મુંબઈની મોટા ભાગની સોસાયટીઓનો મંત્ર જાણે એ છે કે...આગ સે ખેલેંગે

17 August, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયર-કમ્પ્લાયન્સના નિયમોનું પાલન કરવામાં ઘોર બેદરકારીઃ છેલ્લા ૬ મહિનામાં શહેરનાં માત્ર બે ટકા બિલ્ડિંગોએ જ Form B ભર્યું છે

પ્રતીકાત્મક તસવીર

સાર્થક મહેતા / ઇશાનપ્રિયા એમએસ 


મુંબઈ શહેરમાં ૩ લાખથી વધુ બિલ્ડિંગો ફાયર-કમ્પ્લાયન્સ બાબતે હજુ સુસજ્જ નથી. ‘મિડ-ડે’ દ્વારા સમીક્ષા કરવામાં આવેલા મુંબઈ ફાયરબ્રિગેડ (MFB)ના ડેટા અનુસાર છેલ્લા બે ત્રિ-માસિક ગાળામાં શહેરનાં માત્ર બે ટકા જેટલાં બિલ્ડિંગોએ તેમના ફાયર-કમ્પ્લાયન્સ સર્ટિફિકેટનું ફરજિયાત સેલ્ફ-રિન્યુઅલ કર્યું છે. MFBની હેડ ઑફિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ દરમ્યાન સુધરાઈના પોર્ટલ પર મળેલા Form Bની કુલ સંખ્યા માત્ર ૬૪૪૮ હતી.’

જોખમી જીવન
આ આંકડા દર્શાવે છે કે ૯૮% બિલ્ડિંગોમાં રહેતા કે કામ કરતા મુંબઈકરો કટોકટી વખતે જોખમમાં મુકાઈ શકે છે. ઉદાહરણ તરીકે, ૧૧ ઑગસ્ટે વિલે પાર્લે વેસ્ટની શાંતા ભુવન સોસાયટીમાં લાગેલી આગ વખતે ફાયર-સેફ્ટી સિસ્ટમ માત્ર આંશિક રીતે કાર્યરત હતી, જેના કારણે રાહત-કામગીરીમાં વિલંબ થયો હતો.

નિયમોનું પાલન ન થવાનાં મુખ્ય કારણો
 રહેવાસીઓમાં માહિતી અને જાગૃતિનો અભાવ.
 સોસાયટીના કમિટી મેમ્બર્સ દ્વારા આ વિષયને પ્રાથમિકતા ન આપવી.
 ઓક્યુપેશન સર્ટિફિકેટ (OC) મેળવ્યા પછી કબજો મેળવવામાં વિલંબ.
 ફાયર એસ્કેપ, ફાયર એક્ઝિટ અને શરણાર્થી વિસ્તાર (Refuge Area) જેવી જગ્યાઓનો દુરુપયોગ થયો હોવાથી ઑડિટમાં ફેલ થવાનો ડર.
 જૂની સોસાયટીઓ એવું માને છે કે નવા અગ્નિ સુરક્ષા નિયમો તેમને લાગુ પડતા નથી.
 નિયમભંગ બદલ કોઈ મોટો આર્થિક કે કાનૂની દંડ ન હોવો.

એક્સપર્ટ શું કહે છે? 
વિલાસ નાગલકર, આર્કિટેક્ટ
ઘણી સોસાયટીઓ દ્વારા Form-B જમા ન કરાવવાની પાછળનું પ્રાથમિક કારણ એ છે કે તેમને એ ન ભરવામાં કોઈ નુકસાન દેખાતું નથી. મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ ભારે દંડ, પાણી કે વીજળીપુરવઠો કાપી નાખવા જેવી સખત દંડાત્મક કાર્યવાહી થતી નથી. એ ઉપરાંત નિયમનું પાલન કરવા માટે કોઈ નાણાકીય પ્રોત્સાહન પણ નથી, તેથી સોસાયટીઓ દર ૬ મહિને કરાવવી પડતી આ પ્રોસેસને પ્રાથમિકતા આપતી નથી. રહેવાસીઓની સુરક્ષા માટે આ ફૉર્મ ભરવું અત્યંત જરૂરી છે એ સોસાયટીઓએ સમજવું જોઈએ.

ફાયરબિગ્રેડ શું કહે છે?

વરિષ્ઠ અધિકારી, મુંબઈ ફાયરબ્રિગેડની હેડ ઑફિસ વરિષ્ઠ અધિકારીના મતે નાગરિકોએ પોતે સેલ્ફ-કમ્પ્લાયન્સ કરીને ફૉર્મ દાખલ કરવાનું હોય છે. ફાયર-અધિકારીઓ નિયમોનું પાલન ન કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહીની ભલામણ કરી શકે છે, પરંતુ તેમની પાસે સીધી સત્તાનો અભાવ છે અને ઉલ્લંઘન કરનારાઓ સામાન્ય રીતે બચી જાય છે. અમે તપાસ કરીએ છીએ પરંતુ કરોડથી વધુ વસ્તી સામે માત્ર કેટલાક સો ફાયર-અધિકારીઓ જ હાલમાં ઉપલબ્ધ છે. લોકો પોતાની સેફ્ટી બાબતે જાગૃત થાય તો સેલ્ફ-કમ્પ્લાયન્સ સુધરી શકે.

શાંતા ભુવન સોસાયટીને નોટિસ
૧૧ ઑગસ્ટે લાગેલી આગમાં અઢી વર્ષના બાળક અને તેની ૨૩ વર્ષીય આયાનું મૃત્યુ થયા બાદ MFBએ શાંતા ભુવન સોસાયટીને આખરી ચેતવણી આપી છે. 
MFBએ નોંધ્યું છે કે સોસાયટીએ મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2006 હેઠળ Form B જમા કરાવ્યું નહોતું.

 

mumbai news mumbai mumbai fire brigade fire incident Crime News mumbai crime news mumbai police