09 November, 2025 09:20 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
અજિત પવારનો દીકરો પાર્થ પવાર
ભારે વિવાદ પછી મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારના દીકરા પાર્થ પવારની કંપનીએ કરેલો પુણેની જમીનનો સોદો રદ કરી દેવામાં આવ્યો છે. જોકે ગઈ કાલે જાણવા મળ્યું હતું કે હવે પાર્થ પવારની કંપનીએ કરેલા સેલ-ડીડને રદ કરવા માટે ડબલ સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવવી પડશે જે લગભગ ૪૨ કરોડ રૂપિયા જેટલી હશે.
રજિસ્ટ્રેશન ઍન્ડ સ્ટૅમ્પ્સ ડિપાર્ટમેન્ટે પાર્થ પવારના કઝિન ભાઈ અને તેની કંપનીના ભાગીદાર દિગ્વિજય પાટીલને જાણ કરી હતી કે કંપનીએ હવે અગાઉની ૭ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી (મહારાષ્ટ્ર સ્ટૅમ્પ ઍક્ટ હેઠળ પાંચ ટકા, ૧ ટકો લોકલ બૉડી ટૅક્સ અને ૧ ટકો મેટ્રો સેસ) ચૂકવવી પડશે, કારણ કે તેમણે સેલ-ડીલ કરતી વખતે આ જમીન પર ડેટા સેન્ટર માટેની પ્રપોઝલ હોવાનો દાવો કરીને સ્ટૅમ્પ-ડ્યુટી માફ કરાવી હતી.
ડિપાર્ટમેન્ટમાંથી મળતી માહિતી પ્રમાણે કંપનીએ હવે રજૂ કરવામાં આવેલી કૅન્સલેશન ડીડ પરથી સ્પષ્ટ થયું છે કે સેલ-ડીડ કરતી વખતે જે ડેટા સેન્ટરનો પ્રસ્તાવ બતાવીને સ્ટૅમ્પ-ડ્યુટી માફ કરાવવામાં આવી હતી એ ડેટા સેન્ટરનો પ્લાન પડતો મૂકવામાં આવ્યો છે. આને કારણે તેમણે અગાઉની ૭ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી પણ ભરવી પડશે. ૩૦૦ કરોડ રૂપિયાના આ જમીનસોદા માટે ૭ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી ૨૧ કરોડ રૂપિયા થાય એટલે પાર્થ પવારની કંપનીએ હવે ૪૨ કરોડ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી ભરવી પડશે.
વિવાદનો અત્યાર સુધીનો ઘટનાક્રમ
ગુરુવારે પુણેના મુંઢવા વિસ્તારમાં ૪૦ એકર સરકારી જમીન જરૂરી મંજૂરીઓ વિના અજિત પવારના દીકરા પાર્થ પવારની કંપનીને વેચી દેવામાં આવી હોવાનો આરોપ વિપક્ષી નેતાઓએ કર્યો હતો અને આશરે ૧૮૦૦ કરોડ રૂપિયાની આ જમીન ૩૦૦ કરોડમાં આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે દિગ્વિજય પાટીલ અને જમીનના માલિકોનું પ્રતિનિધિત્વ કરતાં શીતલ તેજવાણી અને સબ-રજિસ્ટ્રાર સામે ગેરરીતિ અને છેતરપિંડીના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અજિત પવારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે પાર્થને ખબર નહોતી કે તેની કંપની દ્વારા ખરીદવામાં આવેલી જમીન સરકારની છે. હવે ૩૦૦ કરોડનો એ જમીનસોદો રદ કરવામાં આવ્યો છે.
સંતાનો મોટાં થાય તો પણ આજ્ઞાકારી હોવાં જોઈએ: નારાયણ રાણે
દીકરા પાર્થની કંપની ૩૦૦ કરોડના વિવાદમાં ફસાઈ જતાં અજિત પવારે પહેલાં બચાવમાં એવું કહ્યું હતું કે જ્યારે તમારાં સંતાનો મોટાં થઈ જાય છે ત્યારે તેઓ તેમનો પોતાનો બિઝનેસ જાતે કરે છે. આ નિવેદનના જવાબમાં BJPના સંસદસભ્ય નારાયણ રાણેએ ટોણો મારતાં એવું કહ્યું હતું કે ‘સંતાનો મોટાં તો થઈ જાય પણ આજ્ઞાકારી હોવાં જોઈએ. એના વિશે હું બીજું તો શું કહું?’
સત્ય સામે આવવું જોઈએ: શરદ પવાર
આ વિવાદ વચ્ચે ગઈ કાલે પત્રકારો સાથે વાત કરતાં શરદ પવારે કહ્યું હતું કે ‘કુટુંબ અને રાજકારણ બે અલગ-અલગ બાબતો છે. અમે પરિવાર તરીકે એક છીએ, પણ અમારી વિચારધારા અલગ છે. પુણે જમીન કૌભાંડ કેસમાં તપાસ કરીને જે સત્ય હોય એ સમાજ સામે મૂકવું જોઈએ.’