પત્નીની હત્યા કરીને ખાડામાં દાટી દીધી, પણ હાથ જરાક બહાર રહી ગયો એમાં ભાંડો ફૂટી ગયો

19 September, 2026 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પનવેલની ઘટના : ચારિય પર શંકાને લીધે પતિએ પત્નીને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી, પાંચ વર્ષના દીકરાની જુબાનીથી પતિ જેલભેગો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પનવેલના ગવાણફાટા બ્રિજ નીચે રહેતી ૩૫ વર્ષની મહિલાની તેના પતિ દ્વારા ચારિયની શંકા રાખીને ઢોરમાર મારીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હત્યા બાદ પતિએ તેના મિત્રની મદદથી મૃતદેહને ઝૂંપડી નજીક ખાડામાં દાટી દીધો હતો. જોકે જમીનમાંથી મહિલાનો હાથ બહાર દેખાતાં સ્થાનિક મહિલાએ પોલીસને જાણ કરી હતી. આ દંપતીના પાંચ વર્ષના માસૂમ પુત્રના નિવેદને સમગ્ર ગુનાનો પર્દાફાશ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

પનવેલ શહેર પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર પતિ અને તેના મિત્રની ધરપકડ કરી છે. પત્ની પર અનૈતિક સંબંધની શંકા રાખીને પતિ સુશીલે તેને લાતો અને મુક્કાઓથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો, જેના કારણે ગંભીર આંતરિક ઈજાઓ થવાથી તેનું મોત થયું હતું.

પત્નીના મૃત્યુ બાદ સુશીલે મિત્ર રમેશની મદદથી ઝૂંપડી નજીક ખાડો ખોદીને લાશને માટી નીચે દાટી દીધી હતી. જોકે તેના હાથનો થોડો ભાગ બહાર રહી ગયો હતો જે બીજા દિવસે સવારે સ્થાનિક મહિલાની નજરે પડ્યો હતો અને તેણે પોલીસને જાણ કરી હતી.

મરનારી મહિલાના પાંચ વર્ષના દીકરાએ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી હતી કે પપ્પાએ તેની મમ્મીને ઢોર માર માર્યો હતો અને બાદમાં બન્નેએ મળીને લાશને ખાડામાં દાટી દીધી હતી. બાળકના નિવેદનના આધારે પોલીસે સુશીલ અને રમેશની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

panvel murder case Crime News mumbai crime news mumbai police mumbai mumbai news