05 February, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાર્થ અને જય પવાર
બુધવારે બારામતીમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના અધ્યક્ષ શરદ પવાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્રો પાર્થ અને જય પવાર વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી. દોઢ કલાક ચાલેલી આ બેઠક પવાર પરિવારના વતન બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં યોજાઈ હતી. બેઠકના એજન્ડા પર તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નહોતી. બન્ને NCPના વિલીનીકરણ અને આગામી જિલ્લાપરિષદની ચૂંટણીઓ તેમ જ વિદ્યા પ્રતિષ્ઠાનમાં અજિત પવારના પ્રસ્તાવિત સ્મારક બાબતે ચર્ચા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અજિત પવારના અવસાન પછી શરદ પવાર અને તેમના પક્ષના અન્ય નેતાઓએ દાવો કર્યો હતો કે વિલીનીકરણની વાટાઘાટો થઈ ચૂકી હતી અને ૧૨ ફેબ્રુઆરીએ જાહેરાત થવાની હતી. જોકે આ અંગે અજિત પવારની પાર્ટીમાંથી કોઈ ખાતરી આપવામાં આવી નહોતી.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને NCP(SP)ના વિલીનીકરણ બાબતે પહેલાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર આડકતરો પ્રહાર કર્યા બાદ NCP(SP)ના અધ્યક્ષ શરદ પવારે દેવેન્દ્ર ફડણવીસ બાબતે સીધી જ પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ NCPનાં બે જૂથો વચ્ચેના વિલીનીકરણની ચર્ચાનો ભાગ નહોતા એટલે આ બાબતે ટિપ્પણી કરવાનો તેમને કોઈ અધિકાર નથી. બારામતીમાં પત્રકારો સાથે વાત કરતાં શરદ પવારે સ્પષ્ટતા કરી હતી કે NCP(SP)ના નેતા જયંત પાટીલ અને અજિત પવાર વિલીનીકરણની વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા હતા.
અજિત પવારના અવસાન બાદ શરદ પવાર અને તેમના પક્ષના અન્ય નેતાઓએ દાવો કર્યો હતો કે વિલીનીકરણની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. જોકે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જો વિલીનીકરણની વાટાઘાટો ખરેખર ચાલતી હોત તો અજિત પવારે તેમની સાથે આ વાત શૅર કરી હોત. શરદ પવારે વિલીનીકરણ બાબતે એવો પણ ખુલાસો કર્યો હતો કે હાલમાં બન્ને પક્ષની પ્રાથમિકતા એકબીજાને ટેકો આપવાની છે અને પછી આગળ કેવી રીતે વધવું એ નક્કી કરીશું.