17 July, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકલ ટ્રેનમાં છુટ્ટા હાથની મારામારી કરતા લોકો.
ચર્ચગેટથી વિરાર જતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ વચ્ચે ફ્રી-સ્ટાઇલ મારામારી થઈ હતી, જેનો વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ ઘટના બુધવારે રાત્રે બની હોવાનું માનવામાં આવે છે, જેમાં ચારથી પાંચ પ્રવાસીઓ મારામારી કરતા જોવા મળે છે. પ્રાથમિક દૃષ્ટિએ બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હોય એવું જણાય છે.
જોકે જનરલ કોચમાં બનેલી આ ઘટના વખતે બાકીના પ્રવાસીઓમાં ભય ત્યારે ફેલાઈ ગયો જ્યારે મારામારી કરનારો એક યુવક તેના સાથીદારને ‘મશીન કાઢ, મશીન કાઢ’ એવી બૂમો પાડવા માંડ્યો. ‘મશીન કાઢ’નો અર્થ તે ચાકુ કે અન્ય કોઈ ધારદાર હથિયાર કાઢવાનું કહેતો હોવાનું મનાય છે.
આ ઘટનામાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું હોવાની તથા આ મામલે રેલવે-પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં હતાં કે નહીં એની માહિતી નથી. જોકે લોકલ ટ્રેનમાં વધતી મારામારી-હિંસાની ઘટનાના કારણે પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે.