31 August, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાસનશણગાર જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ સાથે અચલ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ.
સમગ્ર વિશ્વમાં અને જૈન ધર્મના સેંકડો વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર થયેલા એક હજાર બાસઠ તપસ્વીઓના સળંગ ત્રીસ ઉપવાસના મહામૃત્યુંજય માસક્ષમણતપ નિમિત્તે જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી ઊજવાતા માસક્ષમણ મહામહોત્સવમાં ગઈ કાલે તપસ્વીઓનો ઐતિહાસિક તપયાત્રાવરઘોડો યોજાયો હતો, જેમાં મુંબઈ ઉપરાંત પાલિતાણા-મહુવા-ભાવનગર-અમદાવાદ-વડોદરા-સુરત વગેરે સ્થળેથી કુલ પચીસ હજારથી વધુ ભાવિકો ઊમટ્યા હતા.
સવારે ૮.૩૦ વાગ્યે શરૂ થયેલા આ વરઘોડામાં ગુજરાતના વિખ્યાત ડાન્સિંગ બૅન્ડ સહિત દસ બૅન્ડ, વિવિધ સાંસ્કૃતિક મંડળીઓ, અત્યાકર્ષક રચનાઓ, વિન્ટેજ કાર્સ, શીશમહેલો, ફ્લોટ્સ વગેરે સામેલ હતાં. વિવિધ વાહનોમાં દસથી પંદર વર્ષના ચોવીસ બાલતપસ્વીઓ, અનેક કૉલેજિયન
યુવકો-યુવતીઓ, CA, વકીલ, ડૉક્ટરથી લઈને એંસી વર્ષ સુધીના તપસ્વીઓ બિરાજમાન હતા. તપયાત્રા એલ.બી.એસ.રોડ, સમૃદ્ધિ હૉલ, ટેલિફોન એક્સચેન્જ પાસેથી પસાર થઈને જ્યારે રત્ના સુપરમાર્કેટ પર આવી ત્યારે આકાશી દેવવિમાનોમાંથી બાલિકાઓ દ્વારા તમામ તપસ્વીઓનાં પુષ્પવૃષ્ટિ દ્વારા વધામણાં કરવામાં આવ્યાં હતાં. આ તપયાત્રામાં જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ ઉપરાંત અચલગચ્છાધિપતિ આચાર્ય કલાપ્રભસાગર સૂરિજી, શાસનપ્રભાવક આચાર્ય ચંદ્રાનનસાગરસૂરિજી, આચાર્ય રશ્મિરત્નસૂરિજી, આચાર્ય હિતરત્ન સૂરિજી, આચાર્ય અક્ષયરત્નસૂરિજી આદિ આચાર્યો તેમ જ વિવિધ ગચ્છોના વિશાલ સાધુ-સાધ્વી સમુદાય ખાસ પધાર્યા હતા.
સાડાત્રણ કલાકના અંતે આ તપયાત્રા વરઘોડાનું સમાપન રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ ગ્રાઉન્ડ પર રચાયેલા આલીશાન ‘ધર્મ-સૂર્યોદય તપનગર’માં થયું હતું. ત્યાં તમામ ભાવિકોનું સંઘ સાધર્મિક વાત્સલ્ય યોજાયું હતું. આજે તમામ તપસ્વીઓનું સુવર્ણહાર સમર્પણ તથા સન્માનપત્રથી બહુમાન થશે. આવતી કાલે ઉપરોક્ત ગ્રાઉન્ડમાં જ શાહી પારણા સમારોહ યોજાશે. ત્યાં ‘વર્લ્ડ રેકૉર્ડ્સ બુક ઑફ લંડન’ દ્વારા માસક્ષમણોના ‘વર્લ્ડ રેકૉર્ડ’નું પ્રમાણપત્ર અપાશે.
મુલુંડમાં રવિવારે યોજાયેલા વર્લ્ડ રેકૉર્ડરૂપ ૧૦૬૨ સામૂહિક માસક્ષમણની ઐતિહાસિક તપયાત્રાના વરઘોડામાં પસાર થઈ રહેલા તપસ્વીઓનાં શ્રેણીબદ્ધ વાહનો. ૨૫,૦૦૦થી વધુ ભાવિકો આ તપયાત્રામાં ઊમટ્યા હતા અને ઠેર-ઠેર ગુરુદેવોનાં તથા તપસ્વીઓનાં વધામણાં થયાં હતાં.
વરઘોડાના પ્રારંભે આશીર્વચન આપી રહેલા સામૂહિક માસક્ષમણ પ્રણેતા જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ સાથે શાસનપ્રભાવક આચાર્ય ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને ગુરુભગવંતો.
શોભાયાત્રા શા માટે?
તપસ્વીઓની આ રીતની શોભાયાત્રાનાં બે કારણો દર્શાવતાં જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે જણાવ્યું હતું કે `જૈન શાસ્ત્રોમાં આઠ પ્રભાવકો દર્શાવાયાં છે. પ્રભાવક એટલે પોતાની વિશિષ્ટ શક્તિ દ્વારા જૈન ધર્મનો પ્રભાવ ફેલાવનાર વ્યક્તિત્વ. એમાં પાંચમા પ્રભાવકરૂપે તપસ્વીને સ્થાન અપાયું છે. આ માસક્ષમણ તપસ્વીઓ આવા શાસનપ્રભાવક હોવાથી તેમના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા તપવરઘોડાની આ પરંપરા છે. બીજું કારણ એ છે કે આવી તપયાત્રાથી અનેક અણજાણ વર્ગને જૈનોના તપનો ખ્યાલ આવે છે અને સાથે તેમના અંતરમાં જૈન ધર્મ પ્રત્યે આદર પ્રગટે છે. મોગલ બાદશાહ અકબરના સમયમાં દિલ્હીમાં એકસો એંસી ઉપવાસના તપસ્વી ચંપાશ્રાવિકાના તપવરઘોડાથી અકબરને જૈન ધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટ્યો હતો અને એ પછી જૈનાચાર્ય હીરસૂરીશ્વરજી મહારાજસાહેબના સંસર્ગથી તેણે ચૌદ વર્ષ અહિંસાપ્રવર્તન કરાવ્યું હતું.`