14 October, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
મુંબઈમાં પે-ઍન્ડ-યુઝ પબ્લિક ટૉઇલેટનો ઉપયોગ ટૂંક સમયમાં મોંઘો થઈ શકે છે, કારણ કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) યુરિનલ, જેની સેવા હાલમાં મફત છે એના માટે એક રૂપિયો ફી દાખલ કરવાનો અને અન્ય સુવિધાઓ માટેના દરોમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. કૉર્પોરેશનના પક્ષના નેતાઓ સમક્ષ રજૂ કરાયેલા આ પ્રસ્તાવમાં ટૉઇલેટના ઉપયોગની ફી બે રૂપિયાથી વધારીને પાંચ રૂપિયા અને સ્નાન માટેની ફી પાંચ રૂપિયાથી વધારીને ૧૦ રૂપિયા કરવાની દરખા`સ્ત છે.
આ પ્રસ્તાવિત વધારો શહેરનાં ૮૪૬ જાહેર પે-ઍન્ડ-યુઝ શૌચાલય સંકુલોના સંચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને પગલે વિચારવામાં આવ્યો છે. આ સંકુલો BMC દ્વારા બનાવવામાં આવ્યાં છે પરંતુ એનું સંચાલન ખાનગી એજન્સીઓ અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે, જેમને સુવિધાઓની જાળવણીના ખર્ચમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પબ્લિક યુરિનલનો મફતમાં ઉપયોગ કરી શકે છે, જ્યારે ટૉઇલેટનો ઉપયોગ કરવા માટે બે રૂપિયા અને સ્નાન કરવા માટે પાંચ રૂપિયાનો ખર્ચ થાય છે. સૂચિત સુધારા હેઠળ આ ત્રણેયમાં વધારો થશે અને યુરિનલના ઉપયોગ માટે પણ પહેલી વખત ફી વસૂલ કરવામાં આવશે.
શહેરનાં ૮૪૬ પે-એન્ડ-યુઝ પબ્લિક ટૉઇલેટનો ઉપયોગ કરવા હવે બે રૂપિયાને બદલે પાંચ રૂપિયા અને સ્નાન માટે પાંચ રૂપિયાને બદલે ૧૦ રૂપિયા ચૂકવવા પડી શકે છે.