24 November, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનંત ગર્જે અને ગૌરી પાલવનાં લગ્નમાં પંકજા મુંડેએ હાજરી આપી હતી ત્યારની તસવીર.
રાજ્યનાં ઍનિમલ હસબન્ડરી ઍન્ડ એન્વાયર્નમેન્ટ મિનિસ્ટર પંકજા મુંડેના પર્સનલ અસિસ્ટન્ટ અનંત ગર્જેની પત્ની ગૌરીએ વરલીના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. શનિવારે
સાંજે તેનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો.
ગૌરી KEM હૉસ્પિટલના ડેન્ટલ ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર હતી. ફેબ્રુઆરી મહિનામાં જ તેનાં લગ્ન થયાં હતાં.
ગૌરીનાં માતા-પિતાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ગૌરીનો પતિ અનંત તેને સખત ટૉર્ચર કરતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો એટલે કંટાળીને તેણે આત્મહત્યા કરી હતી. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અનંત ગર્જેનું
એક્સ્ટ્રા-મૅરિટલ અફેર હતું જેને કારણે ગૌરી સખત તાણમાં રહેતી હતી. એથી આ સંદર્ભે આ કેસની ઝીણવટભરી અને પારદર્શક તપાસ કરવાની માગણી તેમણે કરી છે.
વરલી પોલીસે આ બાબતે શંકાસ્પદ મૃત્યુની નોંધ કરીને કેસની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું છે કે કૌટુંબિક કારણોને લઈને તેણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે. પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
વરલી પોલીસે ગૌરીના પતિ અનંત, દિયર અને નણંદ સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ કેસની તપાસમાં કોઈ કમી ન રહે એમ પોલીસને જણાવ્યું છે : પંકજા મુંડે
પંકજા મુંડેએ આ ઘટના બાદ પ્રેસનોટ બહાર પાડીને કહ્યું હતું કે ‘બાવીસમી નવેમ્બરે સાંજે ૬.૩૦થી ૬.૪૫ વાગ્યા દરમ્યાન મારા પર્સનલ અસિસ્ટન્ટ (PA) અનંતનો ફોન મારા બીજા PAને આવ્યો હતો. તે ખૂબ રડી રહ્યો હતો. તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાનું તેણે મને કહ્યું હતું. એ બાબત મારા માટે પણ બહુ આંચકાજનક હતી. પોલીસે કોઈ પણ કાર્યવાહીમાં કસર છોડવી નહીં અને યોગ્ય તપાસ કરીને આ બાબતને હૅન્ડલ કરવી એવું મારું કહેવું છે. મેં પોલીસને પણ આ જણાવ્યું છે. ગૌરીના પિતા સાથે પણ મેં વાત કરી હતી. તે બહુ જ દુઃખમાં છે જે હું સમજી શકું છું. આવી ઘટનાઓ દિલને ઠેસ પહોંચાડી જાય છે અને મનને ખિન્ન કરી નાખે છે. કોઈના વ્યક્તિગત જીવનમાં શું ચાલતું હોય એની કલ્પના ન થઈ શકે. અચાનક આવું બની જવાથી મને પણ બેચેની લાગી રહી છે.’