Palghar Crime: અધધ આટલા લાખની ફેસ વેલ્યૂ ધરાવતી નકલી નોટો પકડાઈ, ત્રણની ધરપકડ

25 February, 2025 07:40 PM IST  |  Palghar | Gujarati Mid-day Online Correspondent

Palghar Crime: મંગળવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પોલીસે ૧૪ લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ નોટો પર "Children Bank of India" લખેલું હતું.

પ્રતીકાત્મક તસવીર

Palghar Crime: મંગળવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પોલીસે ૧૪ લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ નોટો પર "Children Bank of India" લખેલું હતું. પીટીઆઇના અહેવાલ મુજબ આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

ગુનાની જાણ થતા જ પોલીસની કાર્યવાહી

વાડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દત્તાત્રેય કિંદ્રેના જણાવ્યા અનુસાર 22 ફેબ્રુઆરીએ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક વ્યક્તિઓ નકલી નોટોને અસલી ચલણી નોટો સાથે બદલવા માટે પાલી ગામ પહોંચશે. આ જાણ થતાં જ પોલીસ ટીમે ૨૨ ફેબ્રુઆરીના રોજ છટકું ગોઠવ્યું હતું.

શંકાસ્પદ શખ્સને પકડ્યો

પોલીસે એક વ્યક્તિને થેલો લઈને શંકાસ્પદ રીતે ફરતો જોયો હતો. થોડા સમય બાદ બે અન્ય શખ્સો કારમાં ત્યાં આવ્યા અને તેના સાથે ચર્ચા કરવા લાગ્યા. પોલીસે ત્રણેયને પકડી પાડ્યા. પોલીસ તપાસ દરમિયાન તે આરોપી પાસેથી ૧૦૦ અને ૫૦૦ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી, જેની કિંમત કુલ  ૧૪ લાખ રૂપિયા હતી.

અસલી ચલણી નોટોને પણ જપ્ત કરવામાં આવી

Palghar Crime: પોલીસ જણાવ્યું હતું કે, કારમાં આવેલા બંને વ્યક્તિઓ પાસેથી 1 લાખ રૂપિયાની અસલી ચલણી નોટો પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ ખોટા ચલણની ગઠરી બનાવતી વખતે અસલી ચલણી નોટો ઉપર અને નીચે રાખી હતી, જ્યારે વચ્ચેના ભાગમાં ‘Children Bank of India’ છાપેલી નકલી નોટો રાખવામાં આવી હતી.

3 શખ્સોની ધરપકડ, તપાસ ચાલુ

પકડાયેલા ત્રણેય શખ્સો પાલઘર જિલ્લાના જ રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ વ્યક્તિઓ 3 લાખ રૂપિયાની ફેસ વેલ્યુવાળી નકલી નોટોને 1 લાખ રૂપિયાની અસલી ચલણી નોટો સાથે બદલવાની યોજના બનાવી રહ્યા હતા. આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં 318(4) (છેતરપિંડી), 180 (બનાવટી અથવા નકલી સિક્કા, સરકારી સ્ટેમ્પ, ચલણી નોટો અથવા બેંક નોટો રાખવા) અને 182 (ચલણી નોટો અથવા બેંક નોટો જેવા દસ્તાવેજો બનાવવા અથવા ઉપયોગ કરવા)  હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ હાલ આરોપીઓ પાસે નકલી નોટો ક્યાંથી આવી તેની તપાસ કરી રહી છે. અગાઉ પણ ગોરહે અને શિરિષપાડા વિસ્તારમાં નકલી નોટો જપ્ત કરાઈ હતી, જ્યાં આરોપીઓ ઘરમાં જ નકલી ચલણ છાપી અને તેને ફરતી કરી હતી. આ કેસમાં આરોપીએ ક્યાંકથી નકલી ચલણ મેળવ્યું હતું અને તેને અસલી ચલણ સાથે બદલવાના પ્રયત્નો કરી રહ્યો હતો તે વિષેની વધુ તપાસ ચાલી રહી છે.

આવા જ એક અન્ય કિસ્સામાં સેન્ટ્રલ મુંબઈમાં ભાયખલા પોલીસના અધિકારીઓને શરૂઆતમાં ત્રણ લોકો ભાયખલા વિસ્તારમાં બનાવટી 500 રૂપિયાની ચલણી નોટો વેચવા માટે આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. અધિકારીઓની ટીમે છટકું ગોઠવ્યું અને ભાયખલા વિસ્તારમાં એક સ્થળેથી ત્રણ લોકોની અટકાયત કરી અને તેમની શોધખોળમાં 500 રૂપિયાની બનાવટી સેંકડો ચલણી નોટો મળી આવી હતી.

palghar Crime News mumbai police mumbai crime news mumbai news news byculla