25 January, 2026 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાર્લે-જીનું વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલ કૅમ્પસ
દેશના દરેક ઘરમાં પ્રિય બિસ્કિટ પાર્લે-જીના વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલા કૅમ્પસને કમર્શિયલ રીડેવલપમેન્ટ માટે મંજૂરી મળી ગઈ છે. પાર્લે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના કૅમ્પસમાં કન્સ્ટ્રક્શન માટે સ્ટેટ એન્વાયર્નમેન્ટ ઑથોરિટી તરફથી ક્લિયરન્સ મળી ગયું છે.
કંપની સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે ‘કન્સ્ટ્રક્શન ટૂંક સમયમાં શરૂ થશે. એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસેથી કમેન્સમેન્ટ સર્ટિફિકેટ મેળવી લેવામાં આવ્યું છે.’
સ્ટેટ એન્વાયર્નમેન્ટ ઇમ્પૅક્ટ અસેસમેન્ટ ઑથોરિટી (SEIAA) તરફથી પાર્લે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના કુલ ૧૩.૫૪ એકરના પ્લૉટ પર કમર્શિયલ ડેવલપમેન્ટ માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે.
૩૯૬૧ કરોડ રૂપિયાના અંદાજિત પ્રોજેક્ટખર્ચ સાથે આ રીડેવલપમેન્ટ વિલે પાર્લેમાં સૌથી મહત્ત્વપૂર્ણ ડેવલપમેન્ટમાંનું એક છે.
આ પ્રોજેક્ટમાં હાલમાં કૅમ્પસમાં રહેલાં ૨૧ જૂનાં સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે. રીડેવલપમેન્ટમાં કુલ બિલ્ટ-અપ એરિયા લગભગ ૧.૯૦ લાખ ચોરસ મીટર હશે. આ પ્રોજેક્ટમાં અનેક કમર્શિયલ બિલ્ડિંગ, પાર્કિંગ ટાવર અને સપોર્ટ ફૅસિલિટીનો સમાવેશ થાય છે. બિલ્ડિંગની ઊંચાઈ ૨૮થી ૩૧ મીટરની વચ્ચે રહેશે, કારણ કે વિલે પાર્લે ઍરપોર્ટ ફનલ ઝોનમાં આવે છે.’
આ બિલ્ડિંગ ૨૦૩૪ના ડેવલપમેન્ટ પ્લાન હેઠળ કમર્શિયલ અને સેમી-રેસિડેન્શિયલ ઝોનમાં આવે છે તેમ જ જાહેર હેતુ માટે એ રિઝર્વ્ડ નથી. આ પ્રોજેક્ટમાં લૅન્ડસ્કેપિંગ પગલાં પણ લેવામાં આવશે. સાઇટ પર હાલના ૫૦૮ વૃક્ષોમાંથી ૧૨૯ કાપવામાં આવશે, ૬૮ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અને ૩૧૧ જાળવી રાખવામાં આવશે. ડેવલપર દ્વારા ૧૮૫૧ નવાં વૃક્ષો વાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.