NCPમાં ચાલી શું રહ્યું છે?

18 May, 2026 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્થ પવારે દેવેન્દ્ર ફડણવીસની, જ્યારે આનંદ પરાંજપેએ શિવસેના જૉઇન કરીને શરદ પવારની મુલાકાત લીધી

પાર્થ પવાર

છેલ્લા એક અઠવાડિયાથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) રાજકારણના કેન્દ્રમાં છે. એવું  ચર્ચાઈ રહ્યું છે કે NCPના વરિષ્ઠ નેતાઓ નારાજ છે, જ્યારે પક્ષના નેતાઓએ આ સમાચારને ખોટા ગણાવવા માટે પ્રેસ-કૉન્ફરન્સ યોજી છે. એમ છતાં એવું લાગી રહ્યું છે કે કશુંક મોટું બનવા જઈ રહ્યું છે. અધૂરામાં પૂરું, પાર્થ પવાર શનિવારે મોડી રાતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલા પર પહોંચ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી. રવિવારે શિંદેસેનામાં જોડાયેલા આનંદ પરાંજપે વરિષ્ઠ નેતા શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચ્યા હતા. NCPમાં ચાલી રહેલા ડેવલપમેન્ટને કારણે આ બન્ને મુલાકાતોને રાજકીય પંડિતો મહત્ત્વની ગણાવી રહ્યા છે.

સૂત્રોએ માહિતી આપી છે કે સંસદસદ પાર્થ પવાર ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે આ બેઠક શનિવારે રાત્રે ૧૦ વાગ્યે વર્ષાના નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકનું કારણ હજી ગુપ્ત રાખવામાં આવ્યું છે. NCPમાં ચાલી રહેલા આંતરિક વિવાદની પૃષ્ઠભૂમિમાં આ બેઠકને મહત્ત્વ મળ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાર્થ પવાર એકલા મળવા ગયા હતા. NCPમાં થયેલા હોબાળા પછી પાર્થ પવાર અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની આ બેઠકે રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે. શું NCPના ટોચના નેતાઓ ખરેખર નારાજ છે? શું આગામી દિવસોમાં કેટલાક નેતાઓ અલગ પક્ષ કરશે? પાર્ટીમાંથી કોઈને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. હવે આ બધામાં ભારતી જનતા પાર્ટી શું ભૂમિકા ભજવશે એના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

mumbai news mumbai shiv sena nationalist congress party political news devendra fadnavis