06 January, 2026 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્લાઇટ ડિલે થતાં પરેશાન પૅસેન્જરોએ ફ્લાઇટમાંથી ઊતરીને ઇન્ડિગોના સ્ટાફ પાસે ડબલ રીફન્ડની માગણી કરી હતી.બીજી વાર ફ્લાઇટમાં બેઠા પછી પરિવારને ફોન કરીને જાણ કરી રહેલા પૅસેન્જર્સ.
ઇન્ડિગો ઍરલાઇન્સના પાઇલટ પ્લેનમાંથી ઊતરી જતાં ગઈ કાલે મુંબઈથી ઉદયપુર જનારા ૩૦૦ જેટલા પૅસેન્જર ઍરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા. સાંજે સવાપાંચ વાગ્યે ફ્લાઇટ ઊપડવાની હતી અને પૅસેન્જર્સ એમાં ગોઠવાઈ ગયા હતા, પણ ફ્લાઇટ ઊપડી જ નહીં. પહેલાં એમ કહેવામાં આવ્યું હતું કે ફ્લાઇટ ડિલે થઈ છે, ૭.૧૫ વાગ્યે ઊપડશે. જોકે એ પછી ૭.૪૫ વાગ્યે ઍર-હૉસ્ટેસે જ કહ્યું કે પાઇલટ ભાગી ગયા છે, તમે તમારો સામાન લઈને નીચે ઊતરી જાઓ. એથી કમને બધા પૅસેન્જર્સ તેમની હૅન્ડબૅગ સાથે નીચે ઊતર્યા હતા, પણ ઍરલાઇન્સના ધાંધિયાને કારણે તેમણે ભારે હાડમારી ભોગવવી પડી હતી. પાંચ વાગ્યે ઊડનારી ફ્લાઇટ પાંચ કલાક પછી રાતે ૧૦.૨૦ વાગ્યે ઊડી હતી
આ પ્લેનમાં પ્રવાસ કરી રહેલા અમેરિકાના ન્યુ જર્સીના ભાવેશ ગાલાએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ફ્લાઇટ સવાપાંચ વાગ્યાની હતી, અમે ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા હતા. ઍર-હૉસ્ટેસ પણ બધી તૈયારી કરી રહી હતી. એ પછી કહેવાયું કે ફ્લાઇટ ડિલે થઈ છે. ત્યાર બાદ ઍર-હૉસ્ટેસે જ આવીને કહ્યું કે પાઇલટ ભાગી ગયા છે, ફ્લાઇટ નહીં ઊડે એટલે તમારો સામાન લઈને નીચે ઊતરી જાઓ. અમે જ્યારે નીચે ઊતરીને ગ્રાઉન્ડ-સ્ટાફને પૂછ્યું ત્યારે પહેલાં તો તેઓ કોઈ જ જવાબ આપી નહોતા રહ્યા. અમારી સાથેના બીજા પૅસેન્જરો પણ અકળાઈ ગયા હતા. બધા પૅસેન્જરોનું કહેવું હતું કે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરો, પણ એ બાબતે પણ તેઓ કશું કહી નહોતા રહ્યા. પૅસેન્જરો ડબલ રીફન્ડની માગણી કરી રહ્યા હતા. એક પૅસેન્જરે તો ત્યાં સુધી કહી દીધું કે તમે અમારી પાસે ટિકિટ લો છો તો પ્રૉફિટ પણ કરો જ છોને? તો આવા વખતે તમારે અમને ડબલ રીફન્ડ આપવું જ જોઈએ. અમારે હેરાનગતિ ભોગવવી પડી એનું શું? એક પૅસેન્જરે કહ્યું હતું કે મારી સાથે સિનિયર સિટિઝન છે. તેમણે કલાકોથી કંઈ ખાધું નથી, હવે અમારે શું કરવું? એ પછી ઍરપોર્ટ સિક્યૉરિટીનો સ્ટાફ આવ્યો હતો અને પૅસેન્જરોને શાંત પાડ્યા હતા. ત્યાર બાદ અમારે ફરી બહાર આવવું પડ્યું હતું અને સિક્યૉરિટી ચેકિંગ કરાવવું પડ્યું. ત્યાર બાદ કહેવામાં આવ્યું કે બીજા પાઇલટની વ્યવસ્થા કરવામાં આવી છે જે ૯.૩૦ વાગ્યે આવ્યા હતા. આખરે ૧૦.૨૦ વાગ્યે પ્લેન અન્ય પાઇલટે ઉડાડ્યું હતું. દરમ્યાન ઇન્ડિંગોના ગ્રાઉન્ડ-સ્ટાફે પ્રવાસીઓને ફૂડ-પૅકેટ્સ પણ આપ્યાં હતાં અને તેઓ બહુ કોઑપરેટિવ રહ્યા હતા. જોકે ફ્લાઇટ આટલી ડિલે થતાં કેટલાક પૅસેન્જરોએ જવાનું માંડી વાળ્યું હતું અથવા બીજા ઑપ્શન્સ અપનાવ્યાં હતાં અને ઍરપોર્ટથી નીકળી ગયા હતા.’