18 November, 2026 08:30 AM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent
કૈલાશ ખૈરમોડેની ડેડ-બૉડી રેલવે-સ્ટેશન પર.
મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ઐરોલી રેલવે-સ્ટેશન પર એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં મેડિકલ સુવિધાઓના અભાવે અને સમયસર સારવાર ન મળવાને કારણે ૭૧ વર્ષના કૈલાશ ખૈરમોડે મુસાફરનું સોમવારે મૃત્યુ થયું હતું. ઘણસોલીના રહેવાસી કૈલાશ ખૈરમોડે સોમવારે બપોરે એક કાર્યક્રમમાંથી પોતાના ઘરે પર ફરી રહ્યા હતા ત્યારે થાણેથી ટ્રેન ઊપડ્યા બાદ દિઘા ગામ નજીક પહોંચતાં અચાનક તેમની તબિયત લથડી હતી. ટ્રેન જેવી ઐરોલી સ્ટેશન નજીક પહોંચી કે તરત જ તેઓ બેભાન થઈને સીટ પર જ ઢળી પડ્યા હતા. સાથી મુસાફરોએ તાત્કાલિક ચેઇન ખેંચીને ટ્રેનને ઐરોલી સ્ટેશને રોકી હતી અને તેમને પ્લૅટફૉર્મ પર ઉતારીને કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) આપીને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સ્ટેશન પર કોઈ જ મેડિકલ રૂમ કે કટોકટીની મેડિકલ સહાય ઉપલબ્ધ ન હોવાથી ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
સાથી પ્રવાસીએ જણાવ્યું હતું કે ‘સ્ટેશન પર ડૉક્ટર કે ઍમ્બ્યુલન્સ ન હોવાથી તેમણે રેલવે-પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ-કર્મચારીઓએ મદદ કરવાને બદલે અન્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં અને મેમો બુક જેવી પ્રક્રિયાઓમાં કીમતી સમય બગાડ્યો હતો. પરિવારજનો અને સહપ્રવાસીઓના આક્ષેપ મુજબ જો સ્ટેશન પર તાત્કાલિક મેડિકલ સહાય અથવા ઍમ્બ્યુલન્સ મળી હોત તો કૈલાશ ખૈરમોડેનો જીવ બચી શક્યો હોત. છેવટે મુસાફરોની મદદથી તેમને સ્ટેશનની બહાર આવેલા એક ખાનગી ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બાદ તેમનો મૃતદેહ વધુ તપાસ માટે થાણે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.