછી બપોરે ૧૨.૩૦ વાગ્યે દર્શન ફરી શરૂ થશે. સાંજે ૭.૦૦થી ૭.૧૦ વાગ્યા સુધી ધૂપ-આરતી માટે અને સાંજે ૭.૩૦થી ૮.૦૦ વાગ્યા સુધી સાંજની આરતી માટે દર્શન બંધ રહેશે. ત્યાર બાદ રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. દાદર રેલવે-સ્ટેશન જતા ભક્તો માટે સ્ટેશનથી મંદિર સુધી મફત બસસેવા મૂકવામાં આવી છે.