10 February, 2026 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેના કમિશનરની ઑફિસ સામે પ્રદર્શન કરી રહેલા લોકો (ડાબે) અને ગઈ કાલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી આરોપી નેહા નાર્વેકર.
૧૨૦૦ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમના સેંકડો પીડિતોએ થાણેના પોલીસ-કમિશનરની કચેરીની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એમાં આ કેસની ઝડપી તપાસ અને છેતરપિંડીને કારણે ગયેલા પૈસા પાછા કરવાની માગણી કરવામાં આવી હતી.
ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW)એ ગયા મહિને સમગ્ર મહારાષ્ટ્રમાંથી ૧૫૦૦ પોલીસ સહિત ૧૧૦૦૦થી વધુ રોકાણકારો સાથે સંકળાયેલા કૌભાંડમાં ગુજરાતથી ૩ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક આરોપી નેહા નાર્વેકરને ગઈ કાલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પુણે, કોલ્હાપુર, જળગાવ અને રત્નાગિરિથી આવેલા આંદોલનકારીઓએ પોલીસ-કમિશનરની ઑફિસના દરવાજાને રોકી લીધો હતો. તેમણે દાવો કર્યો હતો કે પોલીસની તપાસ ધીમી ગતિએ આગળ વધી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં આશરે ૧૧,૦૦૦ રોકાણકારોના ૧૨૦૦ કરોડ રૂપિયા સામેલ છે.
આરોપી સમીર નાર્વેકર, તેની પત્ની નેહા અને તેમના સહયોગી અમિત બાલમે ૨૦૧૯માં પુણેમાં ટ્રેડ વિથ જૅઝ નામની એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીની સ્થાપના કરી હતી. માસિક ૪ ટકા વળતર આપવાની લાલચે અનેક લોકોના પૈસા લઈને માલિકો અચાનક ઑફિસ બંધ કરી ભાગી ગયા હતા.
આરોપીઓ પર મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (MPID) ઍક્ટ ૧૯૯૯ અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ૧૨૦૦ કરોડ રૂપિયાના ફ્રૉડમાં હજી ૧૨ લાખ રૂપિયા જ પોલીસ પાછા મેળવી શકી છે.