28 August, 2025 06:54 AM IST | Mumbai | Rohit Parikh
શ્રી માટુંગા જૈન યુવક મંડળના યુવાનોના થાળીનૃત્યની દાદર અને માટુંગાનાં દેરાસરોમાં રજૂઆતની ઝલક.
શ્રી માટુંગા જૈન યુવક મંડળ છેલ્લાં ૧૮ વર્ષથી પરમાત્માની ભક્તિરૂપે જૈનોના પર્યુષણ પર્વ અને ભક્તિ મહોત્સવમાં થાળીનૃત્ય કરે છે જેમાં ૭ વર્ષના બાળકથી લઈને ૪૦ વર્ષના લોકો જોડાયેલાં છે. આ પર્યુષણમાં તેમણે માટુંગા, દાદર અને સાયનમાં પરમાત્માની ભક્તિ કરી હતી.
આ બાબતે માહિતી આપતાં મંડળના સંચાલક સાગર શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અત્યાર સુધીમાં પાલિતાણા, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, રતલામ, બૅન્ગલોર, ચેન્નઈ, મૈસૂર, કચ્છ વગેરે જૈન સંઘોમાં પ્રખ્યાત ગાયક સાથે પરમાત્માની ભક્તિ થાળીનૃત્ય સ્વરૂપે કરી છે. આંખે પાટા બાંધીને, પિરામિડ સ્વરૂપે અમે થાળીનૃત્ય કરતા આવ્યા છીએ. એની પ્રૅક્ટિસમાં કે શો-ટાઇમમાં જે સ્ટન્ટ કરીએ છીએ એમાં અમને આજ સુધી શ્રી વાસુપૂજ્ય સ્વામી દાદાની અસીમ કૃપાથી કોઈ તકલીફ નથી થઈ કે કોઈ બાળક કે યુવકને ઈજા નથી થઈ. અમારા કાર્યક્રમ જોઈને અમને અનેક રિયલિટી શોમાંથી ઑફર આવતી રહે છે, પણ અમે થાળીનૃત્ય ફક્ત પરમાત્માની ભક્તિ માટે કરતા હોવાથી રિયલિટી શોમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. અમે નાના સંઘોની સાથે ધાર્મિક અને ભક્તિ મહોત્સવમાં ૫૦,૦૦૦ લોકોની મેદની વચ્ચે અમારા નૃત્યની રજૂઆત ઇન્દોરમાં કરી ચૂક્યા છીએ. અમારી ખાસ વિશેષતા એ છે કે અમે પરમાત્માની ભક્તિ નિઃસ્વાર્થભાવે કરતા રહ્યા છીએ.’