જે ઇન્સ્ટા ગર્લફ્રેન્ડ પર ૧૫+ લાખ રૂપિયા લૂંટાવી દીધા એ તો પોતાનો ફ્રેન્ડ જ નીકળ્યો

09 April, 2026 07:42 AM IST  |  Mumbai | Mehul Jethva

પનવેલનો યુવક બરાબરનો ભેરવાઈ ગયો નકલી યુવતી સાથેના ચૅટિંગમાં, ફરિયાદ પછી પોલીસે એક જ દિવસમાં ભેદ ઉકેલીને તેના દોસ્તારને પકડી લીધો

પ્રતીકાત્મક તસવીર

પનવેલના વાસુદેવ બળવંત ફડકે નાટ્યગૃહ નજીક રહેતા ૨૧ વર્ષના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે ચૅટિંગ કરી લગ્ન કરવાનું વચન આપીને ૧૫,૧૦,૦૦૦ રૂપિયા પડાવી લેવાના આરોપમાં પનવેલ શહેર પોલીસે તેના જ મિત્ર નિખિલ માનેની ધરપકડ કરી છે. સાનપાડાની જાણીતી કૉલેજમાં માસ મીડિયાનો અભ્યાસ કરતા ફરિયાદી યુવકને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સાક્ષી આઠવલે નામે બનાવાયેલા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ફૉલો-રિક્વેસ્ટ મળી હતી. રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બન્ને વચ્ચે નિયમિત ચૅટિંગ શરૂ થયું હતું. ચૅટિંગ દરમ્યાન સામેની વ્યક્તિએ પોતાના પિતાના ઑપરેશન સહિત વિવિધ કારણો આપીને વિશ્વાસમાં લઈને ફરિયાદી પાસેથી તબક્કાવાર પૈસા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદી પોતાની આપેલી રકમ પાછી માગી ત્યારે સામેવાળી વ્યક્તિનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડીઍક્ટિવેટ થઈ ગયું હતું. એના કારણે શંકા ઊભી થઈ અને યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પનવેલ શહેર પોલીસે માત્ર એક દિવસની તપાસમાં સમગ્ર છેતરપિંડીનો ભેદ ઉકેલીને યુવકના મિત્રની ધરપકડ કરી છે. 
 

યુવતી સાથે વાત કરવાની લાલસા અને આરોપીની ધરપકડ

પનવેલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું હતું કે ‘મંગળવારે ફરિયાદ નોંધીને એની માહિતી ભેગી કરવામાં આવી હતી. એ સમયે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કયા IP ઍડ્રેસથી તૈયાર કરવામાં આવ્યું છે એની માહિતી મેળવતાં આરોપી અમારા હાથે લાગી ગયો હતો. આરોપી ફરિયાદી યુવકનો મિત્ર છે. તેને ખબર હતી કે યુવકને છોકરીઓ સાથે વાત કરવામાં ખૂબ જ મજા આવે છે. શરૂઆતમાં તેણે માત્ર તેને પરેશાન કરવા માટે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તૈયાર કર્યું હતું, પરંતુ યુવક જે રીતે વાત કરી રહ્યો હતો એ જોઈને તેને લાલચ જાગી હતી અને પૈસા પડાવ્યા હતા.’

સપનાની મલ્લિકા સાથે લગ્નની લાલચમાં છેતરપિંડી

ફરિયાદી યુવકે યુવતી સાથે નિયમિત ચૅટિંગ શરૂ કર્યા બાદ સપનાની મલ્લિકા સાથે લગ્ન કરવાની લાલચમાં પોતાના ઘરમાંથી મમ્મીને જાણ કર્યા વગર પૈસા કાઢીને આરોપીને આપ્યા હતા એમ જણાવતાં પનવેલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવકે જાન્યુઆરી મહિનાથી ચૅટિંગ શરૂ કર્યું હતું. બોગસ નામે બનાવાયેલા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આરોપી રોજ એક જ યુવતીના અલગ-અલગ નવા ફોટો પોસ્ટ કરતો હતો. એના કારણે યુવકનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. યુવતીના નામે વાત કરતા આરોપીએ યુવકને ‘પપ્પા બીમાર છે’, ‘મમ્મી બીમાર છે’, ‘ભાઈને સંબંધ વિશે ખબર પડી ગઈ છે’, ‘મોબાઇલ-બૅલૅન્સની જરૂર છે’ જેવાં વિવિધ બહાનાં આપીને વારંવાર પૈસાની માગણી કરી હતી. યુવક પાસેથી રૂપિયા મેળવવા માટે છોકરી બનીને વાત કરનાર આરોપી એવો દાવો કરતો હતો કે તેનો ભાઈ રૂપિયા લેવા આવશે અને ત્યાર બાદ પોતાના જ મિત્રને પૈસા લેવા માટે મોકલતો હતો. આ રીતે ધીમે-ધીમે બે મહિનામાં કુલ ૧૫,૧૦,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. યુવકે આ તમામ રકમ ઘરમાં મમ્મીને જાણ કર્યા વગર આપી હતી. બાદમાં આરોપીએ વધુ પૈસાની માગણી કરતા યુવક પાસે રકમ ન હોવાથી તેણે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ સામેવાળી વ્યક્તિનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ડીઍક્ટિવેટ થઈ ગયું હતું. આ પરિસ્થિતિથી શંકા થતાં યુવકે અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’

mumbai news mumbai panvel instagram cyber crime mumbai police