બોરીવલીની ઇન્ટરનૅશનલ શાળાની ફી વધારાનો વિવાદ વકર્યો, વાલીઓએ ચોંકાવનારા આક્ષેપ કર્યાં

18 December, 2025 09:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરતા ધારાસભ્ય સંજય ઉપાધ્યાયના પ્રતિનિધિ સુશીલ સિંઘે જણાવ્યું કે, “અમારી ઑફિસમાંથી એકથી વધુ વાર વિટ્ટી ઇન્ટરનેશનલ શાળાનો સંપર્ક કરવામાં આવ્યો, કોઇ અધિકૃત વ્યક્તિ મળવા ન આવી."

વાલીઓએ આ મુદ્દાની રજુઆત બોરીવલીના ધારાસભ્ય સંજય ઉપાધ્યાય સમક્ષ પણ કરી

બોરીવલીના શિમ્પોલી રોડ પર આવેલી વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલે ફીને મામલે કરેલા આડેધડ ફેરફારોને કારણે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. આજે ફરી એકવાર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમનો સંપર્ક કરીને વાલીઓએ પોતાની વ્યથા ઠાલવી, એટલું જ નહીં પણ એવા પુરાવા પણ પુરા પાડ્યા જેમાં એક જ ઘરના બે બાળકોની ફી માળખામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વાલીઓએ આ મુદ્દાની રજુઆત બોરીવલીના ધારાસભ્ય સંજય ઉપાધ્યાય સમક્ષ પણ કરી જેવો વીડિયો તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને આપ્યો હતો. વાલીઓએ આજે પણ ધારાસભ્યના કાર્યાલયને મળીને વિદ્યાર્થીઓની ફીમાં અનિયમિત વધારા અંગે પોતાની ફરિયાદ નોંધાવી છે. વાલીઓની ફરિયાદોને ગંભીરતાથી સાંભળવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં અને વાલીઓને ન્યાય મળે તે માટે સંબંધિત બાબતો પર યોગ્ય પગલાં લેવામાં આવશે, એવું આશ્વાસન આપવામાં આવ્યું.

ધારાસભ્યએ શું કહ્યું?

આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરતા ધારાસભ્ય સંજય ઉપાધ્યાયના પ્રતિનિધિ સુશીલ સિંઘે જણાવ્યું કે, “અમારી ઑફિસમાંથી એકથી વધુ વાર વિટ્ટી ઇન્ટરનેશનલ શાળાનો સંપર્ક કરવામાં આવ્યો, કોઇ અધિકૃત વ્યક્તિ મળવા ન આવી પણ જે વ્યક્તિ મળવા આવી તેણે પોતે માત્ર સંદેશો આપનાર છે તેમ કહ્યું. વાલીઓની સમસ્યા તેઓ 17મી ડિસેમ્બર સુધી ઉકેલશે તેવી વાત કરી અને ફી ભરવાની છેલ્લી તારીખ પણ લંબાવીને દસ જાન્યુઆરી કરી હોવાનું કહ્યું. તેનો પુરાવો પણ વીડિયોમાં છે જ, છતાં પણ હજી સુધી સ્કૂલ સત્તાધીશો તરફથી કોઇ રીતે મામલો ઉકેલવાની પહેલ કરાઈ નથી. ફી વધારાને મામલે કોઇ સ્પષ્ટતા નથી થઈ. મારા મતે આ તો આર્થિક કૌભાંડ જ કહેવાય અને જો સ્કૂલ પ્રશાસન તરફથી કોઇ નક્કર જવાબ નહીં આવે કે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સ્કૂલનું NOC જ રદ કરવા માટે અમે અમારા તરફથી પહેલ કરીશું. આ સ્કૂલ અંગેની ફાઇલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે.”

વાલીઓએ ફરિયાદમાં શાળાની અન્ય ગંભીર સમસ્યાઓ પણ જણાવી

ગુજરાતી મિડ-ડેને વાલીઓએ માહિતી આપી

એક વાલીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, તેમના બન્ને સંતાનો આ જ શાળામાં છે પણ સ્વાભાવિક છે કે તેમણે અલગ અલગ વર્ષે સ્કૂલમાં પ્રવેશ લીધો છે પણ ફીની રકમમાં બહુ મોટો ફેર છે.  દીકરાને સિનિયર કેજીમાં મૂક્યો ત્યારે 1.35 લાખ રૂપિયા વાર્ષિક ફી હતી અને આઇજી બોર્ડમાં પહેલા ધોરણમાં મુકવા માટે 2.60 લાખ રૂપિયા ફી માગવામાં આવી છે જે અયોગ્ય અને અનૈતિક છે, આ ફી વધારો સો ટકા જેટલો છે. વાલીઓનો આરોપ છે કે શાળાએ તેમને ઍડમિશન સમયે કહ્યું હતું કે દર વર્ષે 10-12 ટકા વધારો થશે, જેનો વાલીઓએ સ્વીકાર કર્યો, પણ ફીમાં 60થી 100 ટકાનો વધારો થયો છે. વાલીઓએ વધુમાં કહ્યું કે શાળાએ આ મુદ્દાઓના ઉકેલ માટે કોઈ પગલાં લીધા નથી અને માત્ર ફી વધારો કર્યો.

અન્ય એક વાલીએ કહ્યું કે અત્યારના માળખા પ્રમાણે જો દર વર્ષે બાર ટકા ફી વધારો થાય તો તેમનું બાળક દસમા ધોરણમાં પહોંચે ત્યારે તેની વાર્ષિક ફી છ લાખ રૂપિયા હોય જે ઉઘાડી લૂંટ જ કહી શકાય. અગાઉ વાલીઓના વિરોધને પગલે દસ-પંદર હજાર રૂપિયાના ઘટાડાનું પગલું લેવાયું હતું જો કે દર વર્ષે દસથી બાર ટકા ફી વધારાને મામલે કોઈ ફેરફાર કરવામાં નહોતો આવ્યો જે વાલીઓને માટે મોટો આર્થિક બોજ બની ગયો છે. 

વાલીઓએ શાળા વહીવટીતંત્ર સમક્ષ આ માગણીઓ કરી

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે જ્યારે સ્કૂલમાંથી ધારાસભ્યને મળવા આવેલ વ્યક્તિનો સંપર્ક કર્યો ત્યારે તેમણે એવો જવાબ વાળ્યો કે પોતે આ અંગે જવાબ આપવાની સત્તા નથી ધરાવતા. બાદમાં સ્કૂલ વ્યવસ્થાપકનું પ્રતિનિધિત્વ કરતી એજન્સીએ પણ ગુજરાતી મિડ-ડો ડૉટ કૉમને સંપર્ક કરી સ્કૂલ સત્તાધીશોની આ મુદ્દે ચોખવટ કરતું વિધાન આપવાની ખાતરી આપી હતી જો કે આ સમાયાર પ્રકાશિત થયા ત્યાં સુધી એ સ્પષ્ટતા પ્રાપ્ત નહોતી થઇ. સામા પક્ષની ચોખવટ મળશે તો તેની પણ રજુઆત કરવામાં આવશે. આ તબક્કે વાલીઓ શાળા તરફથી ચોખવટ થાય તેની રાહમાં છે. એક તરફ તેમને સંતાનોની ચિંતા પણ છે કારણકે અન્ય એક બાળક જે પાંચમાં ધોરણમાં છે તેને શિક્ષિકાએ એવા ફોર્મ પર ટિક માર્ક કરવાની ફરજ પાડી હતી જેનાથી સ્પષ્ટ થાય કે તે આવતા વર્ષે આ જ શાળામાં રહેશે કે કેમ? કોઈપણ વાલી માટે આ ચિંતાની વાત છે. વળી કોઈપણ શિક્ષક આ રીતે નાના બાળક પાસેથી વાલીઓના અવલોકન વિના કઈ રીતે આ પ્રકારની ગેરંટી પુરી પાડવાની ફરજ પાડી શકે છે? શાળાના કન્ટ્રી હૅડ હોય કે શાળાના આચાર્યા હોય, કોઇપણ વાલીઓ સાથે કે ધારાસભ્યની સાથે વાતચીત કરવા હજી સુધી હાજર થયા નથી અને તેમનો સંપર્ક પણ થઇ શકતો નથી.

gujarati mid day bharatiya janata party Education mumbai news central board of secondary education chirantana bhatt viral videos mumbai gujarati community news gujaratis of mumbai