આત્મનિર્ભર અભિયાન અંતર્ગત ૩૬ સાધર્મિક રિક્ષાચાલકોને પોતાની માલિકીની રિક્ષા અર્પણ થઈ

21 January, 2025 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં, પરમ કરુણા મહોત્સવમાં સમાજ કલ્યાણના અનેક પ્રકલ્પોની ઉદ્ઘોષણા થતાં અનેક જરૂરિયાતમંદોના વિકલ્પોને મળ્યું સમાધાન

સત્કાર્યો અર્થે ૪ કરોડ રૂપિયાનાં દાન જાહેર

આપણે આજે કોઈને આંગળી આપીએ, તેઓ આવતી કાલે કોઈને હાથ આપશે.

સ્વાર્થ કેરોસીન જેવો છે, જ્યાં પડે ત્યાં ભડકો કરે; પરમાર્થ ઘી જેવો હોય, જ્યાં પડે ત્યાં દીવો પ્રગટાવે.

- શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

આ દુનિયામાં જીવતા અનેકાનેક નિઃસહાય જીવોના સહારા, અનેકોને મુસીબતમાં નિહાળી તેમના ચહેરા પર મુસ્કાન લાવનાર, અનેકોનાં આંસુને આનંદમાં પરિવર્તિત કરવાનો સફળ પુરુષાર્થ કરનાર માનવતાના મસીહા, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં રાજકોટના આંગણે ૧૯ જાન્યુઆરીએ પરમ કરુણા મહોત્સવ ઊજવાયો હતો.

માતુશ્રી કંચનબહેન રમણીકલાલ શેઠ પરિવારના આંગણેથી પ્રારંભ થયેલી, અનેક વિવિધતાથી શોભતી ભવ્ય શોભાયાત્રા જિનશાસન અને ગુરુવર્યોનો જય-જયકાર ગજાવતી ડુંગર દરબારમાં પહોંચતાં ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.

આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું કે સ્વાર્થ કેરોસીન જેવો હોય છે, જ્યાં પડે ત્યાં ભડકો કરે અને પરમાર્થ ઘી જેવો હોય છે, જ્યાં પડે ત્યાં દીવો પ્રગટાવે. જો આજે તમે કોઈને સહાયની આંગળી આપશો તો સહાય પામનાર આવતી કાલે કોઈને હાથ આપશે.

પરમ કરુણા મહોત્સવની યશકલગી સમાન આત્મનિર્ભર અભિયાન અંતર્ગત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા સાધર્મિક ભાઈઓને આત્મનિર્ભર બનાવવા રાજકોટ, વેરાવળ, અમદાવાદ, મુંબઈમાં અનેક રિક્ષા અર્પણ કર્યા બાદ રાજકોટમાં ફરી એક વાર ૩૬ સાધર્મિક ભાઈઓને રિક્ષા અર્પણ કરવામાં આવી હતી.

એ સાથે જ રોટરી મિડ ટાઉનના સહયોગથી ‘અર્હમ રોટરી મિડ ટાઉન સ્વાશ્રય કેન્દ્ર’ ઢેબર રોડ પર ખોલવામાં આવશે, જેના ઉદ્ઘાટનની ઘોષણા થઈ, જેના દ્વારા બહેનોને સમાજ કલ્યાણ અર્થે વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ તેમ જ લુક ઍન લર્ન જૈન જ્ઞાન ધામમાં જોડાયેલાં યુવાનો, દીદીઓ, બાળકો તેમ જ તેમના પરિવારજનો માટે રાજકોટમાં પરમ મેડિકલ સેવાનો પ્રારંભ કર્યો હતો.

આ સાથે જ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી થતાં અનેકાનેક માનવતા અને જીવદયા કાર્યોની અનુમોદના એવમ સત્કાર્યોની શૃંખલામાં અનેક નવાં સત્કાર્યોની ઉદ્ઘોષણા થતાં વાતાવરણ હર્ષોલ્લાસિત થયું હતું.

આ અવસરે લુક ઍન લર્નનાં નાનાં ભૂલકાંઓએ નૃત્ય પ્રસ્તુતિ તેમ જ અર્હમ યુવા સેવા ગ્રુપના યુવાનોએ તેમ જ પારસધામ યુથનાં બાળકોએ ગુરુદેવની પ્રેરણાથી ચાલતા પ્રકલ્પોમાં સેવા અર્પણ કરવાની તક અર્પણ કરવા માટે ઉપકારની અભિવ્યક્તિ કરી હતી. એ સાથે જ સમગ્ર રાજકોટના ઉપસ્થિત શ્રી સંઘના પ્રતિનિધિઓએ પરમ ગુરુદેવને રાજકોટમાં વધુ સમય સ્થિરતા કરવા માટે વિનંતી કરી હતી.

જીવનમાં હર શ્વાસમાં કરુણાને ધબકતી રાખવી છે એવા સંકલ્પ સાથે ઉદ્ઘોષિત પ્રકલ્પોની અનુમોદના એવમ સ્વયં જોડાઈ જવાના ભાવિકોના આંતરિક સંકલ્પ સાથે સભા પરિપૂર્ણ થઈ હતી.

jain community gujarati community news mumbai mumbai news