૧૫ દિવસમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો આદેશ

25 August, 2026 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-અમદાવાદ હાઇવે પર દબાણો હટાવવા પાલઘર પ્રશાસન ઍક્શન મોડમાં

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વધતાં જતાં ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે પાલઘર જિલ્લા-પ્રશાસને લાલ આંખ કરી છે. જિલ્લા-કલેક્ટર ડૉ. ઇન્દુ રાણી જાખડે હાઇવે પરના રાઇટ ઑફ વે (ROW)માં આવતાં તમામ ગેરકાયદે બાંધકામોને કાનૂની પ્રક્રિયા પૂરી કરીને આગામી ૧૫ દિવસમાં હટાવી લેવા માટે સંયુક્ત સર્વેક્ષણ અને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત ઘોડબંદરથી લઈને અછાડ સુધીના સમગ્ર હાઇવે વિસ્તારને આવરી લેવામાં આવશે. હાઇવેની બન્ને બાજુએ આવેલી જમીન પર ગેરકાયદે હોટેલો, ઢાબા, ટાયર રિપેરિંગની દુકાનો, પતરાના કામચલાઉ શેડ અને સ્ક્રૅપનાં ગોડાઉનો જેવાં અનેક ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયાં છે. આ મુદ્દે યોજાયેલી સમીક્ષા-બેઠકમાં કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે હાઇવે પરનાં દબાણો હટાવવાની પ્રાથમિક જવાબદારી નૅશનલ હાઇવે ઑથોરિટીની છે અને કોઈ પણ ક્ષેત્રાધિકારના વિવાદને કારણે કામગીરીમાં વિલંબ થવો જોઈએ નહીં. આ ઝુંબેશમાં વનવિભાગ, વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન, મહેસૂલ વિભાગ અને સંબંધિત તહસીલદારોને પણ સાંકળી લેવામાં આવ્યાં છે જેથી તુંગારેશ્વર સહિતના વનક્ષેત્રમાં થયેલાં દબાણોની ચોક્કસ નોંધ લઈ શકાય.
નિયમ મુજબ તમામ સંબંધિત વિભાગો દ્વારા હાઇવેના બન્ને માર્ગોનું ભૌતિક નિરીક્ષણ કરીને અહેવાલ તૈયાર કરવામાં આવશે અને ત્યાર બાદ ગેરકાયદે બાંધકામ કરનારાઓને કાનૂની નોટિસ આપવામાં આવશે. નોટિસની મુદત પૂરી થતાં જ પોલીસ-બંદોબસ્ત હેઠળ ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે. 

mumbai news mumbai ahmedabad highway